મુંબઇના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન, વાયુ પ્રદૂષણમાં મળી શકે છે રાહત

અચાનક જ આવેલા વરસાદના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થવા માંડયા

૪૮ કલાકમાં મુંબઇના મધ્ય,પશ્ચીમી અને પૂર્વી ઉપનગરોમાં ગાજવીજની શકયતા

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
મુંબઇના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન,  વાયુ પ્રદૂષણમાં મળી શકે છે રાહત 1 - image


મુંબઇ,૮ નવેમ્બર,૨૦૨૩,બુધવાર 

વધતા જતા વાયુ પ્રદૂષણથી મુંબઇવાસીઓ પરેશાન જોવા મળતા હતા ત્યારે મુંબઇના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.આગામી કેટલાક કલાકો દરમિયાન વરસાદની શકયતા જોતા લોકોને પ્રદૂષણમાંથી રાહત મળી શકે છે.  આ અંગે હવામાન વિભાગ દ્વારા પણ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં વધતા જતા વાયુ પ્રદૂષણથી બચવા માટે કૃત્રિમ વરસાદ વરસાવવા પર વિચારણા ચાલી રહી છે ત્યારે યોગાનુયોગ મુંબઇમાં કુદરતી રીતે જ કયાંક વરસાદનું આગમન જોવા મળ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ્રલ લાઇન પર હળવાથી મધ્યમ વરસાદ જયારે પશ્ચીમ લાઇન પર છુટો છવાયો વરસાદ થઇ શકે છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર અચાનક જ આવેલા વરસાદના ફોટા અને વીડિયો પોસ્ટ કરવા માંડયા છે. જેમાં નરીમન પોઇન્ટસ કફ પરેડ, સીએસએમટી અને ચર્ચગેટ સહિત દક્ષિણ મુંબઇના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. મુંબઇમાં ગાજવીજ સાથે હજુ વરસાદ વરસી શકે છે. 

આવનારા ૪૮ કલાકમાં મુંબઇના મધ્ય,પશ્ચીમી અને પૂર્વી ઉપનગરોમાં વરસાદ અને ગાજવીજની શકયતા છે. લોકો વધતા જતા વાયુ પ્રદૂષણથી બચવા માટે પાણીનો છંટકાવ કરી રહયા છે, માસ્ક પહેરીને તકેદારી રાખી રહયા છે ત્યારે આર્થિક મહાનગરમાં વરસાદ પડે તો હવા સ્વચ્છ થવાથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થઇ શકે છે. જો કે દિવાળી તહેવારોની હારમાળા શરુ થઇ રહી છે ત્યારે વરસાદ વિધ્નરુપ પણ બની શકે છે. 


Google NewsGoogle News