કાયદો ભલે મહિલાઓ માટે હોય, પરંતુ પુરુષ જ હંમેશા ખોટો હોય તે જરૂરી નથી

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
કાયદો ભલે મહિલાઓ માટે હોય, પરંતુ પુરુષ જ હંમેશા ખોટો હોય તે જરૂરી નથી 1 - image


- જાતીય સતામણીના કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટનું તારણ

- એસસી-એસટી એક્ટનો કેસ ફગાવતા હાઈકોર્ટે કહ્યું, સમાજમાં આજે પણ લગ્ન માટે જાતિ મહત્વ ધરાવે છે

પ્રયાગરાજ : જાતીય સતામણીના એક કેસની સુનાવણી કરતા અલ્લાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે, કાયદો ભલે મહિલાઓના હિતોના રક્ષણ માટે બન્યો છે, પરંતુ દરેક વખતે પુરુષો જ ખોટા હોય તે જરૂરી નથી. લગ્નનું ખોટું વચન આપીને જાતીય સતામણી કરવાના આરોપોની સુનાવણી કરતી વખતે અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશો રાહુલ ચતુર્વેદી અને નંદ પ્રભા શુક્લાએ આ ટીપ્પણી કરી હતી.

જાતીય સતામણીના કેસમાં બધા જ તથ્યો સામે આવ્યા પછી હાઈકોર્ટે કહ્યું કે, આવા મામલામાં કેસ સાબિત કરવાની જવાબદારી આરોપી અને ફરિયાદી બંને પર હોય છે. ન્યાયાધીશો રાહુલ ચતુર્વેદી અને નંદ પ્રભા શુક્લાએ કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે જાતીય સતામણી સંબંધિત કાયદો મહિલા કેન્દ્રિત છે.  આ કાયદાનો આશય મહિલાઓના ગૌરવ અને સન્માનનું રક્ષણ કરવાનો છે, પરંતુ એ બાબત પણ ધ્યાન રાખવી પડશે કે હંમેશા પુરુષ જ ખોટો હોતો નથી.

હાઈકોર્ટે આરોપીને છોડી મુકવા વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરતી વખતે આ વાત કરી હતી. આરોપી પર એસસી-એસટી એક્ટ હેઠળ પણ કેસ નોંધાયેલો હતો. પીડિતાએ ૨૦૧૯માં કેસ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે, આરોપી તેની સાથે જાતીય સંબંધ બનાવતો રહ્યો અને વચન આપ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરશે. પરંતુ પાછળથી તેણે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો. એટલું જ નહીં મહિલાએ આરોપ મૂક્યો કે તે વ્યક્તિએ જાતિસૂચક શબ્દો કહ્યા હતા.

આરોપી વ્યક્તિ વિરુદ્ધ ૨૦૨૦માં આરોપનામું દાખલ કરાયું હતું. જોકે, ટ્રાયલ કોર્ટે ૨૦૨૩માં આરોપીને બળાત્કારના કેસમાં છોડી મૂક્યો હતો. કોર્ટમાં આરોપીનું કહેવું હતું કે બંને વચ્ચે સહમતિથી સંબંધ બન્યા હતા. તેણે મહિલા સાથે લગ્નનો ત્યારે ઈન્કાર કરી દીધો જ્યારે તેને ખબર પડી કે તે 'યાદવ' જાતિની નથી. આ સમગ્ર કેસની તપાસ કરતા કોર્ટને જણાયું કે આરોપ કરનારી મહિલાએ ૨૦૧૦માં પણ કોઈની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બે વર્ષ પછી તે અલગ રહેવા લાગી હતી. આ કેસની તપાસમાં જાણવા મળ્યું કે આરોપ મૂકનારી મહિલાએ તેના અગાઉના લગ્નની વાત પણ છુપાવી હતી. આ સિવાય જાતિ પણ ખોટી જણાવી હતી. આરોપી પર એસસી-એસટી એક્ટ હેઠળ નોંધાયેલા કેસના સંદર્ભમાં હાઈકોર્ટે કહ્યું કે, સમાજમાં કોઈપણ સંબંધોના લગ્નમાં પરિવર્તિત થવા માટે આજે પણ જાતિ મહત્વ ધરાવે છે. મહિલા જાતિ છુપાવવાની જરૂર કેમ પડી તેનો ખુલાસો કરી શકી નહોતી.


Google NewsGoogle News