ધ કેરાલા સ્ટોરી : વક્ફના વિરોધમાં એક હજાર ચર્ચ મેદાનમાં ઉતર્યા
- કેન્દ્ર-રાજ્ય સરકારને દરમિયાનગીરીનો અનુરોધ કર્યો
- કોચીમાં વક્ફે પેઢીઓથી રહેતા ખ્રિસ્તીઓની જમીન પર દાવો ઠોકતા એક હજાર ચર્ચે ભેગા થઈ વિરોધ કર્યો
નવી દિલ્હી : વક્ફ બોર્ડ સંશોધન બિલને લઈને સમગ્ર દેશમાં ઘમાસાણ મચ્યું છે. તેની વચ્ચે કેરળમાં વકફના વિરોધમાં અલગ જ પ્રકારનો કેસ સામે આવ્યો છે. અહીં વકફની મનમાની સામે એક હજાર ચર્ચોએ મોરચો ખોલ્યો છે. ચર્ચ આરોપ લગાવી રહ્યા છે કે વકફ મોટી સંખ્યામાં ગ્રામીણોની જમીન પર કબ્જો કરવા ઇચ્છી રહ્યું છે.સ્થાનિકોનો આરોપ છે કે વકફ બોર્ડ તેમની જમીનમિલકત પર ખોટી રીતે કબ્જો કરવા માંગે છે.
ચર્ચનો તાજો વિરોધ કોચીના મુંનંબમ અને ચેરાઈ ગામની જમીનને લઈને છે. કેરળના કોચી જિલ્લામાં મુનંબમ અને ચેરાઈ નામના બે ગામ છે. ગામ લોકોનો આરોપ છે કે વકફ બોર્ડે તેમની જમીનમિલકત પર ગેરકાયદેસર રીતે દાવો કર્યો છે.
ગામના લોકોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ જમા કરી રહ્યા છે. તઓ પાસે તેની રસીદો પણ છે. હવે જે જમીનો પર વકફ દાવો કરી રહ્યું છે તેનું રજિસ્ટ્રેશન સ્થાનિક લોકોના નામે છે.
આ મુદ્દાને લઈને કેરળના ચર્ચોમાં આક્રોશની લાગણી છે. ચર્ચનું કહેવું છે કે જે જમીનો પર ખ્રિસ્તીઓ દાવો કરી રહ્યા છે ત્યાં ખ્રિસ્તી કુટુંબો પેઢીઓથી વસવાટ કરે છે.સિરો-માલાબાર ચર્ચના ચીફ મેજર આર્કબિશપ રાફેલ થાટિલે જણાવ્યું હતું કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મુનંબમ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને તેને ઉકેલવા અપીલ કરી છે.
આ એક માનવીય મુદ્દા છે. તેને બંધારણ મુજબ લોકશાહી અભિગમથી ઉકેલવો જોઈએ. આર્કબિશપે શનિવારે મુનંબમમાં ભૂખ હડતાળ કરતાં લોકો સાથે મુલાકાત પણ કરી.
વકફ બોર્ડના દાવાની સામે રવિવારે જે વિરોધ પ્રદર્શન થયું તેનું નેતૃત્વ સિરો-માલાબાર ચર્ચ કરી રહ્યું છે. સિરો-માલાબાર ચર્ચના નેતૃત્વમાં જ રવિવારે એક હજાર ચર્ચોએ પ્રદર્શન કર્યુ હતું. ચર્ચ સાથે જોડાયેલા સૂત્રો મુજબ આ કાર્યક્રમનું આયોજન ચર્ચના સત્તાવાર સંગઠન કેરળ કેથલિક કોંગ્રેસે કર્યુ હતું.
સિરો-માલાબાર ચર્ચ કેરળની એક મોટી ખ્રિસ્તી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરમાં જ કેરળમાં વકફ અને હજ તીર્થયાત્રા મંત્રી વી. અબ્દુરરહીમે લોકોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર મુનંબમમાંથી કોઈને પણ કાઢી નહીં મૂકે. સરકાર આ મુદ્દાને ઉકેલશે અને કોઈને પણ હટાવવાની યોજના નથી. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દાને સાંપ્રદાયિક સ્વરૂપમાં ન જોવો જોઈએ.