Get The App

ભારત-મ્યાનમારની 1610 કિમી સરહદ સીલ કરવા સરકારનો મોટો નિર્ણય, 20,000 જવાનો પણ કરશે તહેનાત

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
ભારત-મ્યાનમારની 1610 કિમી સરહદ સીલ કરવા સરકારનો મોટો નિર્ણય, 20,000 જવાનો પણ કરશે તહેનાત 1 - image
Representative Image

Central Government Decided Seal India Myanmar Border : કેન્દ્ર સરકારે મણિપુરમાં ઘૂસણખોરોને રોકવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચેની 1610 કિલોમીટર લાંબી સરહદને સીલ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર સરહદ પર ભારે ફેન્સીંગ પણ લગાવશે, જેની શરુઆત થઈ ચૂકી છે. આ સિવાય સીઆઆરપીએફની 2 બટાલિયનને પણ કાયમી ધોરણે મણિપુરમાં તહેનાત કરવામાં આવશે. જ્યારે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના 20,000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ(FMR)ને નાબૂદ કરાઈ 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મોદી સરકાર 100 દિવસમાં મણિપુરની સ્થિતિને સંભાળવા માટે પૂરી કોશિશ કરી રહી છે. સરકારે મ્યાનમાર સરહદ પર ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ(FMR)ને નાબૂદ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની સુરક્ષાને લઈને નિયમિત સમીક્ષા કરી રહ્યા છે, અને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરી રહ્યા છે. મણિપુરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની બે બટાલિયન તહેનાત કરવામાં આવી છે. આ સિવાય કેન્દ્રીય પોલીસ દળોની લગભગ 200 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. ત્યાંના લોકોનો CRPF પર વિશ્વાસ વધ્યો છે.

આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા નવી પહેલ શરુ કરાઈ 

મણિપુર સરકારે સામાન્ય લોકોને વ્યાજબી ભાવે આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે 25 દુકાનો/મોબાઇલ વાન શરુ કરી છે. આ દુકાનો/મોબાઇલ વાન મણિપુરના તમામ જિલ્લાઓમાં કાર્યરત છે. એક નવી પહેલ હેઠળ મણિપુરના લોકોને વાજબી ભાવની ચીજવસ્તુઓ પૂરી પાડવા 17 સપ્ટેમ્બર, 2024થી સામાન્ય લોકો માટે કેન્દ્રીય પોલીસ કલ્યાણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. હાલના 21 કેન્દ્રો ઉપરાંત 16 નવા કેન્દ્રો પણ ખોલવામાં આવી રહ્યા છે. 16 નવા કેન્દ્રોમાંથી 8 ખીણમાં અને બાકીના 8 પહાડી વિસ્તારોમાં હશે.

આ પણ વાંચો : ભારતને રોકવા પાક. સાથે પરમાણુ કરાર જરૂરી : ઢાકા યુનિ.ના પ્રોફેસર

31 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફેન્સ લગાવાશે

મળતી માહિતી અનુસાર પાડોશી દેશ મ્યાનમારથી ઘૂસણખોરો મણિપુરમાં પ્રવેશ કરી રહ્યા છે. જેને લઈને સુરક્ષા સંબંધિત કેબિનેટ સમિતિએ ભારત અને મ્યાનમાર વચ્ચેની 1610 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ પર અંદાજે 31 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફેન્સ લગાવવા અને સરહદ રોડ બનાવવાના માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. 

મોરેહની ઉપર લગભગ 10 કિમી સરહદ પર ફેન્સ ઊભી કરવામાં આવી છે. આ સિવાય મણિપુરમાં અન્ય 21 કિમી સરહદની ફેન્સ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. મેતઈ અને કુકી સમુદાયો વચ્ચે સતત વાટાઘાટો કરવામાં આવી રહ્યો છે, જેથી શક્ય તેટલી વહેલી તકે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરી શકાય.


Google NewsGoogle News