Get The App

ભીડે સંસાર છીનવ્યો: સેંકડો મોત છતાં આપણે શું શીખ્યા? ભારતમાં નાસભાગનો કાળો ઈતિહાસ

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
ભીડે સંસાર છીનવ્યો: સેંકડો મોત છતાં આપણે શું શીખ્યા? ભારતમાં નાસભાગનો કાળો ઈતિહાસ 1 - image


Stampedes In India : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ગઈકાલે શનિવારે (15 ફેબ્રુઆરી) રાત્રે 10 વાગ્યાની આસપાસ થયેલી નાસભાગમાં 18 લોકોના મોત થયા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકમાં 14 મહિલાઓ, બાળકો સહિતના લોકો હતા. આ તમામ લોકો નવી દિલ્હી રેલવે સ્ટેશન ખાતે પ્રયાગરાજ જવા માટે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી હતી. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નાસભાગની અનેક ઘટનાઓ સામે આવી છે. જ્યારે એક મહિનાની અંદરમાં જ નાસભાગની બે ઘટનાઓ સર્જાઈ. 

મૌની અમાસ પર નાસભાગ

29 જાન્યુઆરી, 2025ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં મૌની અમાસ દરમિયાન નાસભાગ મચી હતી. જેમાં 30 જેટલાં લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 29 જાન્યુઆરીએ મહાકુંભ ખાતે લોકો સંગમ ઘાટમાં ન્હાવા જતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.

તિરૂપતિ મંદિરમાં નાસભાગ

8 જાન્યુઆરી, 2025ના રોજ આંધ્ર પ્રદેશના સૌથી અમીર મંદિરોમાના એક તિરૂપતિ મંદિરમાં ભાગદોડ મચી હતી. જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા અને 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં મફત દર્શન પાસ મેળવવા એકઠા થયા, ત્યારે નાસભાગ મચી હતી.

હાથરસમાં ભાગદોડમાં 121 લોકોના મોત

જુલાઈ 2024માં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાના ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં હજારો ભક્તો એકઠા થયા હતા, જેમાં લગભગ 121 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: નાસભાગ બાદ પણ ઢાંકપિછોડો કરતું રહ્યું રેલવે તંત્ર, LG સક્સેનાએ પોસ્ટ એડિટ કરી તો લોકોએ કર્યા ટ્રોલ

વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં 12 લોકોના મોત

જાન્યુઆરી 2022માં જમ્મુ અને કાશ્મીરના વૈષ્ણો દેવી મંદિર ખાતે થયેલી નાસભાગમાં 12 લોકોના મોત નીપજ્યા હતા. બીજા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભક્તોની ભારે ભીડ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી આ દરમિયાન નાસભાગ મચી હતી.

મધ્યપ્રદેશમાં ભાગદોડમાં 115 લોકોના મોત

ઓક્ટોબર 2013માં મધ્યપ્રદેશના રતનગઢ મંદિરમાં થયેલી ભાગદોડમાં લગભગ 115 લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં 100થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. મંદિરમાં દુર્ગા દેવીની નવ દિવસની પૂજા માટે 150,000થી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા.

2013ના મહાકુંભ મેળા દરમિયાન ભાગદોડ થઈ હતી

ફેબ્રુઆરી 2013માં ઉત્તર પ્રદેશમાં કુંભ મેળાના સૌથી વ્યસ્ત દિવસે પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 36 હિન્દુ યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં 27 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં 8 વર્ષની એક છોકરી પણ હતી.

આ પણ વાંચો: અમે ક્યારેય આવા દૃશ્યો નથી જોયા, મેં 15 મૃતદેહો બહાર કાઢ્યાઃ દિલ્હીમાં નાસભાગની ઘટનામાં પ્રત્યક્ષદર્શી

કૃપાલુ મહારાજના રામ જાનકી મંદિરમાં નાસભાગ મચી ગઈ

માર્ચ 2010માં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં કૃપાલુ મહારાજના રામ જાનકી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. આ મંદિરમાં મફત ભોજન અને કપડાં માટે મોટી ભીડ એકઠી થઈ હતી જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 63 લોકોના મૃત્યું થયા હતા, જેમાં મોટાભાગે બાળકો હતા.

રાજસ્થાનમાં ભાગદોડમાં 250 લોકોના મોત

સપ્ટેમ્બર 2008માં નવરાત્રી દરમિયાન રાજસ્થાનના ચામુંડાગર મંદિરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યા હતા, આ દરમિયાન ભાગદોડ મચી હતી. આ નાસભાગમાં 250 લોકો કચડાઈને મૃત્યુ પામ્યા હતા.

હિમાચલના નૈના દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ

ઓગસ્ટ 2008માં હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં એક મંદિરમાં નાસભાગ મચી હતી. ભૂસ્ખલનની અફવાને કારણે પહાડીની ટોચ પર આવેલા નૈના દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં લગભગ 145 હિન્દુ યાત્રાળુઓના મોત નીપજ્યા હતા. સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: નાસભાગમાં જીવ બચાવવા માટે શું કરવું? ભીડભાડમાં જાઓ ત્યારે હંમેશા યાદ રાખો આ ટિપ્સ

મહારાષ્ટ્રમાં નાસભાગમાં 265 લોકોના મોત

જાન્યુઆરી 2005માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના વાઈ શહેરમાં નાસભાગ સર્જાઈ હતી. જ્યાં મંધારદેવી મંદિર ખાતે થયેલી નાસભાગમાં 265 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મંદિરની સિડીઓ લપસણી હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. 


Google NewsGoogle News