Get The App

મણિપુરમાં 19 મહિનાથી હિંસા રોકવામાં સરકાર નિષ્ફળ, નિર્દોષો બન્યા ભોગ: RSSએ ઝાટકણી કાઢી

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
મણિપુરમાં 19 મહિનાથી હિંસા રોકવામાં સરકાર નિષ્ફળ, નિર્દોષો બન્યા ભોગ: RSSએ ઝાટકણી કાઢી 1 - image


નિર્દોષો હિંસાનો ભોગ બની રહ્યા છે : આરએસએસે કેન્દ્ર-રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી

મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી શરૂ થયેલી હિંસા હજુ પણ યથાવત છે. છેલ્લા ૧૫ દિવસથી હિંસાની ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે, એવામાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસએ એક નિવેદન જાહેર કરીને મણિપુરની હિંસાની ટિકા કરી છે. સંઘના મણિપુર યુનિટ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે અત્યંત દુ:ખદ બાબત છે કે ગયા વર્ષે ૩ મેના રોજ શરૂ થયેલી હિંસાને ૧૯ મહિના વીતી ગયા હોવા છતા હજુસુધી તેનો કોઇ નિકાલ લાવવામાં નથી આવ્યો. સંઘ ઉપરાંત ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ પણ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય એમ બન્ને સરકારો શાંતિ અને સલામતિની પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહી છે.

રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)એ એક નિવેદન જાહેર કરીને મણિપુરમાં તાજેતરમાં થયેલી હિંસા અને ઉગ્રવાદીઓ દ્વારા નાગરિકોની હત્યાની ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું, સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારને શાંતિ સ્થાપિત કરવા તમામ યોગ્ય પગલા લેવા કહ્યું હતું. સંઘના મણિપુર યુનિટ દ્વારા જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મણિપુરમાં ૧૯ મહિનાથી હિંસા ચાલી રહી છે જે અત્યંત દુ:ખદ અને ખેદજનક છે. 

ઇમ્ફાલમાં સ્કૂલ-કોલેજો બંધ, સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા વધુ બે દિવસ માટે સસ્પેન્ડ, કેન્દ્રએ વધુ પાંચ હજાર જવાન રવાના કર્યા

તાજેતરની હિંસામાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. મહિલાઓ અને બાળકોની ઘાતકી રીતે કરાયેલી હત્યાની આકરી ટિકા કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ખરેખર ગંભીર પગલા લેવાની જરૂર છે.  જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના મણિપુર યુનિટ દ્વારા પણ એક નિવેદન જાહેર કરાયું હતું અને જણાવાયું હતું કે  બન્ને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડી છે. ઝિરીબાનમાં બાળકો, મહિલાઓની હત્યા, પોલીસ-સૈન્ય દળો પર હુમલા અત્યંત દુ:ખદ છે. જો સમયસર પગલા લેવામાં આવ્યા હોય તો છ નિર્દોષ નાગરિકોનો જીવ બચાવી શકાયો હોત, પ્રશાસન પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યું છે. મણિપુરના ઝિરીબાનમાં ૧૧ કૂકી ઉગ્રવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા, જે બાદ કૂકી ઉગ્રવાદીઓએ મૈતેઇ સમૂદાયના કેમ્પ પર હુમલો કરીને છ લોકોનું અપહરણ કરી તેમની હત્યા કરી નાખી હતી, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ મણિપુરમાં ફરી ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સતત બીજા દિવસે મણિપુર મુદ્દે બેઠક યોજી હતી.

ઇમ્ફાલમાં કરફ્યૂ તોડીને લોકોએ સરકારી અધિકારીઓના ઘરો અને કચેરીઓને ચેઇન સાથે તાળા માર્યા

જ્યારે કેન્દ્ર સરકારે સીએપીએફની વધુ ૫૦ કંપનીઓ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે, અગાઉ ૨૦ કંપનીઓ તૈનાત કરાઇ હતી. સાથે જ કેન્દ્રના આદેશ પર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ તાજેતરની હિંસાના ત્રણ કેસોની તપાસ પોતાના હાથમાં લીધી છે. જેમાં છ નિર્દોષ નાગરિકોની હત્યાનો પણ સમાવેશ થાય છે.    મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં કરફ્યૂ લાગુ કરાયો છે, સાથે જ અહીંની તમામ સ્કૂલો અને કોલેજોને ૧૯મી તારીખ સુધી બંધ રાખવાનો આદેશ જારી કરાયો છે. સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરવામાં આવી હતી જેનો સમયગાળો વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે.

વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકનું પોલીસના ગોળીબારમાં મોત, સીએમ બિરેનસિંહે તમામ ધારાસભ્યની બેઠક બોલાવી

મણિપુરમાં તાજેતરની હિંસાને પગલે વિરોધ પ્રદર્શન વધી રહ્યા છે. એવામાં ઝિરીબાન જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકો પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું જ્યારે એક નાગરિક ઘવાયો હતો. આ ઘટનાના પગલે મુખ્યમંત્રી એન બિરેનસિંહે ઇમ્ફાલમાં તમામ બિનકોંગ્રેસી ધારાસભ્યોની સાથે બેઠક યોજી હતી જોકે આ બેઠકમાં સરકારને આપેલો ટેકો પાછી ખેંચી લેનારા પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટીના ધારાસભ્યોએ સામેલ ના થવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ ઇમ્ફાલમાં કરફ્યૂને તોડીને મણિપુર અખંડતા સમ્નવય સમિતિએ સરકારી કાર્યાલયોને તાળા મારીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.    


Google NewsGoogle News