છેલ્લી ઘડીએ ટિકિટ મળી, 13 દિવસના પ્રચાર બાદ માત્ર 48 મતથી અંતરથી જીત્યા મહારાષ્ટ્રના આ ઉમેદવાર
Image: Facebook
Lok Sabha Elections Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયાં છે. આ દરમિયાન મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકથી શિવસેના (શિંદે જૂથ)ના ઉમેદવાર રવિન્દ્ર વાયકરે માત્ર 48 મતથી જીત હાંસલ કરી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં જીતનું આ સૌથી ઓછું માર્જિન છે.
ચૂંટણી પંચના આંકડા અનુસાર વાયકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકથી 4,52,644 લાખ મત મળ્યા છે, તો તેમના હરીફ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ઉમેદવાર અમોલ કીર્તિકરને 4,52,596 મત મળ્યાં છે.
મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પર પોતાના વિરોધીને લગભગ 48 મતથી હરાવવાના સવાલ પર વાયકરે કહ્યું કે ‘લોકતંત્રમાં એક-એક મતની કિંમત હોય છે. વાજપેયીજીની સરકાર એક મતથી જ પડી ગઈ હતી. મે કહ્યું હતું કે હુ લડીશ અને જીતીશ. હવે હું જીતી ગયો. મેં મહારાષ્ટ્ર, મુંબઈ અને દેશની સેવા કરવાનું વ્રત લીધું છે. મે કહ્યું હતું કે જે ભગવાન મને રસ્તો આપશે તે પ્રકારે જીતવાનું છે. જો જીતવું છે તો જીતીને સારું કામ કરવાનું છે. હવે સારું કામ કરવાનું છે.’
મુંબઈની જોગેશ્વરી ઈસ્ટ બેઠકથી ધારાસભ્ય વાયકર આ વર્ષની શરૂઆતમાં શિવસેના (ઉદ્ધવ જૂથ)માંથી મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતાવાળી શિવસેનામાં જોડાઈ ગયા હતા. મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકથી તેમની ઉમેદવારીની જાહેરાત પણ છેલ્લી ઘડીએ કરાઈ હતી.
મતગણતરીના શરૂઆતી વલણોમાં આ બેઠક પર બંને ઉમેદવાર અલગ-અલગ સમયે આગળ હતા. આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે કીર્તિકર લગભગ એક મતથી આગળ હતા. શિવસેના (ઉદ્ધવ જૂથ) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મત ગણતરીમાં ગરબડની શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘અમારો પક્ષ આ પરિણામોને પડકારવાનો વિચાર કરી રહ્યો છે.’