હિમવર્ષા વચ્ચે વર-કન્યા 7 ફેરા ફર્યાં વર યાત્રા દરમિયાન જાનૈય્યાઓ પણ નાચ્યા
- વર અને કન્યા બંને ખૂબ નાચ્યાં
- ઉત્તર કાશીનાં હડવાડી ગામથી નીકળેલી જાન હિમવર્ષા વચ્ચે પણ અન્યાસણી ગામે પહોંચી
ઉત્તરકાશી : ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લાનો એક મનમોહક વિડીયો મળ્યો છે. તેમાં હિમવર્ષા વચ્ચે પણ એક જાન જતી જોવા મળે છે. આજકાલ આ પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આથી સામાન્ય જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે છતાં કેટલાએ લોકો હિમવર્ષામાં પણ આનંદ લે છે. ઉત્તરા ખંડના ઉત્તર કાશી જિલ્લામાં તો ચારે તરફ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે તે વચ્ચે જાનૈય્યાઓ ખૂબ નાચતા જોવા મળે છે.
૧લી ફેબુ્રઆરીએ હડવાડી ગામના વતની સેનાના જવાન નવીન ચૌહાણની જાન હિમવર્ષા વચ્ચે અન્યાસણી ગામે પહોંચી પહેલાં હડવાડીથી પાંચ કી.મી. ધૌબા સુધી જાન પેદલ પહોંચી પછી ટ્રક અને મોટરોમાં સવાર થઈ અન્યાસી તરફ રવાના થઈ ત્યારે અન્યાસી પાસે પણ ભારે હિમવર્ષા થઈ હતી. તેથી મોટરો આગળ ન વધી શકી. હજી ગામ એક કીલોમીટર દૂર હતું તેથી જાનૈય્યાઓ ટ્રક તથા મોટરોમાંથી ઉતરી હિમવર્ષા વચ્ચે પણ અન્યાસી તરફ આગળ ચાલી.
જાનને આવતી જોઈ કન્યા પણ નાચવા લાગી તેથી વરરાજા પણ નાચવા લાગ્યા. આ પછી વર-કન્યા બંને તથા જાનૈય્યાઓ નાચવા લાગ્યા, સાથે કન્યા પક્ષના સભ્યો પણ નાચ્યા. તે પછી હિમવર્ષા વચ્ચે પણ વર-કન્યા સાત ફેરા ફર્યાં અને નવીન-ચૌહાણ નમ્રતા સાથે લગ્નગ્રંથીથી બંધાયો.