'ચર્ચા જ કર્યા કરવાનો યુગ પૂરો થઈ ગયો છે' પાક. અંગે એસ. જયશંકરનું નિર્ણાયક નિવેદન

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
'ચર્ચા જ કર્યા કરવાનો યુગ પૂરો થઈ ગયો છે' પાક. અંગે એસ. જયશંકરનું નિર્ણાયક નિવેદન 1 - image


- ભારતમાં ત્રાસવાદી હુમલાઓ કરાવતા પાક.ને વિદેશ મંત્રીની સખ્ત ચેતવણી : કહ્યું : કેટલાક કૃત્યો (કઠોર) પરિણામો તરફ લઈ જાય છે

નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત સરકારની પાકિસ્તાન-નીતિ અંગેના સ્પષ્ટ પરિવર્તનો એક વક્તવ્યમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. તેઓએ કહ્યું ચર્ચા જ કર્યા કરવાનો યુગ હવે પૂરો થઈ ગયો છે. નવી દિલ્હી સરહદને પેલે પારથી થઈ રહેલી રચનાત્મક કે નકારાત્મક ઘટનાઓનો તે પ્રમાણેનો ઉત્તર આપવા સતત તૈયાર છે.

આ સપ્તાહે પાટનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આપેલા વક્તવ્યમાં તેઓએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, પ્રશ્ન તે છે કે આપણે કયા પ્રકારના પાકિસ્તાન સાથે સબંધો રાખવા જોઈએ.

આ પછી એક શ્રોતાએ તેમ કહ્યું કે, ભારત, પાકિસ્તાન સાથેની વર્તમાન સ્થિતિને યથાવત રાખવા માગે છે કે કેમ ? તેના ઉત્તરમાં તેઓએ કહ્યું હતું કે, તે બની પણ શકે, ન પણ બની શકે, પરંતુ હું તેટલું સ્પષ્ટ કરવા માગું છું કે, અમે તે અંગે નિષ્ક્રિય નથી રહ્યા. પરિસ્થિતિ રચનાત્મક બને કે, નકારાત્મક બને આપણે બંને રીતે ઉત્તર આપવા તૈયાર જ છીએ.

તેઓએ કહ્યું કે, પાકિસ્તાન સાથેના સંબંધો અસ્થિર છે, જમ્મુ અને કાશ્મીર મુદ્દો બંને વચ્ચેની ટક્કરનો છે. આ સાથે સરહદ પારથી ચાલતા ત્રાસવાદી તત્વોને પાકિસ્તાન દ્વારા અપાતા આર્થિક અને આનુષંગિક ટેકાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત પાકિસ્તાન બેશર્મ બનીને દ્વિપક્ષીય સંબંધોને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જઈ રહ્યું છે.

માર્ચમાં સિંગાપુરની મુલાકાત સમયે, જયશંકરે, પાકિસ્તાન દ્વારા અપાતા ત્રાસવાદ અંગે ખેદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારત તેની ઉપેક્ષા કરી જ ન શકે.

તેઓએ વધુમાં સામો પ્રશ્ન કર્યો કે, જે પાડોશી ત્રાસવાદને રાજકારણના ભાગ તરીકે જ જુવે છે. તેની સાથે તમો કામ કેમ પાડી શકો ? તે ઘટનાઓ કૈં છૂટી-છવાઈ બનતી નથી, તે ઔદ્યોગિક સ્તરે પહોચી ગઈ છે. નવી દિલ્હી હંમેશા વિવાદોનો ઉકેલ મિત્રતા ભરી મંત્રણાઓ દ્વારા જ લાવવા માગે છે. આ અભિગમ તેણે રશિયા-યુક્રેન અને પશ્ચિમ એશિયા માટે પણ અપનાવ્યો છે. પરંતુ તે અભિગમ જો ભારત ઉપર અને ભારતીયો ઉપર સતત થઈ રહેલા હુમલાઓ અંગે અપનાવી ન શકાય.

આ અંગે મારી પાસે કોઈ તત્કાળ ઉકેલ નથી, પરંતુ હું તમોને કહેવા માગું છું કે ભારત હવે ઘડીભર પણ આ પ્રશ્નની ઉપેક્ષા કરવાનું નથી. તેમ સુબ્રમણ્યમ જયશંકરે સિંગાપુરમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું.


Google NewsGoogle News