સરકાર દરેક ખાનગી સંપત્તિ જાહેર હિતો માટે હસ્તગત કરી શકે નહીં
- સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદામાં 46 વર્ષ જૂનો નિર્ણય પલટયો
- આજના આર્થિક માળખામાં ખાનગી સંપત્તિની સ્થિતિ, જાહેર હિતમાં જરૂરિયાત, તેની અછત જેવા મુદ્દા મહત્વના : સુપ્રીમ
- નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 8 વિ. 1ના બહુમતથી ચૂકાદો આપ્યો, ન્યાયાધીશ નાગરત્નાએ આંશિક સહમતી આપી
નવી દિલ્હી : દેશમાં સરકાર કોઈપણ વ્યક્તિની કોઈપણ ખાનગી સંપત્તિ હસ્તગત કરી શકે કે કેમ આ સવાલનો જવાબ સુપ્રીમ કોર્ટે મંગળવારે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક ચૂકાદામાં જણાવ્યું કે, જાહેર હિત સાથે સંકળાયેલી ના હોય ત્યાં સુધી સરકાર દરેક ખાનગી સંપત્તિને જાહેર હિતો માટેની જાહેર કરીને તેને હસ્તગત કરી શકે નહીં. જોકે, જાહેર હિતોની બાબતોમાં તેને સમીક્ષા કરવાનો અધિકાર છે અને આવી સ્થિતિમાં તે જમીન હસ્તગત પણ કરી શકે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ૧૯૭૮નો ચૂકાદો પલટી નાંખ્યો છે, જેમાં કહેવાયું હતું કે, સમાજના હિત માટે સરકાર કોઈપણ ખાનગી સંપત્તિ હસ્તગત કરી શકે છે.
સુપ્રીમ કોર્ટની નવ સભ્યોની બંધારણીય બેન્ચે ૮ વિ. ૧ના બહુમતથી આ ચૂકાદો આપ્યો છે. બંધારણીય બેન્ચે આ વર્ષે ૧ મેના રોજ સુનાવણી પછી ખાનગી સંપત્તિ મુદ્દે તેનો ચૂકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડના અધ્યક્ષપદે નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે બહુમતથી ચૂકાદો આપતા ન્યાયાધીશ કૃષ્ણા ઐય્યરના પાછલા ચૂકાદાને નકારી કાઢ્યો હતો.
શું સરકાર બંધારણની કલમ ૩૯(બી) હેઠળ કોઈપણ વ્યક્તિ અથવા સમાજની ખાનગી સંપત્તિને સમાજના નામે પોતાના નિયંત્રણમાં લઈ શકે છે? આ મહત્વપૂર્ણ સવાલ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે ઐતિહાસિક ચૂકાદામાં જણાવ્યું હતું કે, સરકાર બધી જ ખાનગી સંપત્તિઓનો ઉપયોગ કરી શકે નહીં. જોકે, આ કેસ મૂળરૂપે બંધારણની કલમ ૩૧-સી સાથે સંબંધિત હતો, જે બંધારણના ભાગ-૪માં નિર્ધારિત રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો (ડીપીએસપી)ને સુરક્ષિત કરવા માટે બનાવાયેલા કાયદાનું રક્ષણ કરે છે.
સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, આ કેસમાં ત્રણ જજમેન્ટ છે, જેમાં તેમની સાથે અન્ય છ ન્યાયાધીશોનું એક જજમેન્ટ છે. તેમની સાથે સહમત ન્યાયાધીશોમાં ઋષિકેશ રોય, જેબી પારડીવાલા, મનોજ મિશ્રા, રાજેશ બિંદલ, એસસી શર્મા અને ઓગસ્ટીન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે. બીજીબાજુ ન્યાયાધીશ નાગરત્ના સીજેઆઈના ચૂકાદા સાથે આંશિક રીતે સહમત છે જ્યારે ન્યાયાધિશ સુધાંશુ ધુલિયાએ અસહમતિપૂર્ણ ચૂકાદો આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, દરેક ખાનગી સંપત્તિને સામુદિયાકિ સંપત્તિ કહી શકાય નહીં. આજના આર્થિક માળખામાં ખાનગી ક્ષેત્રનું મહત્વ છે. સંપત્તિની સ્થિતિ, જાહેર હિતમાં તેની જરૂરિયાત અને તેની અછત જેવા સવાલોથી કોઈપણ ખાનગી સંપત્તિને સામુદાયિક સંપત્તિનો દરજ્જો મળી શકે છે.
સુપ્રીમ કોર્ટે ઉમેર્યું કે, કોર્ટનું કામ આર્થિક નીતિઓ નિશ્ચિત કરવાનું નથી, પરંતુ એ સુનિશ્ચિત કરવાનું છે કે દેશમાં એક આર્થિક લોકતંત્ર સ્થાપિત હોય. ખાનગી સંપત્તિઓ ભૌતિક સંશાધનો નથી હોતી અને તેના આધારે સરકાર બળજબરીથી તેના પર કબજો કરી શકે નહીં. ભારતના અર્થતંત્રનો આશય વિકાસશીલ દેશના પડકારોનો ઉકેલ લાવવાનો છે. કોઈ ચોક્કસ આર્થિક માળખામાં બંધાઈ રહેવાનો નહીં. કોર્ટે કબૂલ્યંદ કે, છેલ્લા ૩૦ વર્ષમાં બદરાયેલી આર્થિક નીતિઓના કારણે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે બહુમતનો ચૂકાદો સંભળાવતા કહ્યું કે, નીતિ નિદેશક સિદ્ધાંતો મુજબ બનેલા કાયદાનું રક્ષણ કરતા બંધારણની કલમ ૩૧(સી) સાચી છે. હવે અમે ૩૯(બી)ની વાત કરીશું. ૩૯(બી) સામુદાયિક સંપત્તિને જાહેર હિતોમાં વિતરણની વાત કરે છે. પરંતુ બધી જ ખાનગી સંપત્તિઓને સામુદાયિક સંપત્તિ તરીકે જોઈ શકાય નહીં. આ સંદર્ભમાં આવેલા કેટલાક જૂના ચૂકાદા એક વિશેષ આર્થિક વિચારધારાથી પ્રભાવિત હતા.
સીજેઆઈએ કહ્યું કે, ખાનગી સંપત્તિ સાથે સંકળાયેલી ૧૬ અરજીઓ પર સુપ્રીમે ચૂકાદો આપ્યો છે, જેમાં મુંબઈના પ્રોપર્ટી માલિકોની અરજીનો સમાવેશ થાય છે. આ કેસ ૧૯૮૬માં મહારાષ્ટ્રમાં થયેલા કાયદાના સુધારા સાથે જોડાયેલ છે, જેમાં સરકારને ખાનગી ઈમારતના રિપેરિંગ અને સુરક્ષા માટે તેને પોતાના કબજામાં લેવાનો અધિકાર મળ્યો હતો. અરજદારોએ કહ્યું કે, આ સુધારો ભેદભાવપૂર્ણ છે.
આ સાથે સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૭૮માં ન્યાયાધીખ કૃષ્ણા ઐય્યરે આપેલા ચૂકાદાને પલટી નાંખ્યો હતો, જેમાં સમાજવાદી વિચારસરણી અપનાવાઈ હતી અને ચૂકાદો સંભળાવાયો હતો કે રાજ્ય સામાન્ય ભલાઈ માટે બધી જ ખાનગી સંપત્તિઓને હસ્તગત કરીને પોતાના નિયંત્રણમાં લઈ શકે છે.