કમર્શિયલ જહાજોના રક્ષણ માટે ભારતીય નેવીએ અરબ સાગરમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા
- વેરાવળ નજીક હુમલાનો ભોગ બનેલું જહાજ મુંબઈ પહોંચ્યું
- હિન્દ મહાસાગરથી લાલ સમુદ્રમાં કમર્શિયલ માર્ગ પર એક સપ્તાહમાં ત્રણ જહાજ પર હુમલા થતા તંત્ર સાબદું થયું
નવી દિલ્હી : કમર્શિયલ જહાજો માટે દુનિયાના સૌથી વ્યસ્ત હિન્દ મહાસાગરથી લાલ સમુદ્રના માર્ગમાં માલવાહક જહાજ કેમ પ્લુટો પર ડ્રોન હુમલા સહિત એક જ સપ્તાહમાં ત્રણ કમર્શિયલ જહાજો પર હુમલા થતાં ભારતીય નેવીએ અરબ સાગરમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. ભારતીય નેવીએ કહ્યું કે, હિન્દ મહાસાગરથી લાલ સમુદ્ર સુધીના વ્યાવસાયિક માર્ગ પર યુદ્ધજહાજ આઈએનએસ મોરમુગાઓ, આઈએનએસ કોચ્ચિ અને આઈએનએસ કોલકાતા સહિત અનેક ગાઈડેડ મિસાઈલ વિધ્વંસક તૈનાત કરવામાં આવ્યા છે.
ભારતીય કોસ્ટગાર્ડે આ માર્ગ પરથી પસાર થતા કમર્શિયલ જહાજોને સુરક્ષા પૂરી પાડવા માટે ક્ષેત્રમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. નેવીએ પ્રદેશમાં શંકાસ્પદ જહાજો અથવા ગતિવિધિઓ પર નજર રાખવા માટે મધ્ય અરબ સાગર ક્ષેત્રમાં તેની હાજરી વધુ દ્રઢ કરી છે. બીજીબાજુ ભારતીય કોસ્ટગાર્ડે જહાજ આઈસીજીએસ વિક્રમના નિરીક્ષણમાં કમર્શિયલ જહાજ એમવી કેમ પ્લુટો સોમવારે બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં મુંબઈ પોર્ટ પર પહોંચ્યું હતું. આ જહાજ પર શનિવારે હુમલો કરાયો હતો.
એમવી કેમ પ્લુટો શનિવારે વેરાવળથી ૩૭૦ કિ.મી. દૂર હતું ત્યારે તેના પર ડ્રોન હુમલો થયો હતો. આ જહાજ પર ૨૧ ભારતીય ક્રૂ પણ સવાર હતા. હુમલાની માહિતી મળતા જ ભારતીય નેવી અને કોસ્ટગાર્ડ જહાજને મદદ પૂરી પાડી હતી. એમવી કેમ પ્લુટો સોમવારે મુંબઈ બંદરે પહોંચતા ઈઓડી નિષ્ણાત ટૂકડીએ તેનું વ્યાપક નિરીક્ષણ કર્યું હતું. નેવીના અધિકારીઓનું કહેવું છે કે હુમલાના ક્ષેત્ર અને જહાજ પર મળેલો કાટમાળ જહાજ પર ડ્રોન હુમલો થયો હોવાનું દર્શાવે છે. જોકે, જહાજનું હજુ ફોરેન્સિક અને ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવશે, જેમાં વધુ વિસ્તૃત માહિતી ઉપલબ્ધ થશે. આ જહાજનો માલ-સામાન અન્ય જહાજ મારફત ગંતવ્ય સ્થળે પહોંચાડવાની યોજના છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.