Get The App

નવા-જૂનાના એંધાણ! કેન્દ્ર સરકારે તાત્કાલિક મણિપુર મોકલ્યા 2000 જવાન, જાણો હાલની પરિસ્થિતિ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
નવા-જૂનાના એંધાણ! કેન્દ્ર સરકારે તાત્કાલિક મણિપુર મોકલ્યા 2000 જવાન, જાણો હાલની પરિસ્થિતિ 1 - image


Central Government Immediately sent 2000 Soldiers to Manipur : કેન્દ્ર સરકારે મણિપુરની હાલની ઘટનાઓ અને કાયદો વ્યવસ્થા સંબંધિત મુદ્દાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ની 20 વધારાની કંપનીઓ મોકલી છે. જેમાં લગભગ 2,000 જવાનો છે. અધિકૃત સૂત્રોએ બુધવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે રાત્રે આ સૈનિકોને તાત્કાલિક હવાઈ માર્ગે મોકલી અને તહેનાત કરવાનો આદેશ જારી કર્યો હતો. સોમવારે મણિપુરના જીરીબામમાં સુરક્ષા દળો દ્વારા હમાર સમુદાયના શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ વિસ્તારમાંથી ત્રણ બાળકો સહિત મેઇતી સમુદાયના છ લોકો હજુ પણ ગુમ છે.

આ પણ વાંચો : મણિપુર ભડકે બળ્યું, કૂકી ઉગ્રવાદીઓને ઠાર મરાયા 6 મૈતેઈ ગુમ, 2નાં મોત, 5 જિલ્લામાં બંધનું એલાન

12 નવેમ્બરના રોજ જારી કરાયેલા આદેશમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 30 નવેમ્બર સુધી 20 CAPF કંપનીઓ તહેનાત રહેશે, જેમાં 15 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને પાંચ બોર્ડર સિક્યુરિટી ફોર્સ કંપનીઓનો સમાવેશ થાય છે. આદેશમાં કહેવામાં આવ્યું કે, "આ ઉપરાંત વધુ 20 CAPF કંપનીઓની તહેનાત સાથે કુલ 218 CAPF કંપનીઓ; 115 CRPF, 8 RAF, 84 BSF, 6 SSB અને 5 ITBP કંપનીઓ 30 નવેમ્બર સુધી મણિપુરમાં તહેનાત કરવામાં આવશે." કેન્દ્રએ તેમના આદેશમાં મણિપુર સરકાર સાથે સંબંધિત CAPF સાથે પરામર્શ કરીને તેની તહેનાત કરવાની યોજના તૈયાર કરવા જણાવ્યું છે.

મણિપુરના જીરીબામ જિલ્લામાં સોમવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સાથેની ઉગ્ર મુઠભેડમાં આશરે 11 શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા હતા. મુઠભેડ ત્યારે થઈ જ્યારે છદ્મ વરધીદારી અને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ આતંકવાદીઓએ બોરોબેકરા પોલીસ સ્ટેશન અને જીરીબામ જિલ્લાના જાકુરાધોર ખાતે નજીકના CRPF કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. ભીષણ અથડામણ બાદ CRPFએ અત્યાધુનિક હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : હવે પગભર થાઓ... શરદ પવારની તસવીરના ઉપયોગ બદલ સુપ્રીમ કોર્ટે કરી અજિત પવારની ઝાટકણી

રાજ્યમાં ગયા વર્ષે મે મહિનામાં જાતિય હિંસા શરૂ થઈ ત્યારથી CAPFની 198 કંપનીઓ પહેલેથી જ તહેનાત છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે. મણિપુરના જીરીબામમાં તાજી હિંસા ફાટી નીકળ્યા બાદ ગયા અઠવાડિયાથી તણાવ ભરેલી સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં મણિપુરની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ વધારાના 2000 સૈનિકો મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.


Google NewsGoogle News