ડેન્ગ્યુના બુખાર પર ભારે પડયો લગ્નનો તાવ ,હોસ્પિટલમાં જ થયા હારતોરા
લગ્નના ફેરા અને વરમાળા પહેરાવવાના દિવસે જ વરરાજાને તાવ આવ્યો
હોસ્પિટલના જ એક વોર્ડને લગ્ન સ્થળમાં ફેરવી નાખવામાં આવ્યો
ગાઝીયાબાદ,૩૦ નવેમ્બર,૨૦૨૩,ગુરુવાર
સારા કામમાં સો વિધ્ન ભલે આવે પરંતુ એક વાર લીધેલું કામ આટોપવું પડે છે. લગ્નની શરણાઇઓ વાગ્યા પછી દુલ્હાને ડેન્ગ્યુ થયો તો દુલ્હન હારતોરા લઇને હોસ્પિટલ પહોચી ગઇ હતી, હોસ્પિટલમાં જ લગ્નના હારતોરા થતા વિધ્ન વચ્ચે પણ લગ્ન પુરા થયા હતા. ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી આ સ્ટોરી યુપીના ગાજીયાબાદની છે જયાં ડેન્ગ્યુના બુખાર પર લગ્નનો તાવ ભારે પડયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર લગ્નના ફેરા અને વરમાળા પહેરાવવાના દિવસે જ વરરાજાને તાવ આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લેવા ગયા ત્યારે ડેન્ગ્યુ હોવાનું તબીબે જણાવ્યું હતું,
એક બાજુ લગ્નનું મુહર્ત અને બીજી બાજુ હોસ્પિટલની પથારી. જાનૈયાઓ અને માંડવાવાળા પણ મુંઝાઇ ગયા હતા. છેવટે લગ્નનું મુહર્ત ખાસ કરીને વરમાળા પહેરાવવાનો સમયને વળગી રહેવાનું બંને પક્ષે નકકી કર્યુ હતું. મુરતીયાને હોસ્પિટલથી લગ્નના મંડપમાં લાવવો શકય ન હતો આથી દુલ્હન અને તેના સગા સંબંધીઓ ગાજીયાબાદમાં આવેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરેલા વરરાજા પાસે પહોંચી ગયા હતા. હોસ્પિટલના જ એક વોર્ડને લગ્ન સ્થળમાં ફેરવી નાખવામાં આવ્યો હોવાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ કલીપમાં બંને પક્ષના પરિવારોના સભ્યોની હાજરીમાં લગ્નની વરમાળા પહેરાવવામાં આવી રહી છે. જયારે વરમાળાનો પ્રસંગ ચાલતો હતો ત્યારે સગા સંબંધીઓ પુષ્પવર્ષા કરીને અભિવાદન કરી રહયા છે.