વિશ્વનું સૌથી વિશાળ વૃક્ષ, એની છાયામાં એક સાથે બેસી શકે છે અધધ.. 10000 લોકો
આ વૃક્ષનો ધેરાવો ક્રિક્રેટના ગ્રાઉન્ડ કરતા પણ વધારે છે
આ વૃક્ષને કુલ ૨૮૮૦ જેટલા મૂળ અને ૩૩૦૦ જેટલી વડવાઇઓ છે
કોલક્તા,31 માર્ચ,2023,શુક્રવાર
એક વૃક્ષની છાયા નીચે સામાન્ય રીતે ૧૫ થી ૨૦ જેટલા લોકો આરામથી બેસી શકે છે,પરંતુ કોલકત્તા પાસે હાવડામાં ૨૫૦ વર્ષ જૂના અને ૪.૭ એકરમાં પથરાયેલા એક બનીયન ટ્રી નીચે ૧૦ હજારથી વધુ લોકો બેસી શકે છે. જગદીશચંદ્ર બોટોનિકલ ગાર્ડનમાં ઉગેલા આ વૃક્ષનો ધેરાવો ૪૮૬ મીટર જેટલો છે. દૂરથી જાણે કે બ્રીજ કે બિલ્ડિંગ હોય તેટલું વિશાળ લાગે છે. વધતા જતા ઘેરાવાના લીધે ડાળીઓ તૂટી ના જાય તે માટે ટેકા લગાવવામાં આવ્યા છે. બનીયન ટ્રીની સૌથી ઊંચી બ્રાંચ ૨૪.૫ મીટરની છે. આ વૃક્ષને કુલ ૨૮૮૦ જેટલા મૂળ અને ૩૩૦૦ જેટલી વડવાઇઓ છે. આ વૃક્ષ નીચે ફરતા લોકો મીની ફોરેસ્ટ વિસ્તારમાં ફરતા હોય તેવો અનુભવ કરે છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કલકત્તાને દેશની રાજધાની બનાવી હતી.ઇસ ૧૭૮૭ ૨ નવેમ્બરના રોજ રોયલ બોટાનિક ગાર્ડનનું નિર્માણ કર્યું હતું. જે આજે જીવ વૈજ્ઞાાનિક જગદિશચંદ્ર બોઝના નામે ઓળખાય છે. આ વૃક્ષ રોયલ બોટાનિક ગાર્ડનના સમયમાં કોણે વાવ્યું તે જાણવા મળતું નથી.આજે તેનો ફેલાવો ક્રિકેટના ગ્રાઉન્ડ કરતા પણ વધારે છે.આથી આ ટ્રી નું નામ ગીનીસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે.આ વૃક્ષને બોટાનિક ગાર્ડનમાં ૭ લોકોની ટીમ સંભાળે છે.
એક નોંધ મુજબ ૧૮૫૭માં આ વૃક્ષની વડવાઇઓ ૮૯ જેટલી હતી અને કેનોપી એરિયા ૨૪૦ મીટર હતો.વડની વડવાઇઓની ખાસિયત છે કે તે વધીને જમીનમાં માટી સાથે જકડાઇને વૃક્ષને મજબૂત પકક્ડ આપે છે.ઇસ ૧૮૮૪ અને ઇસ ૧૮૮૭માં આ વિસ્તારમાં બે વિનાશક સાઇકલોન આવતા આ બનિયાન ટ્રીની ડાળીઓને પણ નુકસાન થયું હતું.
આથી તેના વૃક્ષના બેલેન્સ માટે કેટલીક શાખાઓ કાપવામાં પણ આવી હતી.આ ટ્રી ઇકો સિસ્ટમનું પણ ખૂબજ મોટું ઉદાહરણ છે.આ વૃક્ષ પર મંકી ઉપરાંત વિવિધ પ્રકારના પક્ષીઓનું પણ નિવાસસ્થળ છે. જેને ઉગાડયું હશે તેને ખબર નહી હોય કે આ વૃક્ષ એક સમયે દુનિયાનું સૌથી વિશાળ વટવૃક્ષ બનશે.