ડ્રાઈવરે હાર્ટ એટેક દરમિયાન 20 બાળકોના જીવ બચાવ્યા
- તમિલનાડુના તિરુપુર જિલ્લાનો કિસ્સો
- જીવ ગુમાવનાર ડ્રાઈવરના પરિવારને સીએમ સ્ટાલિને રૂ. 5 લાખની મદદ કરી
ચેન્નઈ : હીરો એટલે એવો વ્યકિત કે જે પોતાના જીવની પરવાહ કર્યા વિના બીજાના જીવ બચાવે. તમિલનાડુના તિરુપુર જિલ્લામાં આવો જ એક હીરો જોવા મળ્યો હતો. તેણે હાર્ટ એટેકને કારણે મોતને ભેટતા પહેલા ૨૦ બાળકોના જીવ બચાવ્યા હતાં.
એક રિપોર્ટ મુજબ, એ.એન.વી સ્કૂલનો વેન ડ્રાઈવર સેમલૈયાપ્પન વેલ્લાકોઈલ બાળકોને ઘરે મૂકવા જઈ રહ્યો હતો. આ દરમિયાને તેને છાતીમાં દુખાવો ઉપડયો હતો. તેને હાર્ટ એટેકનો અંદાજ આવી જતાં તેણે વેન રસ્તાના કિનારે સુરક્ષિત રીતે પાર્ક કરી દીધી હતી. ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે ૨૦ બાળકોના જીવ બચ્યા હતાં.
સેમલૈયાપ્પનની બહાદુરીના સોશિયલ મીડિયામાં વખાણ થઈ રહ્યાં છે. આ દરમિયાન સ્કૂલના બાળકો સાથે ડ્રાઈવર સીટ પર બેભાન બેઠેલા સેમલૈયાપ્પનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને ડ્રાઈવરની બહાદુરીને બિરદાવી હતી. આ સાથે જ તેમના પરિવારને રૂ.૫ લાખની સહાયની જાહેરાત કરી છે.