ઝારખંડ: જામતારામાં આવેલુ છે દેશનું સૌથી સસ્તુ ડ્રાય ફ્રૂટ બજાર, 40 રૂપિયા કિલો વેચાય છે કાજુ-બદામ
Image Source: Freepik
રાંચી, તા. 15 જુલાઈ 2023 શનિવાર
આરોગ્ય માટે કાજુ, બદામ ખૂબ ગુણકારી હોય છે. નિષ્ણાતો ડ્રાય ફ્રૂટના સેવનની સલાહ આપે છે. આ કમજોરીથી છુટકારો અપાવવાથી લઈને આંખોની રોશની, તેજ મગજ, યાદશક્તિ સારી કરવા સહિત ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે કાજુ- બદામ ખૂબ મોંઘા હોવાના કારણે આને ખરીદવા એટલા સરળ હોતા નથી. બજારમાં કાજુ-બદામ 800થી 1000 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે ડ્રાય ફ્રૂટ્સ 1000 રૂપિયા પ્રતિ કિલો ખરીદવા મુશ્કેલ હોય છે. જોકે ભારતમાં એક સ્થળ એવુ છે, જ્યાં ડ્રાય ફ્રૂટ ડુંગળી-બટાકાની કિંમતે મળી જાય છે. 1000 રૂપિયામાં વેચાતા બદામને આ બજારમાંથી લગભગ 40 રૂપિયા કિલોમાં ખરીદી શકાય છે.
સૌથી સસ્તુ ડ્રાય ફ્રૂટ માર્કેટ
સૌથી સસ્તુ ડ્રાય ફ્રૂટ ભારતના ઝારખંડ રાજ્યમાં વેચાય છે. ઝારખંડના જામતારા જિલ્લાને કાજુ નગરીના નામથી ઓળખવામાં આવે છે. ઝારખંડમાં મોટા પ્રમાણમાં કાજુની ખેતી થાય છે. દર વર્ષે હજારો ટન કાજુની પેદાશ થવાના કારણે ત્યાં ડ્રાય ફ્રૂટની કિંમત સાવ ઓછી રહે છે.
જામતારામાં કાજુ અને બદામની કિંમત
ભારતના બજારોમાં શ્રેષ્ઠ કાજુની કિંમત લગભગ 900 રૂપિયાથી એક હજાર રૂપિયા કિલો છે પરંતુ જામતારામાં રસ્તા કિનારે લોકો કાજુ-બદામ વેચે છે. ત્યાં કાજુ 30 રૂપિયા કિલો અને બદામ 40 રૂપિયા પ્રતિ કિલો ખરીદી શકાય છે.
જામતારામાં કાજુ અને બદામ કેમ સસ્તા છે
જામતારાના નાલા ગામમાં લગભગ 50 એકર જમીન પર કાજુની ખેતી થાય છે. ત્યાં કાજુના મોટા-મોટા બગીચા છે. આ કારણે બગીચામાં કામ કરતા લોકો ખૂબ જ સસ્તા ભાવે ડ્રાય ફ્રૂટને વેચે છે. ઝારખંડના દુમકામાં પણ કાજુની ખેતી કરવામાં આવે છે. આ સિવાય સંથાલ પરગણા પ્રમંડલમાં કાજુની ભરપૂર ખેતી થાય છે. ત્યાંની જળવાયુ અને માટી કાજુની ખેતી માટે અનુકૂળ છે. ખેડૂતોને ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય મળી શકતુ નથી. આ સિવાય વિસ્તારમાં કોઈ પ્રોસેસિંગ પ્લાન્ટ નથી, આ કારણે ગ્રામીણ ખેતીથી વધુ નફો કમાઈ શકતા નથી.