ભાજપના ઉમેદવારને પણ લોકસભા ચૂંટણીના પરિણામો પર આશંકા, ચૂંટણી પંચ સમક્ષ કરી આવી માંગ
Image: Facebook
EVM VVPAT: તાજેતરની લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરનાર લગભગ એક ડઝન ઉમેદવારોએ ચૂંટણી પંચને અરજી આપીને ઈવીએમ-વીવીપેટ તપાસની માગ કરી છે. જેમાં ભાજપ ઉમેદવારથી લઈને અન્ય દળોના પણ ઉમેદવાર સામેલ છે. પોતાની અરજીમાં આ ઉમેદવારોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ યુનિટના મેમરી વેરિફિકેશનની માગ કરી છે.
એક રિપોર્ટ અનુસાર આવા કુલ 10 ઉમેદવારોની અરજી ચૂંટણી પંચને મળી છે જેમણે ઈવીએમ-વીવીપેટની ચકાસણીની માગ કરી છે. જોકે અમુક ઉમેદવારોએ તેનાથી વધુ યુનિટની તપાસની પણ માગ કરી છે. આ ઉમેદવારોએ પ્રત્યેક ઈવીએમ યુનિટ માટે 40,000 રૂપિયા અને તેની પર 18 ટકા જીએસટી ચૂકવવો પડે છે.
જે લોકોએ આવી અરજી આપી છે, તેમાં મહારાષ્ટ્રના અહમદનગર લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર સુજય રાધાકૃષ્ણ વિખેપાટિલ પણ સામેલ છે. તેમણે વિધાનસભા પ્રદેશ પ્રમાણે ઈવીએમ યુનિટની તપાસની માગ કરી છે. શરદ પવારની એનસીપીના નીલેશ જ્ઞાનદેવ લંકેએ તેમને 28929 મતોથી હરાવ્યાં છે. આ સિવાય ઓડિશામાં ઝારસુગુડાથી બીજૂ જનતા દળના ઉમેદવાર દીપાલી દાસે પણ આવી જ માગ કરી છે. તે ભાજપના ટંકધર ત્રિપાઠીથી લોકસભા ચૂંટણી 1265 વોટથી હારી ગયા હતાં.
દાસ આ બેઠકથી ઘણી વખત સાંસદ રહી ચૂક્યાં છે. તેમણે લગભગ એક ડઝન ઈવીએમ-વીવીપેટ મશીનોની તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે કુલ 19 રાઉન્ડની ગણતરીમાં 17માં રાઉન્ડ સુધી તેઓ આગળ ચાલી રહ્યાં હતાં પરંતુ અચાનક છેલ્લા બે રાઉન્ડની ગણતરીમાં તે પાછળ ગયાં. આ તેમને અનુકૂળ આવી રહ્યું નથી. દાસે એ પુષ્ટિ કરી કે તેમણે 13 મશીનોની ચકાસણીની માગ ચૂંટણી પંચ સમક્ષ કરી છે. છત્તીસગઢ અને ઉત્તરાખંડ જ્યાં ભાજપે ક્લિન સ્વિપ કર્યું છે, ત્યાંથી એક પણ આવી અરજી પંચને મળી નથી.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન 26 એપ્રિલના પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે તમામ ઈવીએમ-વીવીપેટ પેપરના ખરાઈની અરજી ફગાવતાં કહ્યું હતું કે મતગણતરીના સાત દિવસોની અંદર ઉમેદવાર દરેક વિધાનસભા વિસ્તારના મોટાભાગના 5 ટકા ઈવીએમ મશીનોની તપાસની અરજી ચૂંટણી પંચને આપી શકે છે. કોર્ટે એ પણ કહ્યું હતું કે આવી અરજી માત્ર ઉપવિજેતા અને બીજા નંબરના ઉપ વિજેતા દ્વારા જ દાખલ કરવામાં આવી શકે છે.
એક જૂને ચૂંટણી પંચે આ દિશામાં આદેશ જારી કર્યાં હતાં અને કહ્યું હતું કે મોટાભાગે કોઈ બે ઉપવિજેતા જ આ પ્રકારની અરજી આપી શકે છે. પંચના આદેશમાં જ કહેવામાં આવ્યું હતું કે દરેક ઈવીએમ મશીનના ચકાસણીનો ખર્ચ 40 હજાર રૂપિયા પ્લસ જીએસટીની ચૂકવણી કરવી પડશે. જો ચકાસણી દરમિયાન ઈવીએમમાં ગરબડી મળી તો આ રકમ ઉમેદવારોને પાછી આપી દેવામાં આવશે.