ભારતમાં આ નદી પર નિર્મિત ડેમ 2000 વર્ષ જૂનો, 1 હજાર ફૂટ લાંબો હોવા છતાં અડિખમ
આ ડેમ પ્રાચીન ભારતીય એન્જિનિયરિંગ સૂઝનું ઉત્તમ ઉદાહરણ
ચોલ શાસનમાં બનેલો ડેમ 1 હજાર ફૂટ લાંબો અને ૬૦ ફૂટ પહોળો છે.
India Oldest Dam News | પાણીનો સંગ્રહ કરીને સિંચાઇ કરવા માટે બાંધવામાં આવતા ડેમનું વિજ્ઞાાન પ્રાચીન છે. ભારતમાં કાવેરી નદી પર કલ્લનાઇ ડેમ ૨ હજાર વર્ષ પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. નવાઇની વાત તો એ છે કે આ ડેમ પુરાતત્વનો પુરાવો નથી બની ગયો પરંતુ હજુ પણ કાર્યાન્વિત છે. આધુનિક સમયમાં ચેકડેમ તેની આવરદા કરતા પણ વહેલા તૂટી જાય છે. નવા બ્રીજમાં અચાનક જ ગાબડંુ પડી જાય છે. આવા સંજોગોમાં કલ્લનાઇ ડેમ પ્રાચીન ઇજનેરી વિધાનો બેનમૂન નમૂનો છે. એટલું જ નહી દુનિયાનો સૌથી જુનો ડેમ હોવાનું પણ ગૌરવ ધરાવે છે. કલ્લનાઇ બંધ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લામાં આવેલો છે.
આ ડેમનું નિર્માણ ચોલ રાજવંશના શાસનકાળમાં થયું હતું. એક દંતકથા મુજબ રાજા કારિકલન દક્ષિણ પ્રદેશનો એક માત્ર રાજા જેનું શાસન સિલોન (શ્રીલંકા) સુધી ફેલાયેલું હતું. સિંહાલી સામ્રાજય પર વિજય મેળવ્યા પછી આ પરાજિત સામ્રાજયના યુધ્ધના કેદીઓને ઐતિહાસિક બંધ બાંધવા કામે લગાડવામાં આવ્યા હતા. આ ડેમ અંગે પહેલા તો કોઇ દસ્તાવેજ કે પુરાવા મળતા ન હતા.
1800માં બ્રિટિશ લશ્કરના ઇજનેરોએ કાવેરી નદી અને પ્રાચીન ડેમનો અભ્યાસ કરતા તેઓ ચકિત થયા હતા. ડેમમાં સંગ્રહ થયેલા પાણીનો દુષ્કાળ સમયે ખેતીમાં ઉપયોગ થાય તથા પૂરની સ્થિતિમાં નદીના પાણીને ડાયવર્ટ કરી શકાય તે માટે ડેમ બંધાવાયો હતો. આ બંધ પ્રાચીન ભારતીયની એન્જિનિયરિંગ સૂઝનું ઉત્તમ ઉદાહરણ છે. ચોલ શાસક કરિકાલને તૈયાર કરાવેલા આ ડેમ ૧ હજાર ફૂટ લાંબો અને અને ૬૦ ફૂટ પહોળો છે.
આ બંધ તૈયાર કરવા માટે જે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આધુનિક સમયની ટેકનિક છે. મતલબ કે જેને આધુનિક ટેેકનિક ગણવામાં આવે છે તે ટેકનિક ભારતીયો ૨ હજાર વર્ષ પહેલા પણ જાણતા હતા. કાવેરી નદી પાણીના અત્યંત તેજ પ્રવાહ માટે જાણીતી છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં ડેલ્ટાઇ ક્ષેત્રમાં ભયંકર વિનાશ વેરતી હતી. આવા સંજોગોમાં નદી પર કોઇ બંધ બાંધીને તેના પાણીના પ્રવાહને રોકવો એક પડકાર સમાન હતું. પ્રાચીન સમયના ઇજનેરોએ આ પડકારનો સ્વીકાર કરીને ડેમનું નિર્માણ કર્યુ જે આજે પણ અડિખંમ છે.
આ બંધની ખાસિયત એ છે કે તે ઝિગ ઝેગ આકારમાં છે. આ ઝિગ ઝેગ ડિઝાઇનથી પાણીનો ફોર્સ ઘટી જાય છે. માત્ર દેશ જ નહી સમગ્ર દુનિયામાં બનતા ડેમો માટે કલ્લનઇ ડેમ પ્રેરણા સમાન છે. હાલમાં ૧૦ લાખ એકર જમીનમાં સિંચાઇ થાય છે. આ સ્થળ તિરુચિરાપલ્લીથી 19 કિમી દૂર આવેલું છે.સિંચાઇવાળા વિસ્તારને વધારવાના ઉદ્દેશ્યથી ડાઉન સ્ટ્રીમમાં અંગ્રેજ ઇજનેર સર ઓર્થર કોટન દ્વારા બીજા લોઅર એનિકટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
પ્રવાસીઓ લોઅર એનિકટ નજીકના બગીચા અને પુલ પર આવે છે. ૨ હજાર વર્ષ જુનો મૂળ કલ્લાનાઇ ડેમ હજુ પણ મજબૂત છે. એક ભવ્ય હાથીની ઉંપર ચોલ વંશના રાજા કારીકલન રાજાની પ્રતિમા છે. કલ્લનાઇ ડેમની બાજુમાં બીજો ડેમ બનાવનારા સર ઓર્થર કોટનની પ્રતિમા પણ પૂલ પર ઉભી કરવામાં આવી છે.