રાજસ્થાનના બિશ્નોઇ સમુદાયમાં 560 વર્ષથી વન્ય જીવોના રક્ષણની પરંપરા
મહિલાઓ હરણને પોતાના બાળકની જેમ સાચવે છે
વૃક્ષોના રક્ષણ માટે ખિજરલીમાં 364 બિશ્નોઇએ મોતને વ્હાલું કર્યું હતું
જયપૂર,૯ જાન્યુઆરી,૨૦૨૧,શનિવાર
રાજસ્થાનના શેખાવટી અને મારવાડ વિસ્તારના અનેક ગામોમાં જીવદયા અને પર્યાવરણપ્રેમી બિશ્નોઇ સમૂદાયની મહિલાઓ હરણને પોતાના બાળકની જેમ સાચવે છે. એટલું જ નહી મહિલાઓએ હરણને સ્તનપાન કરાવીને ઉછરે કર્યો હોવાના પણ અનેક દાખલા છે. કાળા હરણનું અસ્તિત્વ બચાવવા સરકારે કાયદો ઘડીને રક્ષણ આપ્યું છે.જયારે રાજસ્થાનનો બિશ્નોઇ સમુદાય છેલ્લા પ૬૦ વર્ષથી વન્ય જીવોના રક્ષણની પરંપરા નિભાવે છે.
દાયકાઓ પહેલા ગુરુ જંમ્બેશ્વરજીએ જીવન જીવવાના ૨૯ નિયમો આપ્યા તેનું બિશ્નોઇ સમુદાયના લોકો પાલન કરે છે. જેમાં હરણ સહિતના વન્ય જીવોને પરીવારના સભ્યની જેમ પ્રેમ કરવાનો પણ સમાવેશ થાય છે. જયારે પર્યાવરણ શિક્ષણ અંગે કોઇ કશું જાણતું પણ ન હતું ત્યારથી આ સમુદાયની મહિલા, પુરષો અને બાળકો વૃક્ષોનું જતન અને રક્ષણ કરતા આવ્યા છે.
૨૦૦ વર્ષ પહેલા મહારાજાએ મહેલ બનાવવા માટે વૃક્ષો કાપવાનો આદેશ આપ્યો હતો. તેનો વિરોધ કરીને વૃક્ષોના રક્ષણ માટે ખિજરલીમાં ૩૬૪ બિશ્નોેઇએ મોતને વ્હાલું કર્યું હતું. પર્યાવરણના રક્ષણ માટે બલીદાન આપવાની આ વિરલ ઘટના છે. રસ્તામાં કોઇ હરણ બીમાર કે ઘાયલ અવસ્થામાં જોવા મળે તો તરત જ ઘરે લાવીને સારવાર કરે છે. આ સમુદાય પ્રાણીમાત્ર પર દયા અને લીલા વૃક્ષોનું રક્ષણ કરવાની ગુરુ આજ્ઞાાને આજે પણ ભૂલ્યો નથી.
કાળા હરણ રાજસ્થાનના રણ વિસ્તાર ઉપરાંત પંજાબ, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળે છે. કાળું હરણ શિડયૂલ્ડ ૧ કેટેગરીમાં આવતુ હોવાથી તેના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. નરનું વજન ૩૫ થી ૩૬ કિલો જયારે માદાનું ૩૩ થી ૪૦ કિલો હોય છે. ચોમાસા પુરુ થાય ત્યાં સુધીમાં નર હરણનો રંગ કાળો થઇ જાય છે. ઠંડીની સિઝનમાં કાળો રંગ વધારે ઝાંખો પડે છે જયારે એપ્રિલની શરુઆતમાં ભૂરો થવા લાગે છે. કાળુ હરણએ ગાંઢ જંગલ વિસ્તારનું પ્રાણી ન હોવાથી તેના રહેઠાણની સમસ્યા ઉભી થઇ છે. એક માહિતી મુજબ ૨૦૦ વર્ષ પહેલા કાળા હરણની સંખ્યા ૪૦ લાખ આસપાસ હતી.