ઉત્તર પ્રદેશમાં મોટું એન્કાઉન્ટર, 3 ખાલિસ્તાની આતંકીઓ ઠાર, પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો
Police Encounter in Pilibhit: ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પોલીસ એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર માર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના સભ્ય
ત્રણેય આતંકીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના સભ્યો હોવાનું કહેવાય છે. પોલીસે તેમની પાસેથી AK-47 ગન સહિત અન્ય ઘણાં હથિયારો જપ્ત કર્યા છે. મારા મરાયેલા આતંકીઓની ઓળખ ગુરવિંદર સિંહ, રવિ અને જસપ્રીત તરીકે થઈ છે. ત્રણેય પર થોડા સમય પહેલા પંજાબના ગુરદાસપુર પોલીસ ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હોવાનો આરોપ હતો.
આ પણ વાંચો: વ્હાઈટ હાઉસમાં AIની જવાબદારી 'શ્રીરામ'ને, અમેરિકામાં ભારતીયોનો દબદબો, ટ્રમ્પનો નિર્ણય
યુપી અને પંજાબ પોલીસનું સંયુક્ત ઓપરેશન
સોમવારે વહેલી સવારે પીલીભીતથી આવેલા એન્કાઉન્ટરના આ સમાચારને યુપી અને પંજાબ પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર વિસ્તારમાં થયું હતું. પંજાબ પોલીસની એક ટીમ ત્રણેય આતંકીઓની શોધમાં યુપી આવી હતી. પંજાબ પોલીસ યુપી પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.
પોલીસે આત્મસમર્પણ કરવા કહ્યું પણ
અહેવાલો અનુસાર, પોલીસને ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. તેના પર પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરતાં તેમને ઘેરી લીધા હતા. પોલીસે આતંકવાદીઓને ચેતવણી આપી અને આત્મસમર્પણ કરવા કહ્યું પરંતુ તેઓ તેના માટે તૈયાર ન હતા. ત્યારપછી યુપી અને પંજાબ પોલીસ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી જેમાં ત્રણેય ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ડીજીપીએ પોલીસની મોટી સફળતા ગણાવી
આ મામલે વાત કરતા યુપીના ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું કે આ ઓપરેશનનું નેતૃત્વ પીલીભીતના એસપી દ્વારા કરવામાં આવ્યું હતું. યુપી પોલીસને પંજાબ પોલીસ પાસેથી ખાલિસ્તાની આતંકવાદીઓ વિશે ઈનપુટ મળ્યા હતા. ત્રણેય પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલામાં સામેલ હતા. તેમણે કહ્યું કે બે રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન કરીને હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનની આ એક મોટી સફળતા છે.