Get The App

કેન્દ્ર સરકાર આવતીકાલે વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરશે

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
કેન્દ્ર સરકાર આવતીકાલે વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરશે 1 - image


તમામ રાજ્યોની વિધાનસભાઓ, લોકસભાની ચૂંટણી સાથે યોજવાનો ઉદ્દેશ્ય

બંધારણના ત્રણ આર્ટિકલ સુધારાશે, એકનો ઉમેરો થશે કેન્દ્રનો નિર્ણય સંઘીય ઢાંચાને નબળો પાડશે ઃ વિપક્ષ

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે એક દેશ એક ચૂંટણી બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલને હવે સોમવારે ૧૬મી તારીખે સંસદમાં રજુ કરવામાં આવશે. વન નેશન વન ઇલેક્શન તરીકે ઓળખાતા આ બિલનો ઉદ્દેશ્ય તમામ રાજ્યોની વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીને એક સાથે યોજવાનો છે. બિલમાં દાવો કરાયો છે કે હાલમાં ચૂંટણીઓ યોજવા પાછળ બહુ જ ખર્ચો થઇ રહ્યો છે. એવામાં એક સાથે ચૂંટણી યોજવાથી આ ખર્ચાથી બચી શકાશે. 

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં કેન્દ્ર સરકારે બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક કમિશનની રચના કરી હતી, આ રામનાથ કોવિંદ કમિશને ડ્રાફ્ટ રિપોર્ટ કેન્દ્રને સોંપી દીધી હતી, જેને હવે કેન્દ્રિય કેબિનેટની મંજૂરી મળી ગયા બાદ બિલ સ્વરુપે તેને સંસદમાં રજુ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે લોકસભામાં આ બિલ રજુ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ અને કમિશનના અધ્યક્ષ રામનાથ કોવિંદે વન નેશન વન ઇલેક્શનને લોકશાહી માટે ગેમ ચેંજર ગણાવ્યું હતું. 

બીજી તરફ સત્તાધારી એનડીએમાં સામેલ પક્ષો આ બિલના સમર્થનમાં છે જ્યારે વિપક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધન બિલના વિરોધમાં છે. વિપક્ષનો દાવો છે કે વન નેશન વન ઇલેક્શન સત્તાને કેન્દ્રીકૃત કરી શકે છે. તેનાથી સંઘીય (કેન્દ્ર અને રાજ્યોની શક્તિ)ના સિદ્ધાંતોને નબળી પાડી શકે છે. કેન્દ્ર સરકારના આ બિલથી બંધારણમાં નવા આર્ટિકલ ૮૨એનો ઉમેરો થશે જ્યારે ત્રણ આર્ટિકલ ૮૩, ૧૭૨ અને ૩૨૭માં સુધારા કરવા પડશે. 

બિલમાં દાવો કરાયો છે કે વર્ષ ૧૯૫૧-૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭માં પણ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ સાથે યોજવામાં આવી હતી. જોકે ૧૯૬૮થી ૧૯૬૯ વર્ષે કેટલીક વિધાનસભાઓને સમય પહેલા ભંગ કરી દેવાતા એક સાથે ચૂંટણી યોજવાનું આ ચક્ર ટુટી ગયું હતું. રામનાથ કોવિંદ કમિશને મ્યૂનિ. અને પંચાયતોની ચૂંટણીને પણ આવરી લેવાની ભલામણ કરી હતી, જોકે કેબિનેટે ગુરુવારે પોતાના નિર્ણયમાં આ ભલામણને હાલ પુરતા બિલમાં સામેલ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. કેબિનેટે બે બિલને મંજૂરી આપી છે જેમાં એક બિલમાં વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી સાથે યોજવા જ્યારે બીજા બિલમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના એક સાથે ચૂંટણી યોજવા સાથે જોડાયેલુ છે. વિપક્ષ આ બિલોના વિરોધમાં હોવાથી સોમવારે આ મુદ્દે સંસદમાં ભારે હોબાળાની શક્યતાઓ છે.



Google NewsGoogle News