જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો મુદ્દો બન્યો છે 'દરબાર મૂવ' પ્રથા, જાણો શું છે 150 વર્ષ જૂની આ પ્રથા

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
Jammu-Kashmir Election And Darbar Move


Jammu-Kashmir Election And Darbar Move : જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો અનેક પ્રકારના વચનો આપી રહ્યા છે. ‘કલમ 370ની પુનઃસ્થાપનાનું વચન’ તો જાણીતું છે પણ, સ્થાનિક પક્ષો ‘દરબાર મૂવ’ સિસ્ટમ (દરબાર સ્થાનાંતરણ પ્રથા)ની પુનઃસ્થાપનાનું વચન પણ આપી રહી છે. ઓમર અબ્દુલ્લા અને અલ્તાફ બુખારી જેવા રાજ્યના દિગ્ગજ નેતાઓ જો એમની સરકાર બનશે તો ‘દરબાર મૂવ’ સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાનું વચન આપવા લાગ્યા છે. ચાલો જાણીએ કે અચાનક જ ચૂંટણીનો મુદ્દો બની ગયેલી ‘દરબાર મૂવ’ સિસ્ટમ શું છે અને એને ચૂંટણી સાથે શું લાગેવળગે છે?

શું હતી ‘દરબાર મૂવ’ પ્રથા? 

જમ્મુ-કાશ્મીરમાં 'દરબાર મૂવ' પ્રથા 150 વર્ષથી વધુ જૂની છે. તે 2021 માં નાબૂદ કરવામાં આવી હતી. આ પ્રથા અંતર્ગત દર છ મહિને જમ્મુ-કાશ્મીરની રાજધાની બદલવાનું ચલણ હતું. શિયાળામાં રાજધાની જમ્મુ રહેતી, જ્યારે ઉનાળામાં રાજધાની શ્રીનગર રહેતી. ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં શિયાળો શરૂ થાય એટલે રાજધાનીને શ્રીનગરથી જમ્મુ ખસેડવામાં આવતી અને એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ઉનાળો બેસે ત્યારે રાજધાનીને જમ્મુથી શ્રીનગર ખસેડવામાં આવતી. રાજધાની બદલવાની આ પ્રથા 'દરબાર મૂવ' કહેવાતી.

આ પણ વાંચો : હરિયાણા માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની ચોંકાવનારી યાદી, વિનેશ-બજરંગ સહિત કોને કોને મળ્યું સ્થાન?

કડાકૂટભર્યું કામ, છતાં અમલમાં હતું

દર છ મહિને રાજધાની બદલાતાં તમામ મહત્ત્વપૂર્ણ સરકારી કચેરીઓ અને સચિવાલયોને જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ ખસેડવામાં આવતી. સ્થળાંતર દરમિયાન ફાઇલો અને માલસામાનને ટ્રકોમાં ભરીને જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ લાવવામાં આવતાં. બંને શહેરો વચ્ચે 300 કિલોમીટરનું અંતર કાપવું પડતું. નવા સ્થળે 10 હજારથી વધુ કર્મચારીઓના રહેઠાણની વ્યવસ્થા કરવી પડતી. આ બધા કામમાં પુષ્કળ સમય અને નાણાં ખર્ચાતાં, તોય અગાઉથી ચાલી આવતી હોવાથી આ પ્રથા દાયકાઓ સુધી ચાલુ રહી હતી.

ક્યારે શરૂ થઈ આ પ્રથા?

'દરબાર મૂવ'ની પ્રથા 1872માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે રાજ્યમાં ડોગરા શાસક મહારાજા રણબીર સિંહનું રાજ હતું. માન્યતા એવી છે કે હવામાનને કારણે દરબારને જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : તેજસ્વી યાદવના આ ખુલાસાથી બિહાર રાજકારણમાં હડકંપ, જેડીયુ-ભાજપ પર સંકટ

હકીકત એ પણ છે કે...

રાજધાની સ્થાનાંતર પાછળ માત્ર હવામાન જ નહીં, રાજકીય કારણો પણ જવાબદાર હતા, એવું માનવામાં આવે છે. 1870ના દાયકામાં વિજયી વાવટા લહેરાવતી રશિયન સેના અફઘાનિસ્તાન સુધી પહોંચી ગઈ હતી. એ પછી એમનો ડોળો કાશ્મીર ખીણ પર હતો. અંગ્રેજોને ડર લાગ્યો કે રશિયનો કાશ્મીર ખીણ જીતી લેશે તેથી અંગ્રેજોએ રાજ્યની સત્તા મહારાજા પાસેથી લઈ લીધી અને સલામતી માટે રાજધાનીના સ્થાનાંતરણની પ્રથા શરૂ કરી. 1873માં અંગ્રેજોએ રશિયનો સાથે વાટાઘાટો કરીને સમજૂતી કરાર કર્યા. એ પછીના 35 વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરના મહારાજા માત્ર નામના રાજા રહ્યા. રાજ્યના તમામ નિર્ણયો અંગ્રેજો જ લેતા. 1924 માં જ્યારે અંગ્રેજોને લાગ્યું કે હવે રશિયનોથી ડરવા જેવું કંઈ નથી ત્યારે તેમણે તત્કાલીન મહારાજા પ્રતાપ સિંહને સત્તા ફરી સોંપી. 

આ કારણસર આઝાદી પછી પણ ચાલુ રહી પ્રથા 

દેશને આઝાદી મળી એ પછી પણ આ પ્રથા ચાલુ રહી. 1957માં બક્ષી ગુલામ મોહમ્મદે શ્રીનગરને સ્થાયી રાજધાની બનાવવાનો નિર્ણય કર્યો, પરંતુ તેનો સખત વિરોધ થતાં એમણે એ વિચાર પડતો મૂક્યો. 1987માં મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાણે આ પ્રથાને સીમિત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે નક્કી કર્યું કે કેટલાક વિભાગો હંમેશા જમ્મુમાં અને કેટલાક કાશ્મીરમાં રહેશે. જોકે, એનો પણ વિરોધ થયો. વિરોધમાં જમ્મુમાં 45 દિવસ સુધી બંધ પાળવામાં આવ્યો અને સરકારે ઝુકવું પડ્યું.

આ પણ વાંચો : હવે સીપીએમમાં હાવી થશે કેરળ લોબી! કોણ છે એમ.એ.બેબી, જે લઈ શકે છે સીતારામ યેચુરીનું સ્થાન

ક્યારે અને શા માટે નાબૂદ કરવામાં આવી આ પ્રથા?

આખેઆખી રાજધાની એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવાનું કામ ભારે કડાકૂટભર્યું હતું. સમય તો બરબાદ થતો જ હતો, પણ ભેગો 200 કરોડ રૂપિયા તોતિંગ ખર્ચ થતો હતો. તેથી મે, 2020માં રાજ્યની હાઈકોર્ટે આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવા સરકારને જણાવ્યું. જૂન, 2021માં સરકારે આ પ્રથાને સંપૂર્ણપણે બંધ કરી દીધી અને શ્રીનગરને રાજ્યની કાયમી રાજધાની બનાવી દીધી.

આ કારણસર બન્યો ચૂંટણીનો મુદ્દો


આ પ્રથાના સમર્થકો કહે છે કે, ‘દરબાર મૂવ’ને લીધે જમ્મુ અને શ્રીનગર એ બંને શહેરોનો વિકાસ થઈ રહ્યો હતો. શ્રીનગરને કાયમી રાજધાની બનાવાતાં જમ્મુના વિકાસને ફટકો પડ્યો છે. જમ્મુની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે કારણ કે એની અર્થવ્યવસ્થા મોટાભાગે કાશ્મીરથી આવતા સરકારી કર્મચારીઓ પર નિર્ભર હતી. તેઓ જમ્મુ આવીને મકાન ભાડે લેતાં, જીવન જરૂરિયાતની ચીજો ખરીદવા માટે ખર્ચ કરતાં એટલે એ છ મહિના દરમિયાન જમ્મુવાસીઓ આખા વર્ષની આવક રળી લેતા.

હવે એવું નથી રહ્યું. રાજ્યમાં ફરવા આવતાં પ્રવાસીઓ જમ્મુમાં લાંબુ રોકાણ નથી કરતા. કટરા, શ્રીનગર, ગુલમર્ગ, વૈષ્ણોદેવી ફરીને જતાં રહે છે. તેથી જમ્મુવાસીઓના વોટ જીતવાને ઈરાદે સ્થાનિક પક્ષો આ મુદ્દાને ઉછાળી રહ્યા છે અને જૂની પ્રથા ફરી બહાલ કરવાનું વચન આપી રહ્યા છે. જમ્મુના રહેવાસીઓ રાજકીય વચનમાં વિશ્વાસ મૂકીને મત આપે છે કે કેમ, એ જોવું રસપ્રદ રહેશે.

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો મુદ્દો બન્યો છે 'દરબાર મૂવ' પ્રથા, જાણો શું છે 150 વર્ષ જૂની આ પ્રથા 2 - image


Google NewsGoogle News