એક હજાર વર્ષ પહેલા 31મી ડિસેમ્બરે ઉજવાતી હતી ઉત્તરાયણ, જાણો ક્યારે ફરી બદલાશે તારીખ
સદીઓથી સર્જાતી આ ઘટના પર્યાવરણ,સજીવસૃષ્ટિ અને માનવજીવન માટે મહત્વની
ઉતરાયણના દિવસથી સૂર્યના કિરણોમાં અજવાળુ વધે છે.
Makar Sankranti 2025 : ઉતરાયણ એક સોલાર ઘટના છે અને અંગ્રેજી કેલેન્ડર સૂર્યની ગતિને અનુસરતું હોવાથી એક માત્ર ઉતરાયણનો તહેવાર અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણે સૂર્ય દક્ષિણ ગોળાર્ઘ તરફ ગતિ કરીને મકર રાશીમાં પ્રવેશે છે. સદીઓથી સર્જાતી આ ઘટના પર્યાવરણ,સજીવસૃષ્ટિ અને માનવજીવન માટે મહત્વની છે.
ઉતરાયણના દિવસથી સૂર્યના કિરણોમાં અજવાળુ વધે છે. આ સાથે જ અંધારામાં અટવાતા કમુર્હતાનો અંત આવે છે. સૂર્યનું ઉત્તર તરફનું આગમન એ હર્ષની ઘટના હોવાથી સમગ્ર ભારતમાં તેની ભવ્ય ઉજવણી થાય છે. ઠુઠંવાતા સજીવોમાં નવ ચેતનાનો સંચાર થાય છે. રાજયે રાજયે તહેવારનું નામ બદલાય છે પરંતુ ઉમંગ અને ઉલ્લાસ તો એનો એ જ રહે છે.
અંગ્રેજી કેલેન્ડર મુજબનો એક માત્ર ઉત્સવ -
ભારતીય કેલેન્ડર મુજબ મહિના,તિથીઓ અને તહેવારો ચંદ્રની કળાના આઘારે ગોઠવાયેલા છે.આથી દેશમાં તમામ તહેવારો અને ઘાર્મિક ઉત્સવોનું આયોજન લૂનાર કેલેન્ડર મુજબ થાય છે.પરંતુ અપવાદરૃપ એક માત્ર ઉતરાયણનો તહેવાર ગ્રેગેરીયન કેલેન્ડર કે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે. કારણ કે અંગ્રેજી વર્ષ સૂર્યની ગતિને અનુસરે છે. આથી જાન્યુઆરી માસની 14મી તારીખે આપણે ત્યાં વણ લખાયેલી ઉતરાયણ બની છે પરંતુ આ સનાતન સત્ય નથી.
14મી જાન્યુઆરીએ ઉતરાયણ એ કાયમી નથી-
ઉતરાયણના પ્રાચિન ઇતિહાસ અને કેલેન્ડરનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે એક હજાર વર્ષ પહેલા ભારતમાં 31 ડિસેમ્બરના રોજ ઉતરાયણ આવતી હતી. એ પછી ઉતરાયણ ખસતી ખસતી 14મી જાન્યુઆરીએ આવી છે. નવાઇની વાત એ છે કે આ તારીખ પણ કાયમી તારીખ રહેવાની નથી. જેમ કે આજથી 5હજાર વર્ષ પછી તે ફેબુ્આરી ના અંતમાં અને 9 હજાર વર્ષ પછી તે છેક જૂન માસમાં આવતી હશે.
પશ્ચિમ ભારતમાં પતંગનો મહિમા
પશ્ચિમ ભારતમાં દાનપુર્ણ્યના ઘાર્મિક તહેવાર ઉપરાંત પતંગોત્સવ તરીકે વધુ પ્રખ્યાત છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયમાં નાના મોટા સહુ ઘાબા અગાસી પર ચડીને પતંગ ચગાવવાનો અને કાપવાનો આનંદ લૂંટે છે.આ બે રાજયોની અસરના કારણે રાજસ્થાનમાં પણ ઉતરાયણનો ઓચ્છવ વઘ્યો છે.ગુલાબી નગરી જયપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે.ગુજરાતમાં અમદાવાદ,સુરત,વડોદરા,અને રાજકોટ જેવા મોટા શહેરોની ઉતરાયણ પર દેશવાસીઓની નજર રહે છે. ઉતરાયણનો એક દિવસનો આનંદ ઓછો પડતો હોઇ બીજા દિવસે વાસી ઉતરાયણ તરીકે પણ ઉજવાય છે.
ઉત્તરભારતમાં સ્નાન તથા દાન પુર્ણ્યનો મહિમા વધુ
હિમાલયમાંથી ઉત્તરભારતના રાજયો તરફ વહેતી પવિત્ર નદીઓ અને જળાશયોમાં સ્નાનનો મહિમા વઘારે છે.પ્રયાગ ખાતે મઘામેલાનો આરંભ થાય છે. ગંગા કાંઠે આવેલા હરીદ્વારમાં પણ શ્રધ્ધાળુઓનો મેળો જામે છે. લોકો ગરીબોને દાન આપે છે.પરંતુ પતંગ ઉત્સવ ગુજરાત જેવો જોવા મળતો નથી.ખેડૂતો કાપણી કરીને ફસલ ઘરે લાવ્યાની ખુશીમાં ખોવાઇ જાય છે.પંજાબીઓ લોહડી નામનો તહેવાર ઉજવે છે. જેમાં હોળી જેવું તાપણું કરીને ખજુર,તલ,ચોખા અને શેરડી હોમવામાં આવે છે.
દક્ષિણ ભારતમાં ઉજવણીની એક અલગ જ દૂનિયા
તામિલનાડુ રાજયમાં આ દિવસે પોંગલનો તહેવાર ઉજવાય છે.દૂઘમાં ચોખા નાખીને ખીરનો પ્રસાદ વહેંચવામાં આવે છે.સૂર્યની પૂજા કરવામાં આવે છે.આંઘ્રપ્રદેશમાં પોંગલનો ઉત્સવ ત્રણ દિવસ સુધી ચાલે છે.આ તહેવાર દિવાળીની યાદ અપાવે તેવો ભવ્ય હોવાથી તેલુુગ ભાષામાં તેને પેએન્ડા પેન્ડુગા એટલે કે મોટો ઉત્સવ કહે છે.કેરલમાં ઐયપ્પા ભગવાનના 40 દિવસના અનુષ્ઠાનની પુર્ણાહુતી થાય છે. કર્ણાટકમાં નવું વર્ષ હોત તેમ નવા કપડા પહેરીને એકબીજાના ઘરે જઇને શુભેચ્છા આપવાની પણ પ્રથા છે.
બિહારમાં ખિચડીનો તહેવાર
બિહારમાં પતંગોત્સવ ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે.પરંતુ પૂર્વ બિહારના ગ્રામીણક્ષેત્રોમાં ઉતરાયણને ખિચડીનો તહેવાર કહે છે. આ તહેવારમાં લોકો જળાશય પાસે જઇને વાનગીઓ રાંઘીને ખાય છે. ત્યારબાદ આખી રાત ઢોલ નગારાના તાલે નાચગાન કરે છે.તેમજ પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર ખાતે મેળો શરૃ થાય છે. આ ઉપરાંત આસામ રાજયના સૌથી મોટા ઉત્સવ ભોગલી બીહુની શરૃઆત ઉતરાયણ થાય છે.