'ભાઈ... પપ્પાને કહી દે... આ લોકો મને મારી નાખશે..' લવ મેરેજ કરનાર છોકરીની લાશ સંદિગ્ધ હાલતમાં મળી
Rajasthan News: જયપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીની લાશ શંકાસ્પદ સંજોગોમાં રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. યુવતીના પરિવારજનોએ સાસરિયાઓ પર દહેજ માટે હત્યા કરી હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીના પિતાએ દાવો કર્યો હતો કે ઘટનાના થોડા સમય પહેલા પુત્રીએ તેના પિતરાઈ ભાઈને ફોન કરીને આત્મહત્યાનો ડર વ્યક્ત કર્યો હતો અને તેના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા.
આ ઘટના રામનગરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સીબીઆઈ કોલોનીમાં રહેતી હર્ષિતાનો મૃતદેહ 15 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યે રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ પતિ પંકજ તેને જયપુરિયા હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
‘પંકજ અને સાસરીયા લોકો મને મારી નાખશે’
હોસ્પિટલના સ્ટાફે મૃતક હર્ષિતાના કાકાને ફોન કરી તેના મોતના સમાચાર આપ્યા હતા. હર્ષિતાએ મૃત્યુના દિવસે પોતાના કાકાના દિકરા લોકેશ સાથે ફોનમાં વાત કરી હતી કે, ‘ભાઈ...પંકજ અને મારા સાસરીના લોકો મને મારી નાખશે, તમે તેમને પૈસા આપી દો. પપ્પાને કેજો કે, હું તમારી સાથે આવવા માગું છું.’ હર્ષિતા તેના પિતરાઈ ભાઈ લોકેશ સાથે વધુ સંપર્કમાં હોવાથી તે તેને પોતાના દુઃખ દર્દ સંભાળતી હતી.
આ પણ વાંચોઃ બિકાનેર ફિલ્ડ ફાઈરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ વચ્ચે બ્લાસ્ટ, 2 જવાન શહીદ થયા, એક ઈજાગ્રસ્ત
પોલીસે દહેજ-હત્યાનો કેસ નોંધ્યો
એસીપી સાંગાનેર વિનોદ કુમાર શર્માએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ પિતા અશોક તંવર વતી રામનગરિયા પોલીસ સ્ટેશનમાં પંકજ અને તેના પરિવાર વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પિતાનો આરોપ છે કે ‘પુત્રીના પ્રેમ લગ્ન સ્વીકાર્યા બાદ તે તેના પતિ સાથે અમારા ઘરે આવતી હતી. જમાઈ પંકજ અને તેના પરિવારજનોએ હર્ષિતાને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લાંબા સમય સુધી પુત્રી હર્ષિતાએ દહેજની માંગણીને લઈને મારામારીની વાત અમારાથી છુપાવી રાખી હતી.’
પતિ દારૂના નશામાં તેને માર મારતો હતો અને દહેજ લાવવાની ધમકી આપતો હતો. પંકજના પરિવારજનોએ પણ તેના પર દહેજ માટે ત્રાસ આપી છૂટાછેડા માટે દબાણ શરૂ કર્યું હતું. કેસ નોંધાયા બાદ 17 ડિસેમ્બરે એફએસએલની ટીમ સીબીઆઈ કોલોની પહોંચી હતી અને પુરાવા એકત્ર કર્યા હતા અને કેસની તપાસ ચાલી રહી છે.