ડૉક્ટરોની સુરક્ષા મુદ્દે દેશ વધુ એક રેપની રાહ જોઈ શકે નહીં : સુપ્રીમ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ડૉક્ટરોની સુરક્ષા મુદ્દે દેશ વધુ એક રેપની રાહ જોઈ શકે નહીં : સુપ્રીમ 1 - image


- સુપ્રીમે મમતા સરકારને ઝાટકી સમગ્ર દેશમાં ડૉક્ટરોની સુરક્ષાનો મુદ્દો

- નેશનલ ટાસ્ક ફોર્સને ત્રણ સપ્તાહમાં સુરક્ષા પ્રોટોકોલ બનાવવા, સીબીઆઈને શુક્રવાર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા સુપ્રીમનો નિર્દેશ

- શાંતિપૂર્ણ દેખાવો કરનારા, સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા સામે 'પાવર'નો ઉપયોગ નહીં કરવા મમતા સરકારને નિર્દેશ

નવી દિલ્હી : કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં મહિલા જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સુઓમોટો નોંધ લેતા સમગ્ર દેશમાં ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષાની ખાતરી માટે પ્રોટોકોલ બનાવવા ૧૦ સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. સાથે જ સીબીઆઈને આ કેસની તપાસ સંબંધિત સ્ટેટસ રિપોર્ટ ગુરુવાર સુધીમાં રજૂ કરવા કહ્યું છે.  વધુમાં સુપ્રીમે આ આઘાતજનક કેસમાં એફઆઈઆર નોંધવામાં વિલંબ, માતા-પિતાને પીડિતાને જોવા દેવામાં વિલંબ તેમજ હોસ્પિટલમાં હજારો લોકો દ્વારા તોડફોડ મુદ્દે મમતા સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે રાજ્ય સરકારને શાંતિપૂર્ણ દેખાવો કરનારા અને સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા પર શક્તિનો દુરુપયોગ નહીં કરવા પણ કહ્યું છે. આ સાથે વધુ સુનાવણી ૨૩ ઑગસ્ટ પર મુલતવી રાખી છે.

કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા જુનિયર ડોક્ટર પર બળાત્કરા અને હત્યાની ઘટનાને 'ભયાનક' ગણાવતા મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું આ મુદ્દો માત્ર કોલકાતા કેસનો જ નથી પરંતુ સમગ્ર દેશમાં ડૉક્ટરોની સુરક્ષા સાથે સંકળાયેલો છે. દેશ બળાત્કારની કોઈ નવી ઘટનાની રાહ જોઈ શકે નહીં. બેન્ચે વાઈસ એડમિરલ આરતિ સરિનના અધ્યક્ષપદે ૧૦ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી હતી, જેને સમગ્ર દેશમાં ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફની સુરક્ષા મુદ્દે પ્રોટોકોલ બનાવવા ત્રણ સપ્તાહની અંદર વચગાળાનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

સોશિયલ મીડિયા પરથી નામ, ફોટો, વીડિયો ક્લિપ્સ હટાવવા આદેશ

ન્યાયાધીશો જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાને સમાવતી બેન્ચે સીબીઆઈને આ ઘટનાની તપાસમાં તેનો યથાસ્થિતિ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. ઉપરાંત રાજ્ય સરકારને પણ હોસ્પિટલમાં તોફાન કરનારા લોકો સામે લેવાયેલા પગલાનો રિપોર્ટ રજૂ કરવા કહેવાયું છે. વધુમાં સોશિયલ મીડિયા પર પીડિતાની ઓળખ જાહેર થવા, ઘટના સમયના ફોટોગ્રાફ્સ અને વીડિયો ક્લિપ્સ વાયરલ થવા સામે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બધા જ સોશિયલ મીડિયાને આ તસવીરો અને વીડિયો ક્લિપ્સ તેમના પ્લેટફોર્મ્સથી ઉતારી લેવા નિર્દેશ આપ્યા છે.

ડૉક્ટરોની સુરક્ષા માટે હોસ્પિટલમાં સીઆઈએસએફની નિયુક્તિ કરી

દેખાવકારોના ટોળા દ્વારા હોસ્પિટલમાં થયેલી તોડફોડ અને કોલકાતા પોલીસ ઘટના સ્થળેથી ભાગી ગઈ હોવાની ગંભીર નોંધ લેતા બેન્ચે હોસ્પિટલમાં ડૉક્ટરોની સુરક્ષા માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ) નિયુક્ત કરવા આદેશ આપ્યો હતો અને ડૉક્ટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરી હતી. બેન્ચે કહ્યું કે, મહિલા જુનિયર ડૉક્ટરની જધન્ય હત્યા પછી રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાનો ભંગ ના થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવી અપેક્ષા રખાતી હોય છે. પરંતુ રાજ્ય સરકાર તેમ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.

માતા-પિતાને મૃતદેહ જોવાની મંજૂરી આપવામાં કલાકો કેમ થયા?

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ દ્વારા આ કેસને આત્મહત્યામાં ખપાવવાના પ્રયત્ન અને કલાકો સુધી માતા-પિતાને પુત્રીના મૃતદેહ પાસે જતા રોકવાની પણ આકરી ટીકા કરી હતી. તેમણે સવાલ કર્યો કે પ્રિન્સિપાલ શું કરી રહ્યા હતા? એફઆઈઆર નોંધવામાં વાર કેમ લાગી? માતા-પિતાને પુત્રીનો મૃતદેહ જોવા દેવામાં કલાકો શા માટે લાગ્યા? ૭,૦૦૦ લોકોનું ટોળું હોસ્પિટલમાં કેવી રીતે ઘુસી આવે? પોલીસની જાણ વિના આટલી મોટી સંખ્યામાં લોકો કેવી રીતે એકત્ર થઈ શકે? પોલીસે ક્રાઈમ સીનવાળા સ્થળની સુરક્ષા કરવી જોઈએ. પોલીસ તોફાની તત્વોને આ સ્થળ પર ઘૂસવા કેવી રીતે દઈ શકે? આ સિવાય પ્રિન્સિપાલે રાજીનામું આપ્યા પછી તેમની કામગીરી સામે સવાલો ઉઠયા હોય ત્યારે તુરંત જ અન્ય કોલેજમાં તેમની નિમણૂક કેવી રીતે કરી શકાય?

મહિલાઓને સુરક્ષિત વાતાવરણ-સમાનતાના અધિકાર આપવા જરૂરી

બેન્ચે ઉમેર્યું કે, આ મામલો માત્ર કોલકાતા સુધી મર્યાદિત નથી. આ કેસ સિસ્ટેમેટિક મુદ્દો છે અને સમગ્ર દેશના ડૉક્ટરો અને મેડિકલ પ્રોફેશનલ્સની સુરક્ષા સાથે સંકળાયેલો છે. અમે સમગ્ર દેશના ડૉક્ટરો વિશેષરૂપે મહિલા ડોક્ટરોની સુરક્ષા અંગે ચિંતિત છીએ. મહિલાઓને કામ કરવા માટે સુરક્ષિત વાતાવરણ આપી શકીએ નહીં અને તેઓ પોતાને સુરક્ષિત ના અનુભવે તો તે તેમના સમાનતાના અધિકાર અને સમાન તકો પૂરી પાડવાના અધિકારોનો ભંગ હશે. તેમણે ઉમેર્યું કે રેસિડેન્ટ ડૉક્ટરો અને સિનિયર રેસિડેન્ટ્સે ૩૬ કલાક સુધી ડયુટી કરે છે અને તેમની પાસે બેઝિક હાઈજીન કન્ડિશન અને સેનિટેશનની સુવિધા પણ નથી. હોસ્પિટલમાં પર્યાપ્ત સંખ્યામાં ટોયલેટની સુવિધા નથી. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી. હોસ્પિટલોમાં સીસીટીવી કામ નથી કરતા.

હોસ્પિટલમાં તોડફોડ મુદ્દે 50 એફઆઈઆર-37ની ધરપકડ

પશ્ચિમ બંગાળ સરકાર તરફથી વરિષ્ઠ વકિલ કપિલ સિબલે કોલકાતા પોલીસ દ્વારા તમામ જરૂરી પગલાં લેવાયા હોવાની દલીલ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં તોડફોડ પછી ૫૦ એફઆઈઆર નોંધાઈ છે અને ૩૭ લોકોની ધરપકડ કરાઈ છે. આ સમયે બેન્ચે પશ્ચિમ બંગાળ સરકારને આ ઘટનાના વિરોધમાં શાંતિપૂર્ણ દેખાવો કરનારા દેખાવકારો તેમજ સોશિયલ મીડિયા પર તેમનો વ્યક્ત કરનારા વિરુદ્ધ 'સ્ટેટ પાવર'નો ઉપયોગ નહીં કરવા અને ખૂબ જ સંવેદનશીલ રીતે આ મામલાનો સામનો કરવા જણાવ્યું હતું.

આરોપી સંજય રેપ પહેલાં રેડ લાઈટ એરિયામાં ગયો, ન્યૂડ ફોટો માગ્યા

કોલકાતા : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. સૂત્રો મુજબ આરોપી સંજય રોયે ૯ ઑગસ્ટની રાતે દારૂ પીધો હતો. આ સિવાય તે બે રેડ લાઈટ વિસ્તારોમાં પણ ગયો હતો. તેણે રસ્તા પર એક મહિલાની છેડતી કરી હતી અને એક મહિલા પાસે નગ્ન ફોટા પણ માગ્યા હતા. સૂત્રો મુજબ સંજય રોયે હોસ્પિટલના સેમિનાર હોલમાં બળાત્કાર અને હત્યા કરતા પહેલાં ઓપરેશન થિયેટરમાં કોઈ છે કે નહીં તેની તપાસ કરી હતી. પોલીસ તપાસમાં જણાયું હતું કે સંજય રોયના મોબાઈલ ફોનમાં અનેક હિંસક અને અશ્લિલ વીડિયો ક્લિપ પણ હતી.


Google NewsGoogle News