'હુમલો તો ટ્રમ્પ ઉપર પણ થયો...' VIP નેતાના પિતાની હત્યા પર ભાજપના નેતાએ બાફ્યું
Image: Facebook
Mukesh Sahani Father Jitan Sahani Murder Case: બિહારના દરભંગામાં પૂર્વ મંત્રી મુકેશ સહનીના પિતાની હત્યા થઈ ગઈ છે. તેમના પિતા જીતન સહનીનો મૃતદેહ ગામના ઘરમાં જ મળ્યો. મૃતદેહની હાલત જોઈને એવું લાગે છે કે તેમની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. મુકેશ સહની મુંબઈથી પાછા ફરી રહ્યાં છે અને ગામમાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત છે અને એસઆઈટીની રચના કરી દેવાઈ છે, જે તપાસ કરી રહી છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. લાલુ યાદવની પાર્ટી આરજેડીએ નીતીશ કુમાર સરકાર પર જંગલરાજનો આરોપ લગાવ્યો છે. પપ્પુ યાદવે પણ કાયદા-વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યાં છે.
આ દરમિયાન ભાજપ નેતા અજય આલોકે અજીબ નિવેદન આપ્યું છે, જેની પર સવાલ ઉઠી રહ્યાં છે. તેમણે આ હત્યાકાંડ પર મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે સભ્ય સમાજમાં ઘટનાઓને રોકી શકાતી નથી. તેમણે કહ્યું કે અમેરિકામાં હુમલો તો ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પણ થયો. અમેરિકાથી મોટો સુપરપાવર તો આ દુનિયામાં કોઈ નથી, તેમ છતાં ટ્રમ્પ પર હુમલો થઈ ગયો. તેમણે એક્શન લીધું અને હુમલાખોરને તાત્કાલિક ઠાર માર્યો. અહીં પણ તાત્કાલિક એક્શન લેવામાં આવશે. કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. તેમના સિવાય જેડીયૂ નેતા અને કેન્દ્રીય રામનાથ ઠાકુરે કહ્યું કે ઘટનાઓ તો થતી રહે છે પરંતુ તેની પર આકરા એક્શન લેવામાં આવશે. નીતીશ કુમારની સરકારમાં કોઈ ગુનેગાર બચી શકશે નહીં.
આ હત્યાકાંડના કારણે નીતીશ કુમાર સરકાર પર આરોપોનો સમય પણ ચાલી રહ્યો છે. આરજેડીના પ્રવક્તા શક્તિ સિંહ યાદવે કહ્યું કે દરેક ચિંતિત છે કે બિહારમાં આખરે શું થઈ રહ્યું છે. શાસન પૂરી રીતે નબળું થઈ ચૂક્યું છે. શાસક અચેત અવસ્થામાં છે. તેમને ખબર પણ નહીં હોય કે શું થયું છે. જેડીયુ અને ભાજપના નેતાની હત્યાની ઘટનાઓ પણ બનતી રહે છે. આ જંગલરાજની સ્થિતિ છે. મુકેશ સહનીના પિતાની હત્યા થવી કોઈ સાધારણ ઘટના નથી. આ મામલાની તપાસ થવી જોઈએ કે આખરે કેવી રીતે આટલી મોટી ઘટના થઈ. બિહારની સ્થિતિ એવી છે કે કોઈ સાંભળનાર નથી અને શાસક તો અચેત જ છે. તેથી અમે કહીએ છીએ કે બિહારમાં માઈન્ડલેસ સરકાર છે અને જંગલરાજની સ્થિતિ છે.