Get The App

'મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી', સંજય રાઉતનો બળાપો

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
'મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી', સંજય રાઉતનો બળાપો 1 - image


Language Controversy: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ફરી એક થશે તેવી ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે મરાઠીના હિતના ફરી એક થવાની આડકતરી ઓફર આપી છે. જેના જવાબમાં ઉદ્ધવસેનાએ શરત રાખી છે કે, જો રાજ ઠાકરે એકનાથ શિંદે અને ભાજપ સાથેના તમામ સંબંધો તોડી નાંખે તો વાતચીત થઈ શકે. મહારાષ્ટ્રમાં હાલમાં નવી શિક્ષણનીતિ હેઠળ શિક્ષણમાં મરાઠીની સાથે હિન્દી પણ ફરજિયાત કરાતા રાજ ઠાકરે તેનો વિરોધ કરી રહ્યા છે. એવામાં શિવસેના યુબિટીના નેતા સંજય રાઉતે ફરી ગુજરાતીઓ મુદે બળાપો કાઢ્યો છે. 

'મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી', સંજય રાઉતનો બળાપો 2 - image

આ પણ વાંચો : ‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન

'મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો ગુજરાતીઓથી'

આટલું જ નહીં સંજય રાઉતે તો ત્યાં સુધી કહ્યું છે કે, હિન્દીનો વિરોધ કરી રહેલા રાજ ઠાકરેના માણસો ગુજરાત વિરુદ્ધ અવાજ કેમ નથી ઉઠાવતા? સંજય રાઉતે કહ્યું છે કે, મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો 'ગુજરાતી લોબી' અને ગુજરાતી ભાષાથી છે. જેમણે સંપૂર્ણ પશ્ચિમ મુંબઈનું ગુજરાતીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમના વિરુદ્ધ કેમ કોઈ કશું બોલ્યું નથી. મરાઠી ભાષા પર ગુજરાતી ભાષા તથા ગુજરાતી સંસ્કૃતિનું આક્રમણ કરવામાં આવી રહ્યું છે. આપણે તેના વિરુદ્ધ લડવું જોઈએ.' 

'મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી', સંજય રાઉતનો બળાપો 3 - image

આ પણ વાંચો : દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે 'ધ્રુવ'ની ઉડાન બંધ

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી પરિવારો વચ્ચે વિવાદ બાદ રાજ ઠાકરેની પાર્ટીના નેતાઓએ ગુજરાતીઓને વાંધો હોય તો મુંબઈ છોડીને ચાલ્યા જાય તેવી ધમકી આપી હતી.

શું હતી રાજ ઠાકરેની ઓફર? 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ એક પૉડકાસ્ટમાં ઉદ્ધવ ઠાકરેને ફરી એક થવાની ઓફર આપી છે. તેમણે કહ્યું છે કે રાજકીય મતભેદ હોઈ શકે પરંતુ મહારાષ્ટ્રના હિત માટે જો એક થવું પડે તો હું તૈયાર છું. તેમણે કહ્યું છે, કે 'મહારાષ્ટ્રના હિતની સામે ઝઘડા એ નાની બાબત છે. મને તો લાગે છે કે મહારાષ્ટ્રના તમામ રાજકીય પક્ષના મરાઠી લોકોએ સાથે એક પક્ષ બનાવવો જોઈએ. જ્યારે મુદ્દો મોટો હોય ત્યારે વ્યક્તિગત વાદવિવાદ નાના લાગે છે. સાથે આવવું મુશ્કેલ નથી પરંતુ તેના માટે ઈચ્છાની જરૂર છે.

રાજ ઠાકરે સામે ઉદ્ધવસેનાની શરત 

રાજ ઠાકરેના નિવેદન બાદ શિવસેના યુબિટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે, કે 'હું પણ આહ્વાન કરું છું કે મરાઠી લોકોના હિતમાં સાથે આવવું જોઈએ. જ્યારે હું લોકસભા ચૂંટણી વખતે કહી રહ્યો હતો કે મહારાષ્ટ્રના ઉદ્યોગ ગુજરાત લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે તેનો વિરોધ કર્યો હોત તો આજે કેન્દ્રમાં જે સરકાર છે એ ના હોત. રાજ્યમાં પણ મહારાષ્ટ્રના હિતમાં વિચાર કરનારી સરકાર હોત. ત્યારે તમે પણ તેમનું સમર્થન કર્યું, હવે વિરોધ અને પછી જોડતોડ એ બધુ નહીં ચાલે.'


મુંબઈની સોસાયટીમાં ગુજરાતી અને મરાઠી પરિવારો વચ્ચે વિવાદ 

તમિલનાડુ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ભાષાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે મરાઠી ભાષાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે જ્યારે તેમના કાર્યકર્તાઓ પર ભાષાના નામે હિંસાનો આરોપ છે. ત્યાં મુંબઈની એક સોસાયટીમાં ખાણીપીણી મામલે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે વિવાદ થયો છે. ઘાટકોપરની સંભવ દર્શન સોસાયટીમાં રહેતા મરાઠી પરિવારનો આરોપ છે કે નોનવેજ ખાવાના કારણે ગુજરાતી પડોશીએ તેમને 'ગંદા' (ડર્ટી) શબ્દ વાપર્યો હતો. બે પડોશીઓ વચ્ચે વિવાદમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓ કૂદી પડ્યા અને ગુજરાતી પરિવારને ધમકી આપી હતી કે, 'જો તમને મરાઠી ગંદા લાગે છે કે આવી ગંદી જગ્યાએ આવો જ છો શું લેવા? ફરી આવું કર્યું તો સોસાયટીની બહાર નહીં નીકળી શકો.

Tags :