ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માંગતા લોકોને લાભ જ લાભ, સરકારે સબસિડી રૂ. 1500 કરોડ વધારી
આ સબસિડી યોજના 31મી માર્ચ, 2024 સુધી અથવા ભંડોળ રહે ત્યાં સુધી જ લાગુ રહેશે
FAME 2 Subcidy Scheme: કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલયે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ (FAME) યોજનાના બીજા તબક્કા માટે નાણાકીય ખર્ચ 1,500 કરોડથી વધારીને 11,500 કરોડ રૂપિયા કર્યો છે. વર્ષ 2019માં શરૂ થયેલી એફએએમઈ 2 સબસિડી યોજના અત્યાર સુધી માત્ર 10,000 કરોડ રૂપિયા હતી. હવે દસ હજાર કરોડથી વધારીને 11,500 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાને તેનો સીધો ફાયદો મળશે.
યોજના 31 માર્ચ, 2024 સુધી જ અમલમાં રહેશે
સરકારે એફએએમઈ-2 યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, 5 લાખ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 55,000 ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ 7,000 ઇલેક્ટ્રિક બસોને નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે. 31મી જાન્યુઆરી સુધી આ યોજના હેઠળ 13.41 લાખ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ પર ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને કુલ 5,790 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. જેમાં 11.86 લાખ ટુ-વ્હીલર, 1.39 લાખ થ્રી-વ્હીલર અને 16,991 ફોર-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે.
સરકારે અનેક શહેરો, રાજ્ય પરિવહન ઉપક્રમો અને રાજ્ય સરકારની સંસ્થાઓ સંસ્થાઓમાં ઇન્ટ્રાસિટી પરિવહન માટે 6,862 ઇલેક્ટ્રિક બસ સાથે 7,432 ઇલેક્ટ્રિક વાહન પબ્લિક ચાર્જિંગ સ્ટેશન માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કેપિટલ સબસિડી તરીકે 800 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ નવા સુધારેલા ખર્ચ પછી સબસિડી માટે 7,048 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી ટુ-વ્હીલર્સને રૂ. 5,311 કરોડ મળશે. ઇલેક્ટ્રિક બસો અને ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવા માટેની કુલ 4,048 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
શું એફએએમઈ સબસિડીની સમય મર્યાદા વધશે?
એફએએમઈ 2 સબસિડી એ ટર્મ-લિમિટેડ યોજના છે જે 31મી માર્ચ, 2024 સુધી અથવા ભંડોળ રહે ત્યાં સુધી લાગુ રહેશે. ગયા અઠવાડિયે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં સરકારે આગામી નાણાકીય વર્ષ માટે એફએએમઈ યોજના માટે 2,671 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. જો કે, અત્યાર સુધી સરકાર દ્વારા એફએએમઈ સબસિડીની સમય મર્યાદા વધારવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બજેટ દરમિયાન યોજનાની રકમ આગામી નાણાકીય વર્ષ સુધી લંબાવવામાં આવી હોવાથી, તે એક સંકેત તરીકે માનવામાં આવે છે કે સરકાર એફએએમઈ 2 સબસિડીની સમય મર્યાદા વધારી શકે છે.