કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણો શોધી કઢાયા, વિજ્ઞાનીઓની ટીમે આપેલા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણો શોધી કઢાયા, વિજ્ઞાનીઓની ટીમે આપેલા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા 1 - image


Image: Facebook

Wayanad Landslides: કેરળના વાયનાડ જિલ્લામાં બે અઠવાડિયા પહેલા મોટા પાયે ભૂસ્ખલન માટે ભારે વરસાદ જવાબદાર હતો, જે ક્લાઇમેટ ચેન્જના કારણે 10 ટકા વધુ તીવ્ર થઈ ગયો હતો. ભારત, સ્વીડન, અમેરિકા અને બ્રિટનના 24 સંશોધકો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલો અભ્યાસ આ જ દર્શાવે છે. 

અભ્યાસ અનુસાર વાયનાડમાં લગભગ બે મહિનાના ચોમાસાના વરસાદના કારણે પહેલેથી જ વધુ ભેજવાળી માટી પર એક જ દિવસમાં 140 મિલીમીટરથી વધુ પાણી વરસ્યું, જેનાથી આ વિસ્તાર વિનાશકારી પૂર અને ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયો અને 231 લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યાં. 

ક્લાઇમેટ ચેન્જ બન્યું આપત્તિનું કારણ

રેડ ક્રોસ રેડ ક્રિસેન્ટ ક્લાઇમેટ સેન્ટરમાં ક્લાઇમેટ જોખમ સલાહકારે કહ્યું, 'ભૂસ્ખલનનું કારણ બનેલો વરસાદ વાયનાડના તે વિસ્તારમાં પડ્યો, જે કેરળમાં ભૂસ્ખલનની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે. જેમ-જેમ ક્લાઇમેટ ગરમ થઈ રહ્યું છે વધુ ભારે વરસાદની આશંકા વધી રહી છે. આ તથ્ય ઉત્તર કેરળમાં આ રીતે ભૂસ્ખલનનો સામનો કરવા માટેની તૈયારીઓને મજબૂત કરવાની તાકીદને રેખાંકિત કરે છે.'

માનવજન્ય કારણોથી થનારા ક્લાઇમેટ ચેન્જની અસર આંકવા માટે વર્લ્ડ વેધર એટ્રિબ્યૂશનના સંશોધનકર્તાઓની ટીમે ખૂબ ઉચ્ચ રેઝોલ્યુશનવાળા ક્લાઇમેટ મોડલનું વિશ્લેષણ કર્યું, જેથી અપેક્ષાકૃત નાના અભ્યાસ વિસ્તારમાં વરસાદના સ્તરનો ચોક્કસ અંદાજ લગાવી શકાય. સંશોધનકર્તાઓએ કહ્યું કે આ મોડલ ક્લાઇમેટ ચેન્જનું કારણ વરસાદની તીવ્રતામાં 10 ટકાના વધારો થવા તરફ ઇશારો કરે છે.

વૈશ્વિક તાપમાનમાં વધારો 

અભ્યાસમાં સામેલ મોડલ એ અનુમાન પણ લગાવે છે કે જો વૈશ્વિક તાપમાન વૃદ્ધિ 1850થી 1900 સુધીના સરેરાશ તાપમાનથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ રહે છે તો વરસાદની તીવ્રતામાં ચાર ટકાનો વધારો થઈ શકે છે.

જો કે, સંશોધનકર્તાઓએ કહ્યું કે મોડલના પરિણામોને લઈને ઉચ્ચ સ્તરની અનિશ્ચિતતા છે. કેમ કે અભ્યાસ વિસ્તાર જટિલ વરસાદ અને ક્લાઇમેટ પેટર્નની સાથે નાનો અને પહાડી છે. ગરમ વાતાવરણમાં ભેજનું સ્તર વધુ હોય છે, જે ભારે વરસાદનું કારણ બને છે. સંશોધનકર્તાઓ અનુસાર વૈશ્વિક તાપમાનમાં દરેક ડિગ્રી સેલ્સિયસના વધારાથી વાતાવરણમાં ભેજને કેદ કરવાની ક્ષમતા લગભગ સાત ટકા વધી જાય છે. 

પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે

કાર્બનડાયોક્સાઇડ અને મિથેન જેવા ગ્રીનહાઉસ ગેસના સતત વધતાં ઉત્સર્જનથી પૃથ્વીની સપાટીનું સરેરાશ વૈશ્વિક તાપમાન પહેલા જ લગભગ 1.3 ડિગ્રી સેલ્સિયસ વધી ચૂક્યું છે. વિજ્ઞાનીઓનું કહેવું છે દુનિયામાં પૂર, દુકાળ અને લૂ જેવી મોસમી ઘટનાઓમાં વધારા પાછળ આ જ કારણ છે.

ડબ્લ્યૂડબ્લ્યૂના સંશોધનકર્તાઓએ કહ્યું કે વાયનાડમાં વન આવરણ, ભૂમિ ઉપયોગ પરિવર્તન અને ભૂસ્ખલન જોખમની વચ્ચે સંબંધ વર્તમાન અભ્યાસોથી ભલે સંપૂર્ણરીતે અસ્પષ્ટ નથી પરંતુ નિર્માણ સામગ્રી માટે ખોદકામ અને જંગલો હેઠળ 62 ટકાનો ઘટાડો જેવા કારણોને ભારે વરસાદ દરમિયાન પહાડોને ભૂસ્ખલન પ્રત્યે સંભવત: વધુ સંવેદનશીલ બનાવી દીધાં છે.

વધુ વરસાદ પણ બન્યું ભૂસ્ખલનનું કારણ

અન્ય સંશોધકોએ પણ જંગલો કાપવા, સંવેદનશીલ પહાડોમાં ખાણકામ અને ભેજનું સ્તર વધુ હોવાના કારણે લાંબા સમય સુધી વરસાદ જેવા કારણોના સંયોજનને વાયનાડમાં ભૂસ્ખલન માટે જવાબદાર ઠેરવ્યાં છે. 

કોચીન યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી (CUSAT) ખાતે સેન્ટર ફોર એડવાન્સ્ડ એટમોસ્ફેરિક રડાર રિસર્ચના ડિરેક્ટર એસ અભિલાષે જણાવ્યું હતું કે અરબ સાગરના ગરમ થવાથી ગાઢ વાદળોનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી કેરળમાં ઓછા સમયગાળામાં વધુ ભારે વરસાદ થઈ રહ્યો છે અને ત્યાં ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે.

કેરળના 10 જિલ્લા ભૂસ્ખલનની દૃષ્ટિએ સંવેદનશીલ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા ગયા વર્ષે જાહેર કરાયેલા લેન્ડસ્લાઇડ એટલાસ મુજબ ભારતના 30 ભૂસ્ખલનગ્રસ્ત જિલ્લાઓમાંથી 10 કેરળમાં છે અને વાયનાડ 13માં ક્રમે છે.

એક જર્નલમાં 2021માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેરળમાં ભૂસ્ખલનની દ્રષ્ટિથી સંવેદનશીલ વિસ્તારો પશ્ચિમ ઘાટ ક્ષેત્રમાં ઇડુક્કી, એર્નાકુલમ, કોટ્ટયમ, વાયનાડ, કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લાઓમાં સ્થિત છે. કેરળમાં ભૂસ્ખલનની 59 ટકા ઘટનાઓ હરિયાળી વિસ્તારોમાં બની છે.

વાયનાડમાં ઘટતાં જંગલ વિસ્તાર પર 2022ના એક અભ્યાસથી જાણ થાય છે કે 1950થી 2018ની વચ્ચે જિલ્લામાં 62 ટકા જંગલ ગાયબ થઈ ગયા, જ્યારે હરિયાળી વિસ્તારમાં લગભગ 1800 ટકાનો વધારો થયો.


Google NewsGoogle News