કેન્દ્ર નવા વર્ષે પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડાની ભેટ આપી શકે
- ઓઇલ કંપનીઓ સાથે વાતચીત ચાલે છે
- ક્રૂડના ભાવ ઘટેલા રહેતા પ્રતિ લિટર દસ રુપિયા સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને નવા વર્ષે મોટી રાહત આપી શકે છે. નવા વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની ભેટ પ્રજાને મળી શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર દસ રુપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.
કેન્દર્ સરકાર પેટ્રોલ-ડીઝલનો ભાવ પ્રતિ લિટર છ રુપિયાથી લઈને દસ રુપિયા સુધી ઘટાડી શકે છે. સમગ્ર દેશમાં લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ક્રૂડ ઓઇલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટાડો થયો છે અને સરકાર હવે તેનો ફાયદો પ્રજાને આપવા જઈ રહી હોવાના અહેવાલ છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે, જેથી આગામી દિવસોમાં પ્રજાને રાહત આપી શકાય. સરકાર આ રાહત ક્યારે આપશે તેની કોઈ ચોક્કસ તારીખ સામે આવી નથી, પરંતુ મુખ્યત્વે નવા વર્ષે આ રાહત આપે તેમ માનવામાં આવે છે.
દેશના ઓઇલની કિંમત રોજ નક્કી થાય છે. ઓઇલ કંપનીઓ તેની રોજ સમીક્ષા કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવમાં ફેરફારના આધારે ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ થાય છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેનટ્ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૭૮.૭૧ ડોલર છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાણા મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલય પાસે ઓઇલનો ભાવ ઘટાડવા માટેનું બધું જ જરુરી માળખું તૈયાર છે. હવે ફક્ત પીએમઓની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.