જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકી હુમલો, 26ના મોતની આશંકા, આજે રાત્રે જ PM મોદી પરત ફરશે
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. 26ના મોતની આશંકા છે. જો કે, સત્તાવાર રીતે 16ના મોતની પુષ્ટિ કરાઈ છે. મૃતકોમાં બે વિદેશી નાગરિક પણ છે. ઘટનામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. બે લોકોની હાલત ગંભીર જણાવાય રહી છે. તેમાંના ત્રણ સ્થાનિક અને બાકીના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓડિસા સહિત અન્ય રાજ્યોના નાગરિક છે. પહેલગામા હુમલામાં 5 થી 6 આતંકવાદીઓ હતા. આતંકવાદી સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા છે. જ્યાં તેઓ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આવતીકાલે તેઓ ઘાયલોની મુલાકાત કરશે.
શ્રીનગર કંટ્રોલ રૂમ દ્વારા મદદ માટે ઈમરજન્સી નંબર જાહેર કરાયા
- 0194-2483651
- 0194-2457543
- 7780805144
- 7780938397
- 7006058623
પહલગામ હુમલાની અપડેટ
આજે રાત્રે જ પરત ફરશે વડાપ્રધાન મોદી
સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ પ્રવાસને ટુંકાવ્યો છે. આતંકવાદી હુમલાની ઘટના બનતા વડાપ્રધાન મોદી આજેજ જેદ્દાથી પરત ફરી રહ્યા છે. તેઓ આજે રાત્રિ ભોજનમાં સામેલ ન થયા.
પહલગામ આતંકી હુમલાની ટ્રમ્પ-પુતિને કરી નિંદા
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, 'કાશ્મીરમાંથી ખૂબ જ ચિંતાજનક સમાચાર મળ્યા છે. આવા સમયે આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂત રીતે ઉભું છે. અમે મૃતકોના આત્મા માટે અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. વડાપ્રધાન મોદી અને ભારતના અવિશ્વસનીય લોકોને અમારો સંપૂર્ણ ટેકો અને સહાનુભૂતિ છે. અમારા હૃદયથી તમારા બધા સાથે છીએ.' રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પહલગામ હુમલામાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. UEA અને ઈરાને પણ આતંકી હુમાલની નિંદા કરી છે.
પહલગામ હુમલાના વિરોધમાં આવતીકાલે કાશ્મીરમાં પૂર્ણ બંધનું એલાન
PDP ચીફ મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, 'ચેમ્બર એન્ડ બાર એસોસિએશન જમ્મુએ પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાના વિરોધમાં આવતીકાલે પૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. હું તમામ કાશ્મીરીઓને અપીલ કરું છું કે તેઓ પહલગામમાં થયેલા ક્રૂર હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના સન્માનમાં આ બંધનું સમર્થન કરે. આ માત્ર નક્કી કરાયેલા લોકો પર હુમલો નથી. આ આપણા સૌ પર હુમલો છે. અમે દુઃખ અને આક્રોશમાં એક સાથે છીએ અને નિર્દોષ લોકોના નરસંહારની નિંદા કરવા માટે બંધનું પુરજોશમાં સમર્થન કરે છે.'
ભાવનગરના પિતા-પુત્ર મિસિંગ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભાવનગરના પિતા-પુત્રનો કોઈ પત્તો નથી. સ્મિત અને યતિશભાઈ પરમાર નામના વ્યક્તિનો કોઈ પત્તો નથી. ભાવનગર ડિઝાસ્ટર વિભાગ જમ્મુ કાશ્મીર તંત્રના સંપર્કમાં છે.
આતંકવાદી હુમલામાં 16 લોકોના મોતની પુષ્ટિ
પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં એક ઇઝરાયલી પ્રવાસીની ઓળખ થઈ છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સુરતના એક વ્યક્તિનું મોત થયું છે.
16 મૃતકોની યાદી
- મંજુ નાથ શિવામુ - કર્ણાટક
- વિનય નરવાલ - હરિયાણા
- શુભમ દ્વિવેદી - ઉત્તરપ્રદેશ
- દિલીપ જયરામ - મહારાષ્ટ્ર
- સંદિપ નવપાને - નેપાળ
- બિટન અધકેરી
- ઉધ્વાની પ્રદિપ કુમાર - UAE
- અતુલ શ્રીકાંત મોને - મહારાષ્ટ્ર
- સંજય લખન લેલે
- સૈયદ હુસૈન શાહ - અનંતનાગ - J&K
- હિંમતભાઈ કળથિયા - સુરત, ગુજરાત
- પ્રશાંત કુમાર બલેશ્વર
- મનીષ રંજન
- રામચંદ્રમ
- શાલીન્દર કલ્પિયા
- શિવમ મોગ્ગા
10 ઘાયલોની યાદી
- વિનોદભાઈ - ભાવનગર, ગુજરાત
- મનીક પાટીલ
- રિનો પાંડે
- એસ. બાલાચંદ્રુ - મહારાષ્ટ્ર
- ડૉ. પરમેશ્વરમ - ચેન્નાઈ, તમિલનાડુ
- અભિજવમ રાઓ - કર્ણાટક
- શન્ત્રુ અગે - તમિલનાડુ
- શશિ કુમારી - ઓડિસા
- બાલાચંદ્રા - તમિલનાડુ
- સોભિત પટેલ - મુંબઈ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની NIA કરશે તપાસ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આપવી છે. કેન્દ્ર સરકારે આ હુમલાની ગંભીરતાને જોતા NIAને તપાસની જવાબદારી આપી છે, જેથી હુમલાનું ષડયંત્ર કરનારા આતંકવાદીઓના નેટવર્ક અને તેમના વિદેશી કનેક્શનની ઉંડાણપૂર્વક તપાસ કરી શકાય.
શ્રીનગરમાં અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
પહલગામ આતંકવાદી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા, જમ્મુ કાશ્મીર પોલીસ, સેના સહિતના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આવતીકાલે તેઓ આતંકી હુમલામાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત કરશે.
અમિત શાહ શ્રીનગર પહોંચ્યા
અમિત શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા છે. તેમની સાથે IB ચીફ અને ગૃહ સચિવ સહિતના મોટા અધિકારીઓ પણ હાજર છે. અમિત શાહ શ્રીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક કરશે. અમિત શાહ હોસ્પિટલોમાં ઇજાગ્રસ્તોને મળશે.
સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાને ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું હતું. આ દરમિયાન, અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી, જમ્મુ અને કાશ્મીર ડીજીપી અને સેનાના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. અમિત શાહે કહ્યું હતું કે, 'આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં.'
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
આતંકી હુમલા અંગે X પર વડાપ્રધાન મોદીએ લખ્યું હતું, 'જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. દોષિતોને બક્ષવામાં નહીં આવે. આતંકવાદીઓના એજન્ડા સફળ નહીં થાય. આતંકવાદ સાથે લડવાનો અમારે સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.'
પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો અત્યંત દુઃખદ અને આઘાતજનક છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. આ હુમલાને આઘાતજનક અને અત્યંત પીડાદાયક ગણાવતા તેમણે કહ્યું કે, 'નિર્દોષ લોકો પરનો આ હુમલો એકદમ બર્બર અને અમાનવીય હતો અને તેની સખત નિંદા થવી જોઈએ. નિર્દોષ નાગરિકો અને આ કિસ્સામાં પ્રવાસીઓ પર હુમલો અત્યંત શરમજનક અને અક્ષમ્ય છે.'
નાગરિકો પર સૌથી મોટો હુમલો થયો હતો: ઓમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાને તાજેતરના વર્ષોમાં નાગરિકો પરનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. તેમણે x પર લખ્યું કે, 'મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હજુ પણ નક્કી કરવામાં આવી રહી છે. પરંતુ આ હુમલો તેની ક્રૂરતા અને સ્કેલની દ્રષ્ટિએ અત્યંત ગંભીર છે.'
અમરનાથ યાત્રા પહેલા જ આતંકવાદી હુમલો
થોડા દિવસ બાદ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે, આ યાત્રામાં પહલગામમાં જ બેઝ કેમ્પ બનાવવામાં આવે છે. ગરમીના કારણે કાશ્મીરમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં આ આતંકવાદી હુમલાના કારણે કાશ્મીર ગયેલા અન્ય ટૂરિસ્ટોના જીવ પડીકે બંધાયા છે. સાથે સાથે આગામી સમયમાં થનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે. પર્યટકો પર આ પ્રકારના હુમલાના કારણે કાશ્મીરના વેપાર ઉદ્યોગ પર પણ અસર પડશે.