રણજિતની હત્યાના કેસમાં રામ રહિમ સહિત પાંચને હાઇકોર્ટે છોડી મુક્યા
- સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી
- રણજિતસિંહે ડેરા સચ્ચા સૌદામાં રામ રહિમ દ્વારા થતા મહિલાઓના શારીરિક શોષણની પોલ ખોલતા હત્યા કરાઇ હતી
ચંડીગઢ : હરિયાણાના વિવાદાસ્પદ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને હરિયાણા-પંજાબ હાઇકોર્ટે ડેરાના પૂર્વ મેનેજર રણજિતસિંહની હત્યાના કેસમાં છોડી મુક્યો છે. ૨૦૦૨ના હત્યાના આ કેસમાં રામ રહિમ અને અન્ય ચારને સીબીઆઇ કોર્ટ દ્વારા ૨૦૨૧માં આજીવન કેદ તેમજ ૨૦ વર્ષની કેદની સજા આપવામાં આવી હતી. જેને ડેરા પ્રમુખે હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટે આ કેસમાં પાંચેયને છોડી મુક્યા છે.
રણજિતસિંહની હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા ખાનપુર ગામમાં વર્ષ ૨૦૦૨માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રણજિતસિંહે ડેરામાં મહિલાઓ પર બળાત્કાર અને શોષણની પોલ ખોલતો એક પત્ર જાહેર કરી દીધો હતો. જેને કારણે તેમની હત્યા થઇ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું, આ હત્યામાં ડેરા પ્રમુખ રામ રહિમ મુખ્ય આરોપી હતો.
સીબીઆઇની ચાર્જશીટ મુજબ રણજિતસિંહે ડેરામાં ચાલી રહેલા ગોરખધંધાની પોલ ખોલી નાખી હતી જેને કારણે તેમની હત્યાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૭માં રામ રહિમને ડેરામાં કામ કરતી બે યુવતીઓ પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારાઇ છે જે બાદથી તે હરિયાણાના રોહતકની જેલમાં કેદ છે. તેની સામેના વિવિધ કેસોમાં રામ રહિમ અનેક વખત પેરોલ પર બહાર આવી ચુક્યો છે. હાલમાં તે હત્યાના કેસમાં તો છુટી ગયો છે પણ બળાત્કારના કેસમાં હજુ પણ તે જેલમાં જ કેદ રહેશે.
વર્ષ ૨૦૧૯માં ડેરા પ્રમુખ અને અન્ય ત્રણને એક પત્રકારની ૧૬ વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. રામ રહિમના હરિયાણા અને પંજાબમાં અનેક સમર્થકો છે. જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે ભારે વિરોધ પ્રદર્શન થયા હતા.