જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓએ બે જવાનોનું અપહરણ કર્યું, એકનું મોત
- ચૂંટણી પૂરી થતાં આતંકવાદીઓ બેફામ
- અનંતનાગમાં પેટ્રોલિંગ માટે નીકળેલા પ્રાદેશિક સેનાના બે સૈનિકોમાંથી એકનું મોત નીપજ્યું
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં ટીએ એટલે કે પ્રાદેશિક સેનાના બે જવાનોનું આતંકવાદીઓએ મંગળવારે અપહરણ કર્યુ હતુ. તેમા એકનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો છે અને બીજો જવાન આતંકવાદીઓની ચુંગાલમાંથી ભાગીને બચવામાં સફળ રહ્યો હતો.
આતંકવાદીઓએ અનંતનાગના જંગલ વિસ્તારમાં બે સૈનિકોનું અપહરણ કર્યુ હતું, પરંતુ એક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તેના પર ગોળીઓના નિશાન મળી આવ્યા હતા. આ જવાન ગઇકાલથી જ ગાયબ હતા અને તેઓ સુરક્ષા દળો વતી તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા.
આ બંને સૈનિકો ટેરિટોરિયલ આર્મીના યુનિટ ૧૬૧ના સભ્ય હતા.બચી ગયેલા ઇજાગ્રસ્ત સૈનિકને નજીકની હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી છે અને તેની સ્થિતિ સ્થિર છે. જ્યારે અન્ય સૈનિક હિલાલ અહમદ ભાટનો ગોળીઓથી વીંધાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર ચૂંટણી પૂરી થયાના બીજા જ દિવસે આ સ્થિતિ જોવા મળી છે.
ગુપ્તચર બાતમીના આધારે ભારતીય લશ્કરે જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે કોકરનાગના કાઝવાનના જંગલોમાં સંયુક્ત કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન ૮મી ઓક્ટોબરે શરૂ કર્યુ હતું. અનંતનાગમાં આ વર્ષે ઓગસ્ટમાં પણ બે સૈનિકો માર્યા ગયા હતા અને ત્રણ ઇજા પામ્યા હતા. આ પહેલા જૈશ-એ-મોહમ્મદના સંગઠન કાશ્મીર ટાઇગર્સના આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં લશ્કરના ચાર જવાન અને એક પોલીસ અધિકારીએ જીવ ગુમાવ્યો હતો.