વર્ષોનો સંઘર્ષ, ઇતિહાસને ધ્યાનમાં રાખી અયોધ્યાનો ચુકાદો અપાયો હતો
- દેશના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડનો ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો
- ચુકાદા કાયદા અને બંધારણને ધ્યાનમાં રાખીને અપાતા હોય છે, જજોના વ્યક્તિગત વિચાર દૂર રાખવા જરૂરી
નવી દિલ્હી : દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે સોમવારે રામ મંદિર, સજાતીય લગ્ન, ૩૭૦ સહિતના કેસો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યાના કેસમાં જે ચુકાદો આપવામાં આવ્યો તેમાં કોઇ ન્યાયાધીશના નામનો ઉલ્લેખ નહીં કરવામાં આવી તે નિર્ણય ચુકાદો આપનારા ન્યાયાધીશોએ સર્વસંમતિથી લીધો હતો.
ઇન્ટરવ્યૂમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે સંઘર્ષના લાંબા ઇતિહાસને જોઇને સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે એકમત થઇને ચુકાદો આપવાનો નિર્ણય લીધો હતો.
અયોધ્યામાં રામ મંદિર -બાબરી મસ્જિદનો જે વિવાદ ચાલી રહ્યો હતો તેનો ચુકાદો ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. ચુકાદો આપનારા ન્યાયાધીશોમાં ડી.વાય. ચંદ્રચૂડનો પણ સમાવેશ થાય છે. જોકે ચુકાદો લખનારા ન્યાયાધીશનું નામ તેમાં સામેલ નહોતુ કરવામાં આવ્યું. પીટીઆઇ સાથેના ઇન્ટરવ્યૂમાં જ્યારે આ અંગે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે નામ જાહેર ના કરવાનો નિર્ણય સર્વસંમત્તિથી લેવાયો હતો. અયોધ્યાનો ચુકાદો વર્ષોથી જે સંઘર્ષ ચાલી રહ્યો હતો તેને અને દેશનો ઇતિહાસ તેમજ અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સર્વસંમત્તિથી ચુકાદો આપવામાં આવ્યો હતો.
જ્યારે સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવાની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આ ચુકાદો આપવામાં કોઇ અફસોસ નથી તેમ પણ મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે કાયદો અને બંધારણને ધ્યાનમાં રાખીને જ ચુકાદા આપીએ છીએ. અને તેથી જો કોઇ ચુકાદાની ટિકા થાય તો તેનો જવાબ આપવો અને પોતાનો બચાવ કરવો મને યોગ્ય નથી લાગતું. કોઇ પણ ચુકાદો ક્યારેય પણ કોઇ ન્યાયાધીશનો વ્યક્તિગત નથી હોતો.
આર્ટિકલ ૩૭૦ રદ કરવાના કેન્દ્રના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં ૨૩થી વધુ અરજી થઇ હતી, જોકે સુપ્રીમે કેન્દ્રનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો. આ ચુકાદા અંગે વાત કરતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે આ ચુકાદો હવે જાહેરમાં ઉપલબ્ધ છે. લોકો પોતાના વિચારો મુજબ તે અંગે અભિપ્રાય બાંધી શકે છે. કોલેજિયમ સિસ્ટમને લઇને મોદી સરકારના પૂર્વ કાયદા મંત્રી કિરણ રિજિજૂએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. સાથે તેની ટિકા પણ કરી હતી. જે અંગે જવાબ આપતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે કોલેજિયમ સિસ્ટમ પુરી રીતે પારદર્શી છે. તેના પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. અમે એવા પગલા પણ લીધા છે કે જેથી કોલેજિયમની પારદર્શીતા જળવાઇ રહે. સુપ્રીમમાં ન્યાયાધીશોને ફાળવવામાં આવતા કેસો મુદ્દે સવાલો ઉઠયા હતા. જે અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે જજોને ફાળવવામાં આવતા કેસો વકીલો દ્વારા ઓપરેટના થઇ શકે.