યુપીએકાળમાં અર્થતંત્ર એનપીએ હતું, એનડીએ સરકારે ઉગાર્યું

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
યુપીએકાળમાં અર્થતંત્ર એનપીએ હતું, એનડીએ સરકારે ઉગાર્યું 1 - image


- યુપીએ સરકારના દાયકા અને મોદી સરકારના 10 વર્ષનો તફાવત દર્શાવતું શ્વેતપત્ર રજૂ કરાયું

- નિર્મલા સીતારામને લોકસભામાં રજૂ કરેલા શ્વેતપત્રમાં યુપીએ શાસનમાં થયેલા 15 કૌભાંડોનો ઉલ્લેખ 

- યુપીએના સમયમાં મોંઘવારી 10 થી 12 ટકાના દરે પહોંચી, સરકારે ભારે દેવું લીધું, આવકનો ખોટો ઉપયોગ કર્યો

- 'રાષ્ટ્ર પ્રથમ'ની નીતિ પર ચાલતા એનડીએ સરકારે યુપીએકાળની નાણાકીય અસ્થિરતા ઉજાગર કરવાનું ટાળ્યું હતું

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મોદી સરકાર ૨.૦ના અંતિમ બજેટ સત્રમાં કેન્દ્ર સરકારે ગુરુવારે 'ભારતીય અર્થતંત્ર પર શ્વેતપત્ર' જાહેર કર્યું હતું. આ રિપોર્ટમાં કેન્દ્ર સરકારે ૨૦૧૪ પહેલાં યુપીએ સરકારના કૌભાંડો પર પ્રકાશ પાડયો હતો અને આ સમયમાં દેશ કેવા આર્થિક અને રાજકોષિય પડકારોનો સામનો કરતો હતો તેમજ ૨૦૧૪ પછીના દાયકામાં તેમની સરકારે કેવી રીતે આ પડકારોનો સામનો કર્યો અને તેના પર વિજય હાંસલ કર્યો હતો તે અંગે જણાવાયું છે. કેન્દ્ર સરકારે આ શ્વેતપત્ર ત્રણ ભાગમાં વિભાજિત કર્યું છે અને આ રિપોર્ટ ૬૯ પાનાનો છે. તેમાં ૨૦૦૪થી ૨૦૧૪ની સરકાર માટે 'યુપીએ સરકાર' અને ૨૦૧૪ પછીની સરકાર માટે 'અમારી સરકાર' શબ્દનો ઉપયોગ કરાયો છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ગુરુવારે લોકસભામાં 'ભારતીય અર્થતંત્ર પર શ્વેતપત્ર' રજૂ કર્યું હતું, જેમાં કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૪ પહેલા અને પછીના ભારત તથા તેના અર્થતંત્રના ફેરફાર અંગે વિસ્તારથી જણાવ્યું છે. બજેટ સત્રના અંતિમ દિવસોમાં રજૂ કરાયેલા આ શ્વેતપત્ર પર લોકસભામાં શુક્રવારે જ્યારે રાજ્યસભામાં શનિવારે ચર્ચા થશે. આ સાથે મોદી સરકાર ૨.૦નું અંતિમ બજેટ પૂર્ણ થશે. 

સરકારે શ્વેતપત્રમાં જણાવ્યું કે, એનડીએ સરકારે સત્તા પર આવ્યા પછી રાજનીતિ કરવાના બદલે 'રાષ્ટ્ર પ્રથમ'ની નીતિ અપનાવી યુપીએ સરકારની નાણાકીય અસ્થિરતા જાહેર કરવાનું ટાળ્યું હતું. તેનાથી સ્થાનિક અને વિદેશી રોકાણકારોનો ભારતીય અર્થતંત્ર પરથી વિશ્વાસ ડગી ગયો હોત. છેલ્લા એક દાયકામાં એનડીએ સરકારે અર્થતંત્રને સ્થિર કરી લીધું અને વિકાસની સ્થિતિમાં લાવી દીધું હોવાથી હવે યુપીએ શાસનના પડકારોને જાહેર કરવાનો નિર્ણય લેવાયો.

શ્વેતપત્રમાં કેન્દ્ર સરકારે યુપીએકાળમાં થયેલા ૧૫ કૌભાંડોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ટુજી સ્કેમ, કોલસા કૌભાંડ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડનો સમાવેશ થાય છે. મોદી સરકારે શ્વેત પત્રમાં કહ્યું કે, યુપીએએ ૧૦ વર્ષમાં અર્થતંત્રને નોન-પરફોર્મિંગ બનાવી દીધું હતું. દેશનો આર્થિક પાયો નબળો કરી નાંખ્યો હતો. યુપીએ કાળમાં ભારતીય રૂપિયામાં ભારે ઘટાડો થયો હતો. ૨૦૧૪ પહેલા દેશમાં બેન્કિંગ સેક્ટર મુશ્કેલીમાં મુકાયેલું હતું. વિદેશી હુંડિયામણનો ભંડાર પણ ઓછો હતો. તત્કાલીન સરકારે ભારે દેવું લીધું હતું. યુપીએ સરકારે આવકનો ખોટો ઉપયોગ કર્યો હતો. મોંઘવારી ૧૦થી ૧૨ ટકાના દર સુધી પહોંચી હતી.

યુપીએ સરકારમાં સંરક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોના કારણે નિર્ણયો અટકી ગયા હતા. તેના કારણે સંરક્ષણ તૈયારીઓ સાથે સમજૂતી કરવી પડી હતી. સરકારે આર્ટિલરી અને એન્ટી એરક્રાફ્ટ ગન્સ, ફાઈટર જેટ, સબમરીન, નાઈટ ફાઈટિંગ ગિયર્સ અને અનેક ઈક્વિપમેન્ટના અપગ્રેડેશનમાં વિલંબ કર્યો. શ્વેતપત્રમાં કેન્દ્ર સરકારે કોલસા કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો. સરકારે કહ્યું, ૨૦૧૪માં કોલસા કૌભાંડે દેશના અંતરાત્માને હચમચાવી દીધો હતો. ૨૦૧૪ પહેલાથી કોલસા બ્લોકની ફાળવણી પારદર્શી પ્રક્રિયાનું પાલન કર્યા વિના મરજી મુજબ કરાતું હતું. કોલસા ક્ષેત્રને પ્રતિસ્પર્ધા અને પારદર્શિતાથી બહાર રખાયું હતું. ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે ૧૯૯૩માં ફાળવાયેલા ૨૦૪ કોલસા ખાણ-બ્લોકોની ફાળવણી રદ કરી દીધી.

યુપીએ સરકારના શાસનનો દાયકો નીતિગત દુસ્સાહસ અને જાહેર સંશાધનોની બિન-પારદર્શી હરાજી, ટેક્સેસન, અસ્થિર માંગ પ્રોત્સાહન અને બિન ટાર્ગેટ સબસિડી અને બેદરકારી જેવા કૌભાંડોથી ઓળખાય છે. આ કૌભાંડોએ રાજકીય અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કર્યું. તેનાથી દેશ-વિદેશના રોકાણકારોમાં ભારતની છબી પર ખરાબ અસર પડી હતી. ૨૦૧૪માં એનડીએ સરકારે સત્તા સંભાળી ત્યારે દેશની આર્થિક સ્થિતિ માત્ર ખરાબ જ નહોતી, પરંતુ મુશ્કેલીમાં પણ હતી. ૨૦૧૪માં દુનિયાના પાંચ સૌથી નબળા અર્થતંત્રોમાં ભારતનો સમાવેશ થતો હતો જ્યારે અત્યારે ભારત ટોચના પાંચ અર્થતંત્રોમાં સામેલ છે. ભારતનું અર્થતંત્ર વૈશ્વિક અર્થતંત્રમાં દર વર્ષે ત્રીજું સૌથી વધુ યોગદાન આપે છે. ટૂંકમાં શ્વેતપત્રમાં એનડીએ સરકારે ૧૦ વર્ષમાં હાંસલ કરેલી પ્રગતિએ યુપીએ શાસનના દાયકાની ગતિહિનતા અને દિશાહિનતાને દૂર કરી હોવાનો દાવો કરાયો છે.

કોંગ્રેસના 'બ્લેક પેપર'ને પીએમ મોદીએ કાળુ ટપકું ગણાવ્યું

કેન્દ્ર સરકારે રજૂ કરેલા શ્વેતપત્ર વિરુદ્ધ કોંગ્રેસે મોદી સરકાર અંગે 'બ્લેક પેપર' જાહેર કર્યું છે. જોકે, આ અંગે રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, છેલ્લા ૧૦ વર્ષમાં દેશ નવી નવી સિદ્ધિઓ મેળવી રહ્યો છે. આવા સમયે કોંગ્રેસ બ્લેક પેપર લઈને આવી છે. ક્યારેક કેટલાક કામ એટલા સારા હોય છે, જે લાંબા સમય સુધી ઉપયોગી બને છે. આપણે ત્યાં કંઈક સારું કામ થાય તો પરિવારમાં એક સ્વજન એવા પણ આવી જાય છે, જે કહે છે કે અરે નજર લાગી જશે, કાળું ટપકું લગાવી દઉં છું. આજે છેલ્લા ૧૦ વર્ષમાં જે કામ થયા છે તેની કોઈને નજર ના લાગી જાય તે માટે આજે ખડગેજી કાળું ટપકું લગાવીને આવ્યા છે. આજે અમારા કામોને નજર ના લાગી જાય તેથી તમારા જેવા વરિષ્ઠ સાંસદ કાળું ટપકું લગાવીને આવ્યા છે તે સારી બાબત છે.


Google NewsGoogle News