રીલ્સ બનાવનારા કેવા કપડાં પહેરે છે, નજર ઝૂકી જાય છે; સંસદમાં વરિષ્ઠ નેતાની પ્રતિબંધની માંગ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News

રીલ્સ બનાવનારા કેવા કપડાં પહેરે છે, નજર ઝૂકી જાય છે; સંસદમાં વરિષ્ઠ નેતાની પ્રતિબંધની માંગ 1 - image

Image: X

Instagram Reels Issue Echoed in Parliament: સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે મંગળવારે રાજ્યસભામાં ઈન્સ્ટાગ્રામ રીલ્સનો મુદ્દો ઉઠાવ્યો. રીલ્સ બનાવનાર પર રોષે ભરાયેલા પ્રોફેસર રામ ગોપાલ યાદવે કહ્યું કે ‘લોકો એવા કપડાં પહેરે છે કે નજર ઝૂકી જાય છે. કોઈ પણ સમાજમાં ન્યૂડિટી અને આલ્કોહોલિઝમ વધી જાય છે તો સભ્યતા નષ્ટ થઈ જાય છે.’ આ દરમિયાન તેમણે સરકારને અપીલ કરી કે આ પ્રકારની રીલ્સ બનાવનારા પર પ્રતિબંધ મૂકો. ત્યાર પછી પછી તેમણે જનસંઘના જમાનાથી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની સુરક્ષાના સૂત્રોની પણ યાદ અપાવી હતી.

રામ ગોપાલ યાદવે કહ્યું કે ‘અમારા જમાનામાં અંગ્રેજી છઠ્ઠા ધોરણથી ભણાવવામાં આવતું હતું જ્યારે બાળક થોડું શીખી લેતું હતું ત્યારે તેને કહેવાતું કે 'કેરેક્ટર ઈઝ લોસ્ટ, એવરીથિંગ લોસ્ટ. આજે સ્થિતિ એ છે કે અમુક પ્લેટફોર્મ અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહ્યાં છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ રીલ્સનું નામ લેવા ઈચ્છીશ. અનુમાનો અનુસાર આપણા યુવાનો રોજ સરેરાશ ત્રણ કલાક ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવા, અભદ્ર સીરિયલ્સ અને અભદ્ર પ્રોગ્રામ જોવામાં પસાર કરી રહ્યાં છે.’

આ અંગે વધુ વાત કરતા તેમણે કહ્યું કે ‘સાથે બેસીને વાતો કરવાથી, સાથે ભોજન કરવાથી પરિવારમાં પ્રેમ હોય છે, પરંતુ આજે તે નથી. લોકો સાથે બેસે તો છે પણ ફોનમાં વ્યસ્ત રહે છે. દરરોજ એવા સમાચાર જોવા મળી રહ્યાં છે કે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ, લગ્ન થયા જે બાદ યુવકે યુવતીની હત્યા કરી દીધી. આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે.’

આ મુદ્દા રજૂ કરીને તેમણે ઓનલાઈન ક્લાસીસનો પણ ઉલ્લેખ કર્યો અને સરકાર સમક્ષ માગ કરી કે, ઈન્સ્ટાગ્રામ રીલ્સ, સમાજમાં ન્યૂડિટી અને આલ્કોહોલિઝમ વધારનાર પ્લેટફોર્મ્સને સામે કડક પગલાં લેવામાં આવે. 

આ દરમિયાન મહારાષ્ટ્રના એનસીપીના સાંસદ ફોજિયા ખાને પણ ઓનલાઈન ગેમિંગની લતના કારણે બાળકો પર પડી રહેલી અસરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે મહારાષ્ટ્રના પૂણેમાં એક બાળકની આત્મહત્યાનો પણ ઉલ્લેખ કર્યો અને તેને લઈને કડક કાયદા બનાવવાની માગ કરી.

આ ઉપરાંત પંજાબથી આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ પણ સોશિયલ મીડિયા દ્વારા નફરત ફેલાવવાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે રાજ્યસભામાં કહ્યું કે ‘સોશિયલ મીડિયા પર કોઈ રોક-ટોક નથી. સોશિયલ મીડિયા પર ગમે તે માટે કંઈ પણ લખવામાં આવી રહ્યું છે. એટલે સુધી કે આપણા વડાપ્રધાન, નેતા વિપક્ષ માટે પણ. થોડા દિવસ પહેલા જ સેનાના એક વરિષ્ઠ અધિકારી માટે કંઈક એવું લખેલું હતું જેને અમે ગૃહમાં બોલી પણ નથી શકતાં.’

આ વાત કરતા તેમણે કહ્યું કે ‘આ બાબતોથી સમાજમાં તણાવ વધ્યો છે. આવા એકાઉન્ટ્સ બંધ કરવામાં આવે. ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે પરંતુ લિબર્ટી પણ જરૂરી છે. અમે આ મુદ્દે પ્રાઈવેટ મેમ્બર્સ બિલ પણ ગૃહમાં આપ્યું હતું. તેને લઈને કાયદો બનાવવો જોઈએ.’


Google NewsGoogle News