જમ્મુ કાશ્મીરના એલજીને રાજ્ય સરકાર કરતા પણ વધુ શક્તિઓ અપાઇ

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
જમ્મુ કાશ્મીરના એલજીને રાજ્ય સરકાર કરતા પણ વધુ શક્તિઓ અપાઇ 1 - image


- વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

- પોલીસ, લોક વ્યવસ્થા, એસીબી, આઇએએસ અધિકારીઓની ટ્રાન્સફર, એડવોકેટ જનરલના નિર્ણય ઉપરાજ્યપાલના હાથમાં

- કેન્દ્રએ સ્પષ્ટ કરી દીધુ કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં હજુ ઘણો વિલંબ થશે : કોંગ્રેસનો પણ વિરોધ   

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે જેથી રાજ્યને નવી સરકાર મળશે, આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવેથી જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલને પણ દિલ્હીના ઉપરાજ્યપાલ જેટલી શક્તી આપવામાં આવી છે. હવેથી જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ આઇએએસ, આઇપીએસ અધિકારીઓની ટ્રાન્સફર સહિતના મોટાભાગના નિર્ણયો લઇ શકશે. ભવિષ્યમાં રાજ્યનો દરજ્જો પરત મળ્યા બાદ રાજ્ય સરકાર રચાય તો તેવી સ્થિતિમાં ઉપરાજ્યપાલની મંજૂરી વગર સરકાર કોઇ મોટા નિર્ણયો નહીં લઇ શકે. એટલે કે ઉપરાજ્યપાલની શક્તિ રાજ્ય સરકાર કરતા પણ વધુ હશે. 

કેન્દ્ર સરકારે કલમ ૩૭૦ હટાવી ત્યારે જમ્મુ કાશ્મીરનું પુનઃ ગઠન કર્યું હતું અને તે સમયે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૧૯ અમલમાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે આ કાયદામાં ફેરફાર કરીને ઉપરાજ્યપાલને વધુ તાકાત આપી દીધી છે, જેને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા પણ મંજૂરી આપી દેવાઇ છે. નવા નિયમો ૧૨મી જુલાઇથી અમલ પણ કરી  દેવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ પોલીસ, લોક વ્યવસ્થા, અખિલ ભારતીય સેવા, એન્ટિ કરપ્શન બ્યૂરોના મામલાઓમાં નાણા વિભાગની મંજૂરીની જરૂર હોય તેવા કોઇ પણ પ્રસ્તાવને મુખ્ય સચિવના માધ્યમથી ઉપરાજ્યપાલ સમક્ષ રજુ કરવામાં આવશે. એટલે કે તેમની મંજૂરી જરૂરી રહેશે. આ સાથે જ ઉપરાજ્યપાલને એડવોકેટ જનરલ નિયુક્ત કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. અપીલ દાખલ કરવાની મંજૂરી પણ ઉપરાજ્યપાલ પાસેથી લેવાની રહેશે. ગૃહ મંત્રાલય દ્વારા કરાયેલા આ સંશોધનો મુજબ પ્રશાસનિક સચિવો અને અખિલ ભારતીય સેવા (આઇએએસ) કેડરના અધિકારીઓની ટ્રાન્સફર સાથે સંકળાયેલો પ્રસ્તાવ પણ સરકારે મંજૂરી માટે ઉપરાજ્યપાલ પાસે મોકલવાનો રહેશે. આ જ પ્રકારના અધિકારો દિલ્હીના ઉપરાજ્યપાલ પાસે છે, જેને કારણે દિલ્હીની આપ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 

કેન્દ્ર સરકારના આ નિર્ણયનો જમ્મુ કાશ્મીરના સ્થાનિક પક્ષો દ્વારા વિરોધ શરૂ થઇ ગયો છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરંસના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાહે વિરોધ કરતા કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના લોકો એક શક્તિહીન રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી કરતા વધુ મેળવવાને હકદાર છે, કેન્દ્રના આ નિર્ણયને પગલે રાજ્ય સરકારે એક સામાન્ય કર્મચારીની બદલી માટે પણ ઉપરાજ્યપાલ પાસે ભીખ માગવી પડશે. પીડીપીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિઝા મુફ્તીએ કહ્યું હતું કે કેન્દ્રનો આ નિર્ણય રાજ્યની શક્તિઓને નબળી પાડી દેનારો છે. જ્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવામાં બહુ જ વિલંબ થશે.  


Google NewsGoogle News