કોલકાતાના કેસને હાઈપ્રોફાઈલ બનાવી ગામ ગજવનાર ભાજપે તેના શાસનમાં ગુનાખોરી પર ભગવો પડદો પાડ્યો
Kolkata Rape Murder Case: કોલકાતામાં ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની જે ઘટના બની તેના પડઘા સમગ્ર દેશમાં પડયા છે. લોકો દ્વારા અને ખાસ કરીને રાજકીય પક્ષો અને સવિશેષ ભાજપ દ્વારા તેનો સખત રીતે વિરોધ કરાઈ રહ્યો છે. બંગાળને કોઈપણ ભોગે જીતવા માગતા ભાજપે દેશની એક દીકરી ઉપર થયેલા દુષ્કર્મને રાજ રમતનું આવરણ લપેટીને રાજ્યમાં સતત વિરોધ કરાવવાની પ્રવૃત્તિ આરંભી છે.
રેપના નામે રાજકારણ
વિપક્ષો દ્વારા જે રાજ્યોમાં શાસન કરવામાં આવી રહ્યું છે તેમાં સતત ખલેલ પાડવી અને સામ, દામ, દંડ અને ભેદ દ્વારા સત્તા આંચકી લેવાની મેલી મથરાવટી સાથે ફરતા ભાજપી નેતાઓએ આ દુષ્કર્મને પણ રાજકીય રંગ આપી દીધો છે. દેશમાં જ્યારે નિર્ભયા કાંડ થયો ત્યારથી આજદિન સુધી દેશમાં હજારો બળાત્કાર, હત્યા અને સ્ત્રી વિરોધી ગુના થાય છે પણ તેના તરફ કોઈનું ખાન જતું અને કોઈ ખાન આપવા માગતું પણ નથી.
કોઈપણ ભોગે સત્તામાં રહેવા માગતા અને સત્તા લાલસુ પક્ષો દ્વારા લોકોની લાગણીઓ, લોકોની પીડા, લોકોની ખરાબ સ્થિતિનો માત્ર રાજરમતના પ્યાદાની જેમ ઉપયોગ કરવામાં આવે છે. ભાજપ તેમાં પાવરધો છે. કોલકાતામાં રેપ થયો તેના ઢોલ પીટનારા ભાજપે પોતાના રાજમાં કેટલા દુષ્કર્મ થયા તેની તરફ ધ્યાન આપ્યું નથી.
આ પણ વાંચો: જુલાઈ-ઓગસ્ટમાં મોનસૂને ધડબડાટી બોલાવ્યાં બાદ સપ્ટેમ્બર કેવો રહેશે? IMDએ આપી ખુશખબર!
કોલકાતાના કેસને હાઈપ્રોફાઈલ બનાવીને ભાજપે ગામ ગજવ્યું
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં છેલ્લાં પંદર દિવસમાં જ ઘણી ઘટનાઓ બની છે પણ તેના ઉપર ભગવો પડદો પાડી દેવાશે અને લોકોનો અવાજ દબાવી દેવાશે અથવા તો કાયદાની આંટીધુંટીમાં કેસ સપડાવી દઈને વર્ષો સુધી તેને દબાવી દેવાશે જેથી જનતા પણ બધું ભુલી જાય. રક્ષાબંધનથી શરૂ કરીને પારણાના દિવસ સુધીમાં બળાત્કાર અને હત્યાની પંદરથી વધુ ઘટના બની છે પણ ભાજપ તેના વિશે દેકારો નહીં કરે.
પ્રજાની તો કઠણાઈ એવી છે કે, હવે દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ પણ સંવેદના વગરનું થઈ ગયું છે. કોલકાતાની ઘટના બાદ દેશના મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની અચાનક સંવેદના જાગી અને તેમને મહિલાઓની ચિંતા થવા લાગી. તેમને શોશિયલ મીડિયામાં લખી નાખ્યું કે હવે બહુ થયું. હવે આ બધું અટકવું જોઈએ. તેમના નામે એક સરકારી લખાણ તૈયાર થઈ ગયું અને સોશિયલ મીડિયામાં વહેતું થઈ ગયું. તેમના લખાણમાં કોલકતાનો ભારપૂર્વક ઉલ્લેખ છે પણ ભાજપ શાસિત રાજ્યોમાં થયેલા બળાતારોની વાત નથી.
મણીપુરમાં જયારે બે યુવતીઓને જાહેરમાં નગ્ન પરેડ કરાવીને તેમના અંગ-ઉપાંગ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે મહામહિમની સંવેદના ક્યાંક સોડવાડીને પડી હતી. શારીરિક શોષણ સામે પડેલી દેશની મહિલા રમતવીરો અને કુસ્તીબજો સાથે જયારે દેશના જ રાજમાર્ગો ઉપર મારપીટ થતી હતી ત્યારે મુર્મુની ચિંતા ક્યાંક ખોવાઈ ગઈ હતી.
છેલ્લાં પંદર દિવસમાં ભાજપ શાસિત રાજ્યોમાં બળાત્કારની અનેક ઘટના
બુલડોઝર બાબ થઈને કરાતા યોગીજીના રાજમાં આડે દિવસે બળાત્કાર અને શારીરિક શોષણની ઘટનાઓ બને છે પણ સંવેદના અને ચિંતા વ્યક્ત કરનાર કોઈ નથી. ભાજપના એક નેતા દ્વારા 2000થી વધારે મહિલાઓની સાથે રેપ કરાયો અને શારીરિક શોષણ કરાયું ત્યારે પણ રાષ્ટ્રપતિની સંવેઠના રાષ્ટ્રપતિભવનની બહાર આવીને જોઈ શકી નહોતી. બની શકે, દુર્દશાના દૂરબીનમાંથી કદાચ દિલ્હીથી બંગાળની વેદના સીધી દેખાતી હોય.
વાત એટલી જ છે કે, ભાજપે દેશના રાજકારણને સાવ ખોખલું કરી નાખ્યું છે. માત્ર સત્તાની દોડમાં દોડતા આ નેતાઓને વિપક્ષોના વાંક દેખાશે જયારે પોતાના રાજ્યોમાં અને પ્રદેશોમાં તો રામરાજ્ય હોવાની બાંગો પોકારાશે, રામરાજ્ય જતાં છે તે અયોધ્યામાં પણ ભ્રષ્ટાચારના ભોરીંગ પ્રજાને ભરખી ગયા છે પણ કોઈ જોનાર કે પુછનાર નથી. ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજયોમાં ત્રણ-ચાર વર્ષની દીકરીઓ સાતે બળાત્કાર થાય છે અને કોઈ જોનાર કે કહેનાર નથી. પણ કોલકાતા માટે આગચાંપી કરનારી આ ટોળકીને લોકોના ઉદ્ધારમાં કોઈ રસ નથી.
મૂળવાત એવી છે કે, રેપના નામે રાજકારણ રમીને ભાજપ લોકશાહીની લાજ લેવા માગે છે. તે કોઈપણ ભોગે બંગાળમાં મમતાને સત્તાથી ફેંકી દેવા અને પોતે સત્તામાં આવવા મથી રહ્યો છે. જો ખરેખર ભાજપીઓને દેશની દીકરીઓ અને મતોની ચિંતા હોય તો છેલ્લા પંદર દિવસમાં તેમના જ શાસિત રાજ્યોમાં આ બળાત્કારની ઘટનાઓ બની તેના વિષે કેમ કોઈ બોલતું નથી. ક્યા નેતાએ મીણબતી પકડી કે પોસ્ટરો બનાવ્યા કે રેલીઓ કાઢીને રાજ્ય સરકારને દોષ દીધો.
ભાજપ સરકારના બેવડાં ધોરણોનો પુરાવા
ઉત્તરાખંડ: 14 ઓગસ્ટ
રુદ્રપુરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતી પર બળાત્કાર ગુજારીને તેની હત્યા હરી દેવાઈ. યુવતી પોતાના ઘરે પાછી ફરતી હતી ત્યારે બળાત્કારી ધર્મેન્દ્ર કુમારે પાછળથી આવીને તેનું મોં દબાવીને ઝાડીમાં ખેંચી જઈને બળાત્કાર ગુજાર્યા પછી ગળું દબાવીને મારી નાંખી હતી. ધર્મેન્દ્ર તેની ચીજો પણ ચૂંટીને ફરાર થઈ ગયો હતો અને રાજસ્થાનથી ઝડપાયો હતો.
છત્તીસગઢ: 19 ઓગસ્ટ
છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં રક્ષાબંધનની સાંજે મેળામાં ગયેલી 27 વર્ષની યુવતીને ઉઠાવી જઈને 10 યુવકોએ ગેંગ રેપ કર્યો હતો. યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે 6 આરોપીને ઝડપી લીધા છે જ્યારે 4 આરોપી હજુ પકડાયા નથી.
ઉત્તરાખંડ: 19 ઓગસ્ટ
દહેરાદૂનમાં ઈન્ટર સ્ટેટ બસ ટર્મિનલમાં સગીરા પર 5 હેવાનોએ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. 14 વર્ષની છોકરીને બસમાં ખેંચી જઈને બળાત્કાર ગુજારીને રસ્તા પર ફેંકી દેવાઈ હતી. બળાત્કારીઓમાં બે ડ્રાઈવર પણ છે. બંને ડ્રાઈવરે સગીરાને એકલી જોઇને બસમાં તેના પર રેપ કરીને પોતાના મિત્રોને બોલાવીને સગીરાને તેમના હવાલે કરી દીધી હતી.
ઉત્તર પ્રદેશ: 24 ઓગસ્ટ
ઉત્તર પ્રદેશના ગૌડા જિલ્લામાં બે વિદ્યાથીનીને 4 ગુંડા ઉઠાવી ગયા અને કુબરીના જંગલમાં લઈ જઈને ગેંગ રેપ કર્યો. છોકરીઓ ઘેર ના પહોંચતાં તેમના પરિવારે પોલિસને જાણ કરી પણ પોલીસ ના શોધી શકી. પરિવારે છોકરીઓને શોધી પછી બળાત્કારીઓને પકડવા પ્રયાસ કર્યા પણ બળાત્કારી ભાગી ગયા. છોકરીઓએ નામ આપ્યાં પાછી પણ પોલીસ બે બળાત્કારીને પડડી શકી છે.
આ પણ વાંચો: એશિયાના અબજપતિઓની રાજધાની બન્યું મુંબઈ, ચીનને પછાડ્યું, જાણો અમદાવાદ યાદીમાં કયા ક્રમે?
રાજસ્થાન: 25 ઓગસ્ટ
રાજસ્થાનના ધૌલપુરમાં ઉત્તરાખંડની યુવતી પર ગેંગ રેપ થયો હતો. યુવતીને નોકરીના બહાને ધૌલપુર બોલાવીને નોકરીની લાલચ આપનાર બે મિત્ર સાથે એક ખંડિયેર જેવા મકાનમાં લઈ ગયો હતો. ત્રણેયે ગેંગ રેપ પછી તેને ફટકારીને કોઈને નહી કહેવાની ધમકી આપીને રૂમમાં પૂરી દીધી હતી. યુવતી માંડ માંડ બચીને ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી પણ આરોપી પકડાયા નથી.
આસામ: 24 ઓગસ્ટ
આસામમાં નગાંવ જિલ્લામાં 22 ઓગસ્ટે ટ્યુશન પરથી પાછી ફરતી 14 વર્ષની હિંદુ છોકરીને ઉઠાવી જઈને 5 હવસખોરે ગેંગ રેપ કર્યો હતો. પોલીસે તોફિકુલ ઈસ્લામ ઉર્ફે તક્ષ્ઝુઝુલ નામના આરોપીને પકડ્યો હતો પણ બાકીના 4 ફરાર છે. ઈસ્લામને તપાસ માટે લઈ જતા હતા ત્યારે ભાગવાનો પ્રયાસ કરતાં તળાવમાં ડૂબીને મરી ગયો હોવાનો પોલીસનો દાવો છે.
મહારાષ્ટ્ર: 21 ઓગસ્ટ
થાણે પાસેના બદલાપુરમાં સ્કૂલમાં ભણતી 4 વર્ષની બે માસૂમ છોકરીને 23 વર્ષના હવસખોરે હવસનો શિકાર બનાવી. સાવ માસૂમ બાળકીઓની સુરક્ષા માટે સ્કૂલમાં વ્યવસ્થા નહોતી અને છોકરીઓને ટોઈલેટમાં એકલી જવા દેવાતી હતી. તેનો હવસખોરે લાભ લઈને છોકરીઓ સાથે ગંદી હરકતો કરી. આ હરકત સામે વિરોધ કરનારાં સામે મહારાષ્ટ્ર સરકારે કેસ કરી દીધો છે.
મહારાષ્ટ્ર: 27 ઓગસ્ટ
રત્નાગિરીમાં નર્સિંગ કોલેજની વિદ્યાથીની દેવરુખમાં રત્નાગીરી આવી રહી હતી ત્યારે બસ સ્ટેન્ડથી કોલેજ જતી વખતે ઓટો ડ્રાઈવરે અપહરણ કરીને તેના પર 26 ઓગસ્ટે બળાત્કાર ગુજાર્યો. 19 વર્ષની પીડિતાને ડ્રાઈવરે પીવા માટે પાણી આપ્યું. પાણી પીધા પછી બેભાન થઈ ગઈ હતી. યુવતી ભાનમાં આવી ત્યારે જંગલમાં હતી, કપડા ફાટી ગયેલાં, હાથ પર ઈજાના નિશાન હતા. બળાત્કારની જાણ થતાં હોસ્પિટલ જઈને તેણે ફરિયાદ નોંધાવી પણ પોલીસ આરોપીને પકડી શકી નથી.
આ પણ વાંચો: છોકરીઓની લગ્નની વય 21 વર્ષ કરનાર કોંગ્રેસ શાસિત આ રાજ્ય દેશમાં પ્રથમ, બિલ કર્યું મંજૂર
મધ્યપ્રદેશ: 19 ઓગસ્ટ
નરસિંહપુરમાં 18 વર્ષની છોકરી પર ત્રણ યુવકોએ સામૂહિક બળાત્કાર ગુજારીને તેનો વીડિયો ઉતારી લીધો. એ પછી બ્લેકમેઈલિંગ કરીને યુવતીને પોતાની સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાની ચોંકાવનારી ઘટના અઠવાડિયા પહેલાં જ બની છે. પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા છે પણ એ પહેલાં યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દેવાયો હતો.
ઉત્તરપ્રદેશ: 26 ઓગસ્ટ
ઉત્તર પ્રદેશના ફારુખાબાદના ભગૌતીપુર ગામની 16 અને 18 વર્ષની બે યુવતિઓના મૃતદેહ એક આંબાવાડીમાં આંબા ઉપર લટકતી હાલતમાં મળ્યા હતા. એક જ દુપટ્ટાના બંને છેડે બંનેના મૃતદેહ લટકતા હતા. પોલીસે બંને લાશને પોસ્ટમોર્ટમ કરાવવા મોકલી છે. તેમના શરીર ઉપર મારપીટના નિશાન નથી છતાં તેમની સાથે દુષ્કર્મ થયું છે કે નહીં તે અંગે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે. તેમના મોબાઈલ ઘટના સ્થળેથી લઈને તપાસ માટે મોકલાયા છે. જન્માષ્ટમીની રાત્રે બંને સહેલીઓ ઉજવણીમાં ભાગ લેવા ગઈ ત્યાંથી પરત આવી નહોતી. પરિવારજનોએ શોધ હાથ ધરતા મંગળવારે સવારે બંનેનો મૃતદેહ આવ્યા હતા.