1 મહિનો ફરો, વિઝાની જરૂર નહીં...! ભારતીયો માટે આ દેશમાં શરૂ થઈ વીઝા ઑન અરાઈવલ સુવિધા
નવી દિલ્હી,તા. 31 ઓક્ટોબર 2023,મંગળવાર
ભારતમાં તહેવારોની મોસમ એટલેકે હરવાફરવાની મોસમ. દિવાળીથી લઈને હવે ડિસેમ્બર અંત સુધીમાં ભારતમાંથી વિદેશ પ્રવાસે જતા લોકોનો ભારે ઘસારો હોય છે. ટૂરિઝમ ફ્રેન્ડલી દેશમાં ભારતીય સહેલાણીને ખાસ સગવડ આપવામાં આવે છે. એક સપ્તાહ અગાઉ પાડોશી દેશ શ્રીલંકાએ ભારતથી આવતા પર્યટકો માટે વિઝા મરજિયાત કર્યા હતા અને હવે આજે થાઈલેન્ડે ભારત અને તાઈવાનથી આવતા પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી છે.
હવે ભારતીયો 30 દિવસ માટે વિઝા વિના જ થાઈલેન્ડ પ્રવાસ કરી શકશે. 10 નવેમ્બરથી આ વિઝા ફ્રી મુસાફરીની સુવિધા શરૂ થશે અને આવતા વર્ષના મે સુધી મળતી રહેશે. થાઈલેન્ડની સરકાર દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ વિઝામુક્તિ આપવામાં આવી છે. આ પહેલા સપ્ટેમ્બરમાં થાઈલેન્ડે ચાઈનીઝ પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી દીધી હતી. ચીનના પ્રવાસીઓ મોટી સંખ્યામાં થાઈલેન્ડ આવે છે. હાલમાં થાઈલેન્ડમાં ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ છે.
સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરીથી 29 ઓક્ટોબર સુધીમાં કુલ 2.2 કરોડ પ્રવાસીઓ થાઈલેન્ડ આવ્યા હતા. આ પર્યટકોએ દેશની અર્થવ્યવસ્થામાં 25 અબજ ડોલરથી વધુનું યોગદાન આપ્યું છે. થાઈ સરકારના પ્રવક્તા ચાઈ વાચારોન્કેના જણાવ્યા અનુસાર, ભારત અને તાઈવાનથી આવનારા લોકો થાઈલેન્ડમાં 30 દિવસ સુધી વિઝા વગર રહી શકે છે. આ વર્ષે ભારતમાંથી લગભગ 12 લાખ પ્રવાસીઓ થાઈલેન્ડ આવ્યા છે. ભારત પહેલાં થાઈલેન્ડ માટે ત્રણ સૌથી મોટા પ્રવાસી સ્ત્રોત દેશો મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા છે.
થાઈલેન્ડ ભારતીય ફોરેન વિઝીટર માટે એક મુખ્ય પ્રવાસન સ્થળ છે. ખાસ કરીને આ દેશ યુવા વર્ગની પ્રિય જગ્યાઓમાંથી એક છે. અહીં ફરવા માટે ઘણા નામચીન શહેરો છે. તમે બેંગકોક, ફૂકેટ, પતાયા, ચિયાંગ મે, ફિફી આઇલેન્ડ, ક્રાબી, અયુથયા, કોહ તાઓ અને હુઆ હીન જેવા શહેરોની મુલાકાત લઈ શકો છો. આ એક ટાપુ દેશ છે તેથી અહિં સમુદ્ર અને બીચની મજા અનેરી રહેશે.
ઓછી નિકાસ સામે ભરપાઈ :
રોઇટર્સના રિપોર્ટ અનુસાર ભારતથી થાઇલેન્ડ જતા પ્રવાસીઓનો પ્રવાહ મજબૂત છે. એરલાઇન્સ અને હોસ્પિટાલિટી ચેઇન્સ પણ આ માર્કેટને ટાર્ગેટ કરી રહી છે. સરકારનું લક્ષ્ય છે કે આ વર્ષે દેશમાં 2.8 કરોડ પ્રવાસીઓ આવકારવા છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે પ્રવાસન ક્ષેત્રની આ તેજી સતત નબળી નિકાસને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશે તેથી, થાઈલેન્ડ વિઝાની જરૂરિયાતોને વધુ હળવી કરીને વધુ પ્રવાસીઓને આકર્ષવા માંગે છે.