અયોધ્યામાં એક તરફ રામ તો બીજી તરફ રહિમ, નિર્માણ પામી રહી છે તાજમહેલથી પણ સુંદર મસ્જિદ!
મસ્જિદની જમીન ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મુસ્લિમોને આપી
મક્કાના ઈમામ મસ્જિદમાં નમાઝ અદા કરશે
Mosque Mohammad Bin Abdullah: અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે, તો બીજી તરફ રામ મંદિરથી લગભગ 26 કિલોમીટર દૂર અયોધ્યાના ધનીપુરમાં મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદનું નિર્માણ થઈ રહ્યું છે. જાણકારોના મતે, આ મસ્જિદ તાજમહેલ કરતા પણ સુંદર હશે. આ મસ્જિદની જમીન ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મુસ્લિમોને આપી હતી.
અયોધ્યામાં નિર્માણ પામી રહેલી મસ્જિદનું નામ 'મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા' છે. મસ્જિદની ડેવલપમેન્ટ કમિટીના અધ્યક્ષ મુંબઈના ભાજપ નેતા હાજી અરાફાત શેખે કહ્યું કે, અયોધ્યામાં નિર્માણ થઈ રહેલી ભારતની સૌથી મોટી મસ્જિદ હશે. રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મસ્જિદ માટે ઉત્તર પ્રદેશ સરકારે પાંચ વીઘા જમીન ફાળવી હતી.
મક્કાના ઈમામ મસ્જિદમાં નમાઝ અદા કરશે
હાજી અરાફાત શેખે જણાવ્યું હતું કે, અયોધ્યામાં પ્રસ્તાવિત મસ્જિદમાં પ્રથમ નમાઝ મક્કાના ઈમામ, 'ઈમામ-એ-હરમ અબ્દુલ-રહેમાન અલ-સુદૈસ તરફથી અદા કરાશે. મક્કાના ઈમામ સાથે આરબ દેશોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ હસ્તીઓને આમંત્રિત કરાશે.
આ મસ્જિદ તાજમહેલ કરતાં પણ સુંદર હશે
ભાજપ નેતા હાજી અરાફાતે દાવો કર્યો છે કે, આ મસ્જિદની સુંદરતા તાજમહેલને પણ ટક્કર આપે તેવી હશે. ઢળતી સાંજે નમાઝની સાથે ફુવારા ચાલુ જશે. તે તાજમહેલ કરતા વધુ સુંદર હશે અને તમામ ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દ માટે આ મસ્જિદ જોવા આવી શકશે. અયોધ્યા મસ્જિદની ઈમારત પણ ધર્મ અને ટેકનોલોજીનો સંગમ હશે. મુખ્ય આકર્ષણ વજુ ખાનાની નજીક વિશાળ માછલીઘર હશે, જેમાં
પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ વિભાગ હશે
હાજી અરાફાતના મતે, આ મસ્જિદમાં પાંચ હજાર પુરુષ અને ચાર હજાર મહિલાઓ સહિત નવ હજાર લોકો નમાઝ અદા કરી શકશે. તેના પાંચ મિનાર હશે જે ઈસ્લામના પાંચ સ્તંભ નમાઝ, રોઝા, જકાત, તૌહીદ અને હજના પ્રતીક હશે.
અયોધ્યાની આ મસ્જિદ દવા અને દુઆનું કેન્દ્ર બનશે
આ મસ્જિદની વધારાની જમીનમાં એક 500 બેડની કેન્સર હોસ્પિટલ, સ્કૂલ, લૉ કોલેજ, લાઈબ્રેરી અને એક શાકાહારી રસોડું હશે, જ્યાં ગરીબોને ભોજન પીરસાશે. 'મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા'માં વપરાતી ઈંટો ખાસ હશે. પહેલી ઈંટ પર મસ્જિદના નામની સાથે કુરાનની આયતો પણ લખેલી હશે.