ચાર સાથીઓના મોતથી ભડક્યાં આતંકી, રાજૌરીમાં આર્મી કેમ્પ પર હુમલો, એક જવાન ઘાયલ
Terrorist Attack in Jammu and Kashmir: શનિવારે (છઠ્ઠી જુલાઈ) જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓને ઠાર મરાયા બાદ ગુસ્સે ભરાયેલા આતંકીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો ત્યારે સેનાના જવાનોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં એક જવાન ઘાયલ થયાના સમાચાર છે. ફાયરિંગ કર્યા બાદ આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા હતા. સેના અને પોલીસે આતંકીઓને શોધવા માટે ઓપરેશન શરૂ કર્યું છે.
ગઈકાલે બે સ્થળોએ ચાર આતંકી ઠાર મરાયા હતા
શનિવારે બે સ્થળોએ થયેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે બે જવાનો પણ શહીદ થયા હતા. એન્કાઉન્ટર બાદ ડ્રોન કેમેરામાં ચાર આતંકીઓના મૃતદેહ દેખાયા હતા. જો કે, ફાયરિંગ ચાલુ હોવાથી મૃતદેહો બહાર કાઢી શકાયા ન હતા.
આ પણ વાંચો: અમેરિકામાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં હિંસાનું તાંડવ, 33 લોકોનાં મોત, શિકાગોમાં ભયંકર ગોળીબાર
ફાયરિંગ બાદ આતંકીઓ નાસી ગયા
તાજેતરના અહેવાલ મુજબ, ફાયરિંગ કર્યા બાદ આતંકવાદીઓ તરત જ ત્યાંથી ભાગી ગયા હતા. સેના અને પોલીસ સંયુક્ત રીતે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. ઉલ્લેખનીય છે કે રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકી હુમલા બાદ સરકારે આદેશ આપ્યો હતો કે આતંકવાદીઓને પૂરી તાકાતથી ખતમ કરવામાં આવે. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા 70 વિદેશી આતંકવાદીઓ સક્રિય છે.