બંધારણ પર ચર્ચા: પ્રિયંકાએ કહ્યું- 'મોદી સરકારે બંધારણનું સુરક્ષા ચક્ર તોડવાના પ્રયાસ કર્યા, રાજનાથે આપ્યો વળતો જવાબ
- બંધારણ પર ચર્ચા : લોકસભામાં પહેલા ભાષણમાં જ પ્રિયંકા ગર્જ્યા, જૂના સમયમાં રાજા વેશ બદલી પ્રજાની પીડા જાણતા પણ...
- દેશનું સંવિધાન 'સંઘનું વિધાન' નથી, સરકારના વોશિંગ મશીનમાં બધા ધોવાઈ જાય છે, રૂપિયાના જોરે સરકારો તોડાય છે
- પ્રિયંકાએ જાતિ આધારિત વસતી ગણતરી, અદાણી વિવાદ, સંભલ હિંસા, મણિપુરમાં અશાંતિ જેવા મુદ્દાઓ ઉછાળ્યા
જૂના સમયમાં રાજા વેશ બદલી પ્રજાની પીડા જાણતા પણ... : પ્રિયંકા ગાંધી
વાયનાડથી લોકસભામાં પહેલી વખત ચૂંટાઈ આવનારાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે બંધારણ પર ચર્ચા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પીએમ મોદી પર સંભલ અને મણિપુર હિંસાની અવગણના કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. 'દેશના બંધારણના 75 વર્ષનો ભવ્ય પ્રવાસ' પર લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થઈ રહી છે ત્યારે શુક્રવારે સરકાર તરફથી રાજનાથ સિંહે ચર્ચાની શરૂઆત કરી હતી. રાજનાથ સિંહે કોંગ્રેસ પર હંમેશા બંધારણના બદલે સત્તાની પસંદગી કરવાનો તેમજ કોંગ્રેસના શાસનમાં બંધારણમાં 62 વખત સંશોધન કરાયાનો આક્ષેપ કર્યો હતો. બીજીબાજુ વિપક્ષ તરફી પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળ્યો હતો અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.
સંસદના શિયાળુ સત્રના 14મા દિવસે શુક્રવારે પ્રિયંકા ગાંધીએ બંધારણ પર બે દિવસની ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે લોકસભામાં પહેલી વખત ભાષણ આપતા મોદી સરકારને આડે હાથ લીધી હતી. પ્રિયંકાએ તેમના ભાષણમાં જાતિ આધારિત વસતી ગણતરી, અદાણી વિવાદ, સંભલ હિંસા, મણિપુરમાં અશાંતિ જેવા મુદ્દાઓ ઉછાળ્યા હતા.
વિપક્ષી નેતાઓને જેલમાં નાંખી દેવાય છે, પરેશના કરાય છે
પ્રિયંકાએ જણાવ્યું કે, આ દેશમાં એક સમયે રાજા વેશ બદલીને પ્રજામાં જતા. તેમની પીડા જાણતા, પ્રજામાં તેમના વિરુદ્ધ થતી ટીકાઓ સાંભળતા હતા. જોકે, અત્યારના રાજાને વેશ બદલવાનો તો શોખ છે. પરંતુ તેમનામાં પ્રજામાં જવાની અને ટીકાઓ સાંભળવાની હિંમત નથી. આજના રાજા ટીકાથી ડરે છે. વિપક્ષી નેતાઓને જેલમાં નાંખી દેવાય છે. પરેશાન કરાય છે.
આ દેશ ભયથી નહીં, સાહસ અને સંઘર્ષથી બન્યો છે
તેમણે ઉમેર્યું કે, 'દેશમાં આજે ડરનું જેવું વાતાવરણ છે તે અંગ્રેજોના રાજમાં હતું. અંગ્રેજોના સમયમાં આ તરફ બેઠેલા ગાંધીની વિચારધારાના લોકો આઝાદીની લડાઈ લડી રહ્યા હતા ત્યારે સામેની તરફ બેઠેલા લોકો અંગ્રેજો સાથે સાંઠ-ગાંઠ કરી રહ્યા હતા. પરંતુ ભયનો પણ તેનો સ્વભાવ હોય છે. લોકોને ભયભીત કરનારા પોતે જ ભયનો શિકાર બની જતા હોય છે. આ દેશ ભયથી નહીં, સાહસ અને સંઘર્ષથી બન્યો છે.'
મોદી સરકારે 10 વર્ષમાં બંધારણનું સુરક્ષા ચક્ર તોડવાના તમામ પ્રયાસ કર્યા
તેમણે કહ્યું કે, 'બંધારણે જનતાને સાહસ અને આત્મવિશ્વાસ આપ્યો છે. આ દેશ ભયથી નથી ચાલતો. ભયની પણ એક મર્યાદા હોય છે. આ મર્યાદા પાર થઈ જાય છે ત્યારે તેમાં એવી શક્તિ પેદા થાય છે કે તેની સામે કોઈ કાયર ઊભો રહી શકતો નથી. આ દેશ વધુ સમય સુધી કાયરોના હાથમાં નથી રહ્યો. બંધારણ ન્યાય, એકતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સુરક્ષા કવચ છે, પરંતુ ભાજપના નેતૃત્વમાં મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં તેને તોડવાનો શક્ય તમામ પ્રયાસ કર્યો છે.'
જનતાએ 400 પારના નારાને નકારી સરકારને બંધારણ બદલતા રોકી
પ્રિયંકા ગાંધીએ ઉમેર્યું કે, 'લેટરલ એન્ટ્રી અને ખાનગીકરણ મારફત આ સરકાર અનામતને નબળું કરવાની કામ કરી રહી છે. લોકસભામાં એનડીએ સરકાર 400 પાર થઈ ગઈ હોત તો બંધારણ બદલવાનું કામ શરૂ થઈ ગયું હોત. પરંતુ દેશની જનતાએ તેમને તેમ કરતા રોક્યા છે. વિપક્ષે જાતિ આધારિત વસતી ગણતરીની વાત કરી તો તેમણે કહ્યું ભેંસ ચોરી લેશે, મંગળસૂત્ર ચોરી લેશે આ તેમની ગંભીરતા છે.'
પીએમ મોદી સંભલ, મણિપુર હિંસાની અવગણના કરે છે
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'કેન્દ્ર સરકાર રૂપિયાના બળે રાજ્યોની સરકારો તોડી પાડે છે. મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ, હિમાચલ સરકાર તેનાં ઉદાહરણ છે. આખો દેશ જાણે છે કે તેમના ત્યાં વોશિંગ મશીન છે, જે અહીંથી ત્યાં જાય તે ધોવાઈ જાય છે. અમારા અનેક સાથીઓ તેમની બાજુ જઈને વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન અહીં બંધારણના પુસ્તકને માથે લગાવે છે, પરંતુ સંભલમાં, મણિપુરમાં ન્યાયનો અવાજ ઉઠે છે તો તેમને સંભળાતો નથી. કદાચ તેઓ સમજી નથી શક્યા કે આ ભારતનું સંવિધાન છે, 'સંઘનું વિધાન' નહીં. દેશના બંધારણે અમને એકતા આપી છે.'
દેશના તમામ સંશાધનો એક વ્યક્તિને આપી દેવાયા
અદાણીનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે, 'મોદી સરકારે અદાણીને બધા જ કોલ્ડ સ્ટોરેજ આપી દીધા. દેશ જોઈ રહ્યો છે કે એક વ્યક્તિને બચાવવા માટે દેશની 142 કરોડની જનતાને નકારવામાં આવી રહી છે. બધા જ બિઝનેસ, બધા જ કારોબાર, બધા જ સંશાધનો, બધી જ સંપત્તિ, સરકારી ખાણો, સરકારી કંપનીઓ એક જ વ્યક્તિને અપાઈ રહ્યાં છે.'
કોંગ્રેસે માત્ર વિરોધીઓને ચૂપ કરવા 62 વખત બંધારણ બદલ્યું : રાજનાથ
આ પહેલાં લોકસભામાં બંધારણ પર બે દિવસની ચર્ચા શરૂ કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, 'આજે લોકો બંધારણના રક્ષણની વાતો કરે છે, પરંતુ તેમણે એ સમજવાની જરૂર છે કે કોણે બંધારણનું સન્માન કર્યું છે અને કોણે અપમાન કર્યું છે. કોંગ્રેસ પક્ષના શાસનકાળમાં 62 વખત બંધારણમાં ફેરફાર કરાયા હતા. કોંગ્રેસ માત્ર બંધારણમાં સંશોધન જ નથી કર્યા, પરંતુ દુર્ભાવનાની સાથે ધીમે ધીમે બંધારણને બદલવાનો પ્રયત્ન કર્યો છે. પંડિત જવારલાલ નહેરુના સમયમાં બંધારણમાં 17 ફેરફાર કરાયા હતા. વધુમાં ઈન્દિરા ગાંધીના સમયમાં 28, રાજીવ ગાંધીના સમયમાં 10 અને મનમોહનસિંહના સમયમાં 7 વખત બંધારણ બદલવામાં આવ્યું.' તેમણે આક્ષેપ કર્યો કે, 'કોંગ્રેસ સરકારો દ્વારા કરાયેલા મોટાભાગના સંશોધન વિરોધીઓ અથવા ટીકાકારોને ચૂપ કરવા માટે કરાયા અથવા ખોટી નીતિઓ લાગુ કરવા માટે કરાયા.'
જદયુ નેતા લલનસિંહનો કોંગ્રેસ પર હુમલો
નવી દિલ્હી: બંધારણ દિવસના પ્રસંગે લોકસભામાં બંધારણ પર બે દિવસની ચર્ચામાં જદયુ સાંસદ અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન ઉર્ફે લલનસિંહે કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. કલમ 356ના દુરુપયોગનો ઉલ્લેખ કરતા લલનસિંહે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને સંભળાવ્યું કે બંધારણના ભક્ષક ક્યારેય રક્ષક બની શકે નહીં.
જદયુ નેતા લલનસિંહે કહ્યું કે, કોંગ્રેસ લાંબા સમય સુધી દેશ પર રાજ કર્યું. આ સમયમાં તેમણે અનેક વખત બંધારણના ધજાગરા ઉડાવ્યા હતા. આ જ કારણ છે કે આજે બંધારણે તેમને ત્યાં બેસાડી દીધા, જ્યાં તેઓ 15 વર્ષથી લટાર મારી રહ્યા છે. કોંગ્રેસના મહિલા સાંસદે તેમના પહેલા ભાષણમાં વ્યંગાત્મક અંદાજમાં મોદી સરકાર અને વડાપ્રધાન પર નિશાન સાધ્યું. પરંતુ તમારે તમારા પૂર્જવોએ આ દેશ પર જે શાસન કર્યું તેનો ઈતિહાસ વાંચવાની જરૂર છે. બંધારણના ભક્ષક આજકાલ બંધારણની નકલ લઈને એવી રીતે ફરી રહ્યા છે જાણે તેઓ બંધારણના રક્ષક હોય. પરંતુ બંધારણના ભક્ષક ક્યારેય રક્ષક બની શકે નહીં.
તેમણે કહ્યું કે, કોંગ્રેસે પોતાની સુવિધા માટે બંધારણમાં કલમ 356ની જોગવાઈ કરી. કલમ 356ને ભીમરાવ આંબેડકરે બંધારણના મિત્રપત્રની સંજ્ઞાા આપી હતી. એટલે કે તેનો ઉપયોગ વિશેષ પરિસ્થિતિઓમાં જ કરવો જોઈએ. જોકે, કોંગ્રેસનો ઈતિહાસ છે કે પંડિત જવાહરલાલ નહેરુએ કલમ 356નો ઉપયોગ 7 વખત, ઈન્દિરા ગાંધીએ 51 વખત, રાજીવ ગાંધીએ 6 વખત, પીવી નરસિંહા રાવે 11 વખત અને મનમોહનસિંહની સરકારે 12 વખત કર્યો. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને તોડી પાડીને કલમ 356નો ઉપયોગ કરી રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયા. કોંગ્રેસે બંધારણની આત્માને કલંકિત કરવાનું કામ કર્યું છે.