હાઇકોર્ટે દિલ્હીના કોચિંગ સેન્ટર કાંડની તપાસ સીબીઆઇને સોંપી
- 3 વિદ્યાર્થીના મોત ગુનાઇત બેદરકારી : હાઇકોર્ટ
- ગુનેગાર આવીને ગુનો કબૂલ કરશે તેવી રાહ જોઇ રહેલી પોલીસે મ્યૂનિ. અધિકારીઓના નિવેદન કેમ ના લીધા? : હાઇકોર્ટ
- સિવિક પ્લાનિંગ કેવી રીતે કામ કરે છે તેની મ્યૂનિ.ને કોઇ જાણકારી જ નથી : હાઇકોર્ટે અધિકારીને ખખડાવ્યા
- સારુ છે પોલીસે પાણી પર દંડ ના લગાવ્યો : કોચિંગ સેન્ટર પાસે પસાર થયેલા કાર ચાલકને પકડવા બદલ કોર્ટે ઉધડો લીધો
નવી દિલ્હી : દિલ્હીમાં ભોંયરામાં ચાલતા કોચિંગ સેન્ટરમાં પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. આ મામલે સ્વતંત્ર તપાસની માગ કરતી અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટે ફરી એક વખત દિલ્હી પોલીસ અને મ્યૂનિ. કોર્પોરેશનનો ઉધડો લીધો હતો. સાથે જ સમગ્ર મામલાની તપાસ સીબીઆઇને સોપી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે આ એક ગુનાહિત બેદરકારી છે, ત્યાં કોઇ સ્વિમિંગ પૂલ નહોતો, સિવિક પ્લાનિંગ કેવી રીતે કામ કરે છે તે અંગે મ્યૂનિ.ના અધિકારીઓ અજાણ છે.
હાઇકોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં તમામ ડ્રેનેજ લાઇન યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં તે જોવાની જવાબદારી મ્યૂનિ.ના અધિકારીઓની છે. અગાઉની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મ્યૂનિ. કમિશનર અને પોલીસ અધિકારીઓને હાજર થવા આદેશ આપ્યો હતો. શુક્રવારે મ્યૂનિ.ના ડાયરેક્ટરને હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે તમે લોકોએ કોચિંગ સેન્ટરની આસપાસ ગટરમાં પાણી જવાની વ્યવસ્થા પર ધ્યાન કેમ ના આપ્યું. તમે લોકો આ વિસ્તારને લઇને અજાણ કેમ હતા? વૈજ્ઞાાનિક બનવુ છે કે વરસાદની રાહ જોઇ રહ્યા હતા? પાણી કોઇને નથી છોડતું, તે કોઇનું સરનામુ નથી જાણતું, તમે લોકોએ ગટરના પાણીને વરસાદના પાણી સાથે ભેળવવાનો પ્રયાસ કર્યો છે.
હાઇકોર્ટે મ્યૂનિ. અધિકારીઓને કહ્યું હતું કે જો જરૂર હોય તો ફરી આખુ પ્લાનિંગ કરો પણ ગટરો ચોખી અને પાણી વહી જાય તે પ્રકારની હોવી જોઇએ. મ્યૂનિ.ના અધિકારીઓની સાથે દિલ્હી પોલીસનો પણ ઉધડો લેવાયો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે પોલીસ આમ નાગરિક નથી કે ગુનેગારોને પકડવા માટે રાહ જોવી પડે. આ બધુ તમે અમારી પાસે કેમ બોલાવવા માગો છો? તમને એવુ લાગી રહ્યું છે કે અપરાધીઓ તમારી સમક્ષ હાજર થઇને પોતાનો ગુનો કબુલી લેશે? શું તપાસ અધિકારીઓએ એ નોંધ લીધી કે ગટર બરાબર કામ કરી રહી હતી કે નહીં?
હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે મ્યૂનિ.ના અધિકારીઓનું નિવેદન કેમ રેકોર્ડ નથી કર્યું? દિલ્હીના રાજિન્દર નગરમાં કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતા ત્રણ લોકો ડુબી ગયા હતા. આ ઘટના બાદ પોલીસે કોચિંગ સેન્ટર નજીકથી પસાર થયેલા એક કાર ચાલકની ધરપકડ કરી હતી, આ મુદ્દે પણ હાઇકોર્ટે પોલીસનો ઉધડો લીધો હતો. અને ટકોર કરતા કહ્યું હતું કે સારુ છે કે તમે લોકોએ બેઝમેન્ટમાં ઘૂસવા બદલ પાણી પર દંડ નથી લગાવ્યો. પોલીસનો દાવો હતો કે કાર ચાલકે પુર ઝડપે કાર ચલાવી એમાં ફોર્સથી પાણી બેઝમેન્ટનો દરવાજો તોડીને અંદર ઘૂસ્યું હતું. હાઇકોર્ટે હાલ આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઇને સોંપી છે અને સેન્ટ્રલ વિજિલંસ કમિશનને અધિકારી નિમવા કહ્યું છે.