'રણના જહાજ' તરીકે પ્રખ્યાત આ પ્રાણી વિલુપ્ત થવાની અણીએ! ખુદ સરકાર પણ ચિંતામાં મૂકાઈ
Desert animal camel on the verge of extinction: રાજસ્થાનમાં રણના જહાજ તરીકે ઓળખાતા ઊંટોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઊંટોની ઘટતી સંખ્યાને જોતા વર્ષ 2014માં તેમને રાજ્ય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાજસ્થાન પ્રવાસન વિકાસ નિગમના લોગોમાં ઊંટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ ઊંટોના સંરક્ષણ માટે નીતિ અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ દુ:ખની વાત એ છે કે, હજુ પણ ઊંટોની સંખ્યા સતત ઘટી રહી છે.
ઊંટના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પ્રયાસો કરશે: CM ભજનલાલ શર્મા
રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માની સરકારે ઊંટના સંરક્ષણ માટે કેમલ કન્ઝર્વેશન ડેવલપમેન્ટ મિશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મિશન અંતર્ગત પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ ગામડાઓમાં જઈને રાજ્ય સરકારની યોજનાઓ વિશે પશુપાલકોને માહિતી આપશે અને તેનો લાભ આપશે. આ સાથે ઊંટ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રયાસો કરશે.
રાજસ્થાન સરકાર ઊંટના સંરક્ષણ પર આપી રહી છે વિશેષ ભાર
સીએમ શર્માએ રણ વિસ્તારોમાં ઊંટના સંરક્ષણ પર વિશેષ ભાર મૂક્યો છે. ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના સચિવ અલકા ઉપાધ્યાયે પણ ઊંટોની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમના સંરક્ષણ પર ભાર મૂક્યો છે.
ઊંટ ઉછેરવા માટે વિશેષ સહાય પૂરી પાડવી જોઈએ
બિકાનેરમાં ગયા શનિવારે આયોજિત ઊંટના દૂધ પર એક વર્કશોપમાં બોલતા ઉપાધ્યાયે જણાવ્યું કે, રાષ્ટ્રીય પશુધન મિશનને ગોચર જમીનના સંરક્ષણ અને ઊંટ ઉછેરવા માટે વિશેષ સહાય પૂરી પાડવી જોઈએ.
સતત ઘટી રહી છે ઊંટોની સંખ્યા
રાજ્યમાં છેલ્લા બે દાયકામાં ઊંટોની સંખ્યામાં આશરે 40 ટકાનો ઘટાડો થયો છે. ઊંટ એક સાથે 150 લિટર પાણી પીવા માટે સક્ષમ પ્રાણી તરીકે ઓળખાય છે. તેમજ એક અઠવાડિયા સુધી પાણી વિના જીવી શકે છે.
રાજ્યમાં સતત ઘટી રહી છે ઊંટોની સંખ્યા
ગત વર્ષ 2012માં હાથ ધરવામાં આવેલી પશુ ગણતરીમાં રાજ્યમાં ઊંટની સંખ્યા 3 લાખ 26 હજાર હતી, ત્યારબાદ વર્ષ 2019માં ઊંટની સંખ્યા 2 લાખ 13 હજાર હતી અને હવે ઘટીને 2.25 લાખની આસપાસ થઈ ગઈ છે.
છેલ્લા એક દાયકાથી ખેડૂતો ખેતીમાં ઊંટને બદલે આધુનિક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ લોકો ઊંટનો ઉપયોગ ગાડીમાં એટલે કે પરિવહનના સાધન તરીકે કરતાં હતા. પરંતુ હવે વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે. અગાઉ રાજસ્થાનમાં વધુ રણ હતા, પરંતુ હવે ગામડે ગામડે રસ્તાઓનું નેટવર્ક વિસ્તર્યું હોવાથી ઊંટનો ઉપયોગ ઘટી ગયો છે.