ભારતીય અને અમેરિકી નૌકાદળોએ અરબી સમુદ્રમાં સંયુક્ત નૌકા-યુદ્ધ કવાયત શરૂ કરી
- ભારતનાં યુદ્ધ જહાજો INS આદિત્ય અને INS વિશાખાપટ્ટનમ્ સાથે 566 થિયોડોર રૂઝવેલ્ટ અને ડેનીયલ ઇનૌયે જોડાયાં
નવી દિલ્હી : હિન્દ મહાસાગરમાં ચીન દ્વારા થઈ રહેલા પગ પેસારાથી ભારત તેમજ અમેરિકા સચિંત બની રહ્યાં છે. તેવા સમયે ભારત અને અમેરિકાનાં નૌકાદળોએ હિન્દ મહાસાગરમાં સંયુક્ત નૌકા-યુદ્ધ કવાયત શરૂ કરી છે. તેમાં ભારત તરફથી આઈ.એન.એસ. આદિત્ય અને આઈએનએસ વિશાખાપટ્ટનમની સાથે અમેરિકાનાં વિશાળ વિમાન વાહક જહાજ યુ.એસ.એચ. થિયોડોર રૂઝવેલ્ટ અને યુ.એસ.એસ. ડેનીયલ ઇનૌથે જોડાયાં હતા. આ જહાજો સાથે બંને દેશોએ પોત-પોતાનાં 'રક્ષક જહાજો' પણ જોડયાં હતાં.
બહેરિન સ્થિત યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડનાં હેડ કવાર્ટર તરફથી ૧૨મી જુલાઈએ 'x' પોસ્ટ ઉપર જણાવવામાં આવ્યું હતું કે થિયોડોર રૂઝવેલ્ટ કેરિયર સ્ટ્રાઇક ગુ્રપ (ટી.આર.સી.એસ.જી) આજે (તા. ૧૨ જુલાઈએ) યુ.એસ. ફીક્સ ફ્લીટ વિસ્તારમાં પહોંચી ગયું છે. તે એ વિસ્તારમાં થનારાં સંભવિત આક્રમણને રોકવા તેમ જ પ્રાદેશિક સ્થિરતા સ્થાપવા અને તે વિસ્તારમાં તથા ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં પણ મુક્ત રીતે વ્યાપાર ચાલુ રહે તે જોવાનો આ કવાયતનો હેતુ છે.
આ સાથે અમેરિકાએ જણાવ્યું હતું કે બે મહત્વના અને મુખ્ય સંરક્ષણ સાથીઓ આ દ્વારા સંયુક્ત સમુદ્રીય કવાયતો કરી આ સમગ્ર વિસ્તાર તથા ઈન્ડો પેસિફિક વિસ્તારને પણ ખુલ્લો અને મુક્ત રાખવા માગે છે.
આ તબક્કે તે ઉલ્લેખનીય છે કે રશિયા અને ચીને પણ મધ્ય અને ઉત્તર પેસિફિક વિસ્તાર તથા સાઉથ ચાયના-સીમાં સંયુક્ત નૌકા કવાયતો શરૂ કરી છે. જે છેક એલ્યુશિયન થાઈલેન્ડઝ સુધી વ્યાપક નૌ-સેના કવાયતો ૧૪મી તારીખથી શરૂ કરી છે.