લોકસભા ચૂંટણી 2024માં અત્યાર સુધીની સૌથી વધુ રૂ.4,650 કરોડની રકમ જપ્ત

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી 2024માં અત્યાર સુધીની સૌથી વધુ રૂ.4,650 કરોડની રકમ જપ્ત 1 - image


- 75 વર્ષની ચૂંટણી પરંપરામાં ઇતિહાસ સર્જાયો

- લોકસભા ચૂંટણી 2019માં ચૂંટણીપંચે રૂ. 3,475 કરોડની રકમ જપ્ત કરી હતી, આંકડો હજી વધી શકે

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી ૨૦૨૪માં આ વખતે ધૂમધામથી પ્રચાર થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં ચૂંટણીપંચે ૭૫ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ગેરકાયદેસરના રુપિયા જપ્ત કર્યા છે. આ  રકમ ૪,૬૫૦ કરોડ રુપિયા પર પહોંચી ચૂકી છે. આ જોતાં પાંચ હજાર કરોડ રુપિયાનો આંકડો નજીકમાં  લાગે છે. 

૨૦૨૪ની ચૂંટણીમાં નાણાની રેલમછેલ અટકાવવા માટે ચૂંટણીપંચ જબરદસ્ત ચળવળ ચલાવી રહ્યું છે. પંચ દ્વારા શેર કરવામાં આવેલી જાણકારી મુજબ પહેલી માર્ચ ૨૦૨૪થી અત્યાર સુધી રોજના ૧૦૦ કરોડ રુપિયા જપ્ત કરવામાં આવ્યા છે. પંચનું કહેવું છે કે મતદાન શરુ થતાં પહેલા ૪,૬૫૦ કરોડ રુપિયા જપ્ત થઈ ચૂક્યા છે. આ રકમ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જપ્ત કરવામાં આવેલી રકમ કરતાં વધારે છે.

ચૂંટણીપંચનું કહેવું છે કે ચૂંટણીમાં નાણાકીય તાકાતનો ઉપયોગ કરવા માટે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદેસરના નાણાની જપ્તી જારી રહેશે. પંચ દ્વારા જણાવાયા મુજબ એજન્સીઓએ ૧૮મી લોકસભા ચૂંટણીમાં મતદાન પહેલા કુલ ૪,૬૫૦ કરોડ રુપિયાની રકમ જપ્ત કરી હતી. જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં ૩,૪૭૫ કરોડ રુપિયાની રકમ જપ્ત કરવામાં આવી હતી. 

પંચના જણાવાયા મુજબ અત્યાર સુધી ચૂંટણીમાં ૩૯૫.૩૯ કરોડ રુપિયા જપ્ત કરવામાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત ૪૮૯ કરોડ રુપિયાનો દારુ, ૨,૦૬૯ કરોડ રુપિયાનું ડ્રગ્સ, ૫૬૨ કરોડની કિંમતી ધાતુ, ૧,૧૪૨ કરોડની ફ્રી ઓફર કરવામાં આવનારી ચીજો જપ્ત કરવામાં આવી છે. ચૂંટણીમાં પારદર્શકતા અને નિષ્પક્ષતા જાળવી રાખવા માટે પંચ જુદી-જુદી એજન્સીઓની મદદ ળઈ રહ્યું છે. તેમા રોકડ અને સોના-ચાંદી,હીરાની જપ્તી માટે આવકવેરા, રાજ્ય પોલીસ, રિઝર્વ બેન્ક, એસએલબીસી, એએઆઇ, બીસીએએસ, સ્ટેટ સિવિલ એવિયેશન, ઇડી, પોસ્ટ વિભાગ, અને સીઆઇએસએફની મદદ લેવાઈ રહી છે. જ્યારે દારુ વેચાતો રોકવા માટે સ્ટેટ પોલીસ, સ્ટેટ એક્સાઇઝ અને આરપીએફની મદદ કરવામાં આવી રહી છે. 

આ ઉપરાંત મફતમાં વહેંચવામાં આવનારી વસ્તુ માટે ચૂંટણીપંચ સીજીએસટી, એસજીએસટી, રાજ્ય પરિવહન વિભાગ અને કસ્ટમ્સ તથા રાજ્ય પોલીસની મદદ લઈ રહ્યું છે. આ ઉપરાંત આસામ રાઇફલ્સ, બીએસએફ, એસએસબી, આઇટીબીપી, સીઆરપીએફ, વનવિભાગ અને સ્ટેટ પોલીસની પણ મદદ લેવાઈ રહી છે.


Google NewsGoogle News