Get The App

જ્ઞાનવાપીમાં પૂજાના અધિકારની અરજી કોર્ટે માન્ય રાખી

Updated: Sep 13th, 2022


Google News
Google News
જ્ઞાનવાપીમાં પૂજાના અધિકારની અરજી કોર્ટે માન્ય રાખી 1 - image


- પાંચ મહિલાઓએ વારાણસી કોર્ટમાં અપીલ કરી હતી

- હિન્દુ પક્ષ 1993 પહેલાંની સ્થિતિ જાળવી રાખવાની માગ કરશે, મુસ્લિમ પક્ષ વારાણસી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારે તેવી શક્યતા 

- વારાણસી જિલ્લા કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી : કેસની વધુ સુનાવણી ૨૨મી સપ્ટેમ્બરે થશેઃ ઉત્તર પ્રદેશના પશ્વિમી જિલ્લાઓમાં એલર્ટ

વારાણસી : વારાણસી સ્થિત જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરીમાં પૂજાનો અધિકાર  મેળવવાની માગણી કરતી અરજીની સુનાવણી વારાણસી કોર્ટમાં થઈ હતી. કોર્ટે હિન્દુ પક્ષની અરજીને સુનાવણી યોગ્ય ગણીને વધુ સુનાવણી માટે ૨૨મી સપ્ટેમ્બરની તારીખ જાહેર કરી છે. મુસ્લિમ પક્ષની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. આ મુદ્દે હવે મુસ્લિમ પક્ષ હાઈકોર્ટમાં પહોંચે તેવી શક્યતા છે. તો બીજી તરફ હિન્દુપક્ષ ૧૯૯૩ પહેલાંની સ્થિતિ જાળવી રાખવાની માગણી કરશે એવું મનાઈ રહ્યું છે. બંને પક્ષે કોર્ટમાં લાંબી અને આક્રમક દલીલો કરી હતી. વારાણસી જિલ્લા કોર્ટમાં આ અરજીના સંદર્ભમાં ૨૬મીમેથી દલીલો થતી હતી.

વારાણસી કોર્ટે જ્ઞાાનવાપી-શ્રૃંગાર ગૌરીમાં પૂજા વિધિના અધિકારની હિન્દુ પક્ષની અરજીની સુનાવણી કરી હતી. હિન્દુપક્ષની અરજીને સુનાવણી યોગ્ય માનીને કોર્ટે હિન્દુપક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પાંચ મહિલાઓની અરજીના સંદર્ભમાં કોર્ટે એ દલીલ માન્ય રાખી હતી કે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ત્યાં હિન્દુધર્મની માન્યતા પ્રમાણે ક્યારેક માલિક બદલાઈ શકે નહીં. તેનો અધિકાર જે તે દેવનો રહે છે. ૫૦૦ વર્ષ જૂની મસ્જિદ દેશની આઝાદી વખતે પણ મુસ્લિમ પક્ષ પાસે હતી એટલે તેનો અધિકાર મુસ્લિમ પક્ષને મળવો જોઈએ એવી દલીલને કોર્ટે માન્ય રાખી ન હતી. હિન્દુપક્ષની પૂજાવિધિની અરજી માન્ય ન રાખવાની મુસ્લિમ પક્ષે અરજી કરી હતી તેને વારાણસી જિલ્લા કોર્ટે ફગાવી દીધી હતી અને આ મામલે વધુ સુનાવણી આગામી ૨૨મી સપ્ટેમ્બરે કરવાની જાહેરાત કરી હતી. કોર્ટે ઉમેર્યું હતું કે મુસ્લિમ પક્ષ પોતાના દાવાને સાબિત કરવામાં નાકામ રહ્યો છે. બીજી તરફ હિન્દુપક્ષની દલીલો મેરિટના આધારે સુનાવણી યોગ્ય જણાય છે.

જ્ઞાાનવાપીના પાછળના ભાગમાં આવેલા શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન કરવાની સાથે સાથે ૧૯૯૩ પહેલાંની સ્થિતિ જાળવી રાખવાની માગણી કોર્ટમાં રાખી સિંહ, લક્ષ્મી દેવી, સીતા શાહૂ, મંજૂ વ્યાસ અને રેખા પાઠક નામની પાંચ મહિલાઓએ કરી હતી. ગત ૨૬મી મેથી આ અરજીને માન્ય રાખવી કે નહીં તે બાબતે બંને પક્ષની દલીલો થતી હતી. મુસ્લિમ પક્ષની દલીલો પૈકીની એક દલીલ એવી પણ હતી કે જ્ઞાાનવાપીમાં ૧૯૯૧નો વર્સિપ એક્ટ લાગુ પડે છે. એટલે કે જ્ઞાાનવાપીના સ્વરૃપમાં કોઈ જ ફેરફાર કરી શકાય નહીં. એ એક્ટ અંતર્ગત ધાર્મિક સ્થળોની સ્થિતિ એ વખતે જેવી હતી એવી જાળવી રાખવાની હતી. એ એક્ટ પ્રમાણે જ્ઞાાનવાપી પર મુસ્લિમ પક્ષનો અધિકાર છે એવી દલીલને વારાણસી કોર્ટે માન્ય રાખી ન હતી.

આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક સર્વેક્ષણ અને વીડિયોગ્રાફી કરાવવાની હિન્દુપક્ષની માગણી છે, તે બાબતે પણ આગામી દિવસોમાં સુનાવણી થવાની શક્યતા છે. હિન્દુપક્ષે જ્યાં શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો ત્યાં ફુવારો હોવાનો દાવો મુસ્લિમ પક્ષ કરે છે. તે મુદ્દે પણ હવે આગળની કોઈ કાર્યવાહી થઈ શકે છે. 

જ્ઞાનવાપી કેસના વિવાદનો ઘટનાક્રમ

* ૧૮ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ શ્રૃંગાર ગૌરી પૂજાની પરવાનગી માટે અરજી.

* આઠ મહિના સુધી વારાણસી કોર્ટમાં એ બાબતે દલીલો ચાલી.

* ૨૬મી એપ્રિલ, ૨૦૨૨ના રોજ જ્ઞાાનવાપીમાં સર્વેક્ષણને મંજૂરી

* ૬-૮ મે દરમિયાન સર્વેક્ષણનો રિપોર્ટ ૧૦મી સુધી આપવાનો આદેશ થયો.

* ૭ મે, ૨૦૨૨ના રોજ કોર્ટ કમિશ્નર અજય મિશ્રાને નિષ્પક્ષતાના મામલે હટાવવાની મુસ્લિમ પક્ષની માગ

* ૧૨ મેના દિવસે કોર્ટે અજય મિશ્રાને હટાવવાની માગણી ફગાવી અને બે કમિશ્નરો વધુ નિમ્યા

* ૧૪ મેના રોજ સર્વે કમિશ્નરોએ જ્ઞાનવાપીનો સર્વે કર્યો.

* ૧૬મીના રોજ હિન્દુ પક્ષે મસ્જિદમાં શિવલિંગ હોવાનો દાવો કર્યો.

* ૧૬મી મેના રોજ જ કોર્ટે એ સ્થળને સીલ કરવાનો આદેશ આપ્યો.

* ૧૯મી મેએ કોર્ટ કમિશ્નરોએ જ્ઞાનવાપીનો સર્વે રિપોર્ટ કોર્ટને સોંપ્યો.

* ૧૯મી મેના રોજ શ્રૃંગાર ગૌરીમાં પૂજાની હિન્દુઓની અરજીને ફગાવી દેવાની મુસ્લિમ પક્ષની માગ

* ૨૦મી મેના દિવસે હિન્દુપક્ષની અરજી સુનાવણી યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા સુપ્રીમ કોર્ટે વારાણસી જિલ્લા કોર્ટને આદેશ આપ્યો.

* ૨૪મી ઓગસ્ટે બંને પક્ષની દલીલો પૂરી થઈ હતી. મે માસથી આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલતી હતી.

* ૧૨મી સપ્ટેમ્બરે હિન્દુપક્ષની અરજીને સુનાવણી યોગ્ય ગણાવીને વારાણસી કોર્ટે વધુ સુનાવણી માટે ૨૨મી સપ્ટેમ્બરની તારીખ આપી.

Tags :