ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગીને બદલીને મૌર્યને બેસાડવાની હાઈ કમાન્ડની યોજનાનો ફિયાસ્કો

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગીને બદલીને મૌર્યને બેસાડવાની હાઈ કમાન્ડની યોજનાનો ફિયાસ્કો 1 - image


- ઉત્તર પ્રદેશમાં હારના કારણો પર ચર્ચાની બેઠકમાં મૌર્ય પર યોગી ભારે પડયા

- સરકાર કરતા સંગઠન મોટું છે, નડ્ડાની હાજરીમાં મૌર્ય બોલ્યા

- વધુ આત્મવિશ્વાસ નુકસાન કરાવે : યોગીએ મૌર્યને મૌન કર્યા

- વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશ ભાજપમાં વિવાદ વધવાની શક્યતા, વિપક્ષ મુદ્દો બનાવી શકે 

લખનઉ :  ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારનાં કારણોની સમીક્ષા કરવા બોલાવાયેલી બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની હાજરીમાં તડાફડી થઈ ગયાના અહેવાલ છે. યુપીમાં ભાજપ સંગઠન અને સરકાર સામસામે આવી ગયાં હોવાનું આ બેઠકે સ્પષ્ટ કરી દીધું છે. યોગીએ આડકતરી રીતે ભાજપની હાર માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, ભાજપ અતિ આત્મવિશ્વાસને કારણે હાર્યો છે. 

આ બેઠકમાં યોગી આદિત્યનાથને સ્થાને કેશવ પ્રસાદ મૌર્યને બેસાડવાનો તખ્તો ઘડવા માટેની હાઈકમાન્ડની ઈચ્છા પર પણ યોગીએ પાણી ફેરવી દીધું છે. ભાજપ યુપીમાં સમાજવાદી પાર્ટીની મજબૂત મતબેંક મનાતા ઓબીસી મતદારોને ખુશ કરવા સવર્ણ યોગીને બદલીને ઓબીસી મૌર્યને બેસાડવા આતુર છે પણ યોગીના આક્રમક તેવરે હાઈકમાન્ડની ઈચ્છા પર પાણી ફેરવી દીધું છે. 

કેશવ પ્રસાદે યોગીને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, સંગઠન સરકાર કરતાં ઉપર છે અને કોઈ વ્યક્તિ કે સરકાર સંગઠનથી ઉપર ના હોઈ શકે. મૌર્યે એવો કટાક્ષ પણ કર્યો કે, કાર્યકરોનું જે દર્દ છે એ મારું પણ દર્ર્દ છે. આડકતરી રીતે સરકારના દ્વાર ભાજપના કાર્યકરો માટે ખુલ્લાં નથી એવો આક્ષેપ કરીને કહ્યું કે, ભાજપના કાર્યાલયનાં દ્વાર્રાકર્યકર માટે હંમેશાં ખુલ્લાં છે. યુપીમાં પોલીસ કે સરકારી કર્મચારીઓ ભાજપના કાર્યકરોને ગણકારતા જ નથી તેથી કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા હતા તેને ભાજપની હારનું મુખ્ય કારણ ગણાવાય છે. 

યોગીએ મૌર્યની વાતનો જવાબ આપતાં કહ્યું કે, યુપીમાં પોતે જે રીતે સરકાર ચલાવે છે એ રીતે જ સરકાર ચલાવશે અને કોઈના કહેવાથી જરાય ફરક નહીં પડે. યુપીમાં ભાજપ અતિ આત્મવિશ્વાસમાં હાર્યો છે એવું કારણ રજૂ કરીને યોગીએ હારની જવાબદારી સંગઠન પર નાંખી દીધી. યોગીએ કહ્યું કે, ભાજપના કાર્યકરો સોશિયલ મીડિયામાં માત્ર ગુડ મોર્નિંગના મેસેજ મોકલી શકે છે પણ વિપક્ષો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલી દેશે કે અનામત નાબૂદ કરી દેશે એવો પ્રચાર કરતા હતા તેનો જવાબ કેમ ના આપી શક્યા ? 

મોદી વડાપ્રધાન છતાં દેશ સંકટમાં કેમ ? 

યોગીએ કારોબારીમાં કહ્યું કે, દેશ સંકટમાં છે.  મોદી વડાપ્રધાનપદે હોવા છતાં દેશ સંકટમાં હોવાની યોગીની આ ટીકાને મોદી સામેના સીધા આક્રમણ તરીકે જોવાઈ રહી છે. યોગીએ આક્રમક તેવરમાં એમ પણ કહ્યું કે, કોઈએ બેકફૂટ પર જવાની જરૂર નથી. યોગીએ આડકતરી રીતે પોતાના સમર્થકોને આ મેસેજ આપ્યો હોવાનું મનાય છે. યોગીના આક્રમક તેવર પછી અમિત શાહે યોગીને ફોન કરીને તેમનો જવાબ માગ્યો હોવાની પણ ચર્ચા છે.  


Google NewsGoogle News