કાશ્મીરમાં સીઝનની પ્રથમ બરફ વર્ષા, ખૂશનુમા માહોલથી સહેલાણીઓ પણ ખૂશ
ધૃમ્મસ છવાતા વાહન વ્યહવાર પર વિપરિત અસર જોવા મળી
ગુલમર્ગ અને સોનમર્ગના સ્કી રિસોર્ટ પર પર્યટકોની સંખ્યા વધી
શ્રીનગર,૧૨ નવેમ્બર,૨૦૨૪,મંગળવાર
કાશ્મીરઘાટી, લડ્ડાખના પહાડી વિસ્તારો અને મેદાની વિસ્તારો સહિતના વિવિધ ભાગોમાં સિઝનની પ્રથમ બરફ વર્ષા થવાની સાથે જ શિયાળાનું હળવા પગલે આગમન થયું છે. આ સાથે જ દિવાળી વેકેશન માણવા માટે આવેલા સહેલાણીઓમાં ખૂશી જોવા મળી હતી.
કાશ્મીરમાં ઠંડીનો માહોલ અને બરફવર્ષના સાક્ષી બનવા માટે સેંકડો પ્રવાસીઓ આવેલા છે આ પ્રવાસીઓ સૂકી અને બરફવિહોણા હવામાનથી નિરાશ જોવા મળતા હતા પરંતુ કાશ્મીરની વાદીઓ બરફથી ઢંકાય તેવા એંધાણ મળવા લાગ્યા છે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર હવે પછીના કેટલાક દિવસો ઉત્તર અને મધ્ય કાશ્મીરમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે.
કુપવાડા જિલ્લાના સાધના ટોપ, ગુરેજ, પીર પંજાલ રેંજ, પીર કી ગલી, ગુલમર્ગ અને સોનમર્ગ સહિત લડાખના જોજિલાઘાટ સુધી બરફ વર્ષા જોવા મળી છે.બરફવર્ષા પછી ગુલમર્ગ અને સોનમર્ગના સ્કી રિસોર્ટ પર પર્યટકોની સંખ્યા વધી રહી છે. મુખ્ય રસ્તાઓ પર પ્રવાસીઓના વાહનોની ભીડ જોવા મળી રહી છે. બરફવર્ષાના લીધે શ્રીનગર અને ઘાટીના કેટલાક ભાગોમાં ધૃમ્મસ છવાયેલું રહેવાથી વાહન વ્યહવાર પર વિપરિત અસર જોવા મળી હતી. હવે આવનારા સમયમાં ઉત્તર ભારતના રાજયોમાં તાપમાનનો પારો ઘટવાની સાથે ઠંડીનું આગમન થતું જોવા મળશે.