સાબરમતી જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈ પાછળ પરિવાર વર્ષે રૂ. 40 લાખ ખર્ચે છે
- લોરેન્સ બિશ્નોઈના ભાઈનો ચોંકાવનારો દાવો
- સલમાનના ઘર પર ગોળીબાર, બાબા સિદ્દિકીની હત્યાથી લઈને ખાલિસ્તાની નિજ્જરની મોતના કેસમાં લોરેન્સની સંડોવણી
- લોરેન્સ બિશ્નોઈને એન્કાઉન્ટરથી બચાવવા જ સાબરમતી જેલમાં રખાયો હોવાનો મીડિયા અહેવાલોમાં દાવો
નવી દિલ્હી : એનસીપી નેતા અને સલમાન ખાનના મિત્ર બાબા સિદ્દિકીની હત્યા પછી હાલમાં ચર્ચામાં આવેલા લોરેન્સ બિશ્નોઈ પાછળ તેનો પરિવાર વર્ષે રૂ. ૩૫થી ૪૦ લાખનો ખર્ચ કરે છે. આ રૂપિયા જેલમાં તેની સાર-સંભાળ રાખવા પાછળ થાય છે તેમ લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈએ દાવો કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે, જ્યાં તેને જોઈએ તે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું સૂત્રોનું કહેવું છે. સિદ્દિકી ઉપરાંત કેનેડા સાથેના વિવાદમાં પણ લોરેન્સનું નામ સંડોવાયેલું છે.
લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ ૫૦ વર્ષના રમેશ બિશ્નોઈએ જણાવ્યું કે, લોરેન્સનું સાચું નામ બલકરન બરરા હતું, પરંતુ સ્કૂલમાં તેણે નામ બદલીને લોરેન્સ રાખ્યું હતું. તેના પિતા હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા. લોરેન્સને હંમેશા મોંઘા કપડાં અને જૂતા પહેરવાનો શોખ હતો. આજે પણ તે જેલમાં કેદ હોવા છતાં પરિવાર તેની સારસંભાળ પાછળ વર્ષે રૂ. ૪૦ લાખ સુધીનો ખર્ચ કરે છે.
લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે. હત્યા-ખંડણી સહિતના અનેક કેસમાં એટીએસ અને એનઆઈએ તેના વિરુદ્ધ તપાસ કરી રહી છે. લોરેન્સ ભલે જેલમાં હોય, પરંતુ તે સતત તેની ગેંગના સંપર્કમાં રહે છે. આખી દુનિયામાં તેનું નેટવર્ક ફેલાયેલું હોવાનો સૂત્રોનો દાવો છે. સૂત્રો મુજબ સાબરમતી જેલમાં લોરેન્સને દરેક પ્રકારની સુવિધાઓ મળી રહી છે.
લોરેન્સનું નામ અનેક હાઈપ્રોફાઈલ કેસોમાં જોડાયેલું છે, જેમાં આ વર્ષે એપ્રિલમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરવો, મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યાથી લઈને કેનેડાના સરેમાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં તેની સંડોવણી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સલમાન ખાનને મારી નાંખવાની ધમકી આપવાની સાથે બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈએ લીધી છે. આમ છતાં, તેની પૂછપરછ માટે મુંબઈ પોલીસ તેની કસ્ટડી મેળવી શકતી નથી. મીડિયા અહેવાલો મુજબ લોરેન્સને એન્કાઉન્ટરથી બચાવવા અને તેને કશું થાય નહીં તે માટે જ તેને સાબરમતી જેલમાં કેદ કરાયો છે. પંજાબ પોલીસ, મુંબઈ પોલીસ સહિતની પોલીસ બિશ્નોઈની કસ્ટડી માગી રહી છે, પરંતુ તેઓ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરાવી નાંખે તેવું જોખમ હોવાથી તેને કાયદાકીય સુરક્ષા કવચ પૂરું પાડીને અન્ય રાજ્યોને સોંપવામાં આવતો નથી.
કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ મુજબ કોઈપણ રાજ્યની પોલીસ કે અન્ય કોઈપણ એજન્સીને બિશ્નોઈનો કબજો સોંપી શકાશે નહીં. આ માટે ગૃહમંત્રાલયે કલમ ૨૬૮ હેઠળ અન્ય રાજ્યોને બિશ્નોઈની કસ્ટડી માગતા અટકાવાય છે. આ કલમ હેઠળ કોઈપણ કેદીની ટ્રાન્સફર કરવાથી કાયદો-વ્યવસ્થાને અસર થઈ શકે તેમ હોય તો તેની ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકી શકાય છે.